Western Times News

Gujarati News

કેરળમાં ખ્રિસ્તીઓની પ્રાર્થના સભામાં સિરિયલ બ્લાસ્ટ: 36 ઘાયલ

એક ટિફિન બોક્સમાં વિસ્ફોટકો ભરીને બ્લાસ્ટ કરાયો હોય તેવી શક્યતા

થિરૂવનંથપૂરમ્‌, મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ-ગાઝા યુદ્ધના કારણે વાતાવરણ ગરમ છે ત્યારે ભારતના કેરળ રાજ્યમાં આજે ખ્રિસ્તીઓની એક પ્રાર્થના સભામાં ત્રણ સિરિયલ બ્લાસ્ટ થતા હાહાકાર મચી ગયો છે. આ વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને ૩૬ લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોમાં પાંચની હાલત ગંભીર જણાવવામાં આવે છે. આ વિસ્ફોટમાં આઈઈડીનો ઉપયોગ થયો હતો તેવી પુષ્ટિ મળી છે.

હજુ બે દિવસ પહેલાં જ હમાસના એક નેતાએ વિડિયો કોન્ફરન્સિંગથી કેરળના અમુક લોકોને સંબોધ્યા હતા જેમાં જેહાદની વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે અર્નાકુલમ ખાતે પ્રાર્થના સભામાં વિસ્ફોટો થયા છે. આ બંને વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે સવારે ૯.૩૦ વાગ્યે ખ્રિસ્તી સમુદાયના લોકો કલામાસેરી કન્વેન્શન સેન્ટરમાં એકઠા થયા હતા અને પ્રાર્થના કરતા હતા. આ દરમિયાન માત્ર પાંચ મિનિટની અંદર ત્રણ બ્લાસ્ટ થયા હતા. પોલીસ દ્વારા એ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે કે આ વિસ્ફોટમાં આઈઈડી ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી આ એક ત્રાસવાદી ઘટના હોય તેવી પૂરી શક્યતા છે.

આ વિસ્ફોટ કલામાસેરી ખાતે થયો છે જે અર્નાકુલમ જિલ્લાનો ભાગ છે. આ વિસ્ફોટના કારણે ઝામરા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ધ્રુજી ઉઠ્‌યું હતું. આ જગ્યા સિટી સેન્ટરથી ૧૦ કિમીના અંતરે છે અને બ્લાસ્ટના સમયે ત્યાં ૨૦૦૦ લોકો હાજર હતા.

કેરળ પોલીસના વડા શેક દર્વેશ સાહેબે કહ્યુંકે વિસ્ફોટમાં આઈઈડી ડિવાઈસનો ઉપયોગ થયો હતો. આ ડિવાઈસ એક ટિફિન બોક્સમાં રાખવામાં આવી હોય તેવી શક્યતા છે. આ વિશે વધુ વિગતની રાહ જાેવાઈ રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે થોડી થોડી મિનિટોના અંદરે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ બાદ તમામ ડોક્ટરોની રજા રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ડ્યૂટી પર હાજર થવા જણાવાયું છે.

પ્રથમ બ્લાસ્ટ કન્વેન્શન સેન્ટરના હોલની વચ્ચે થયો હતો. ત્યાર પછી હોલની બંને બાજુએ વિસ્ફોટો થયા હતા. અહીં એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે અર્નાકુલમમાં જે જગ્યાએ આ વિસ્ફોટ થયો ત્યાં નજીકમાં યહુદી લોકો પણ વસે છે. આ વિસ્ફોટમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિસ્ફોટ કેવી રીતે થયા તેની તપાસ શરૂ કરી દીધી હતી.

ખ્રિસ્તીઓની પ્રાર્થના સભામાં વિસ્ફોટના પગલે દરેક જગ્યાએ અફરાતપરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા અને હોલમાં આગ લાગી ગઈ હતી. આ વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી.

કેરળના બ્લાસ્ટ અને ઈઝરાયલ-ગાઝા યુદ્ધ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે કારણ કે કેરળમાં કેટલીક જગ્યાએ હમાસનું ખુલ્લેઆમ સમર્થન થઈ રહ્યું છે. બે દિવસ અગાઉ હમાસની તરફેણમાં એક રેલી પણ કાઢવામાં આવી હતી. તેમાં હમાસના એક નેતાએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.