Western Times News

Gujarati News

વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે પંચનો કેન્દ્રને સંકલ્પ યાત્રા ન યોજવા નિર્દેશ

ડિસેમ્બર સુધી પ્રસ્તાવિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ન યોજવા કેન્દ્રને નિર્દેશ-વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ કેન્દ્રની યોજનાઓ અને અભિયાનોને લોકો સુધી પહોંચડવાનો મેગા આઉટરીચ પ્રોગ્રામ

નવી દિલ્હી,  ભારતના ચૂંટણી પંચે ગુરુવારે કેન્દ્ર સરકારને આગમી મહીને વિધાનસભા ચૂંટણી છે એ પાંચ રાજ્યોમાં તેની પ્રસ્તાવિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ૫ ડિસેમ્બર સુધી ન કાઢવાનો નિર્દેશ આપ્યો હતો.

ચૂંટણી પંચે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને સંબોધીને લખેલા એક પત્રમાં કેન્દ્રને આગમી મહીને વિધાનસભા ચૂંટણી છે એ રાજ્યો અને નાગાલેન્ડના તાપી મતવિસ્તારમાં ‘જિલ્લા રથપ્રભારી’ની નિમણૂક ન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. નાગાલેન્ડના તાપીમાં પેટાચૂંટણી યોજાવાની છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ભારતીય જનતા પાર્ટી શાષિત કેન્દ્ર સરકારની યોજનાઓ અને અભિયાનોને લોકો સુધી પહોંચડવા શરુ કરવામાં આવેલો કેન્દ્ર સરકારનો મેગા આઉટરીચ પ્રોગ્રામ છે.

ચૂંટણી પંચે નિર્દેશ આપતા કહ્યું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે ૨૦ નવેમ્બર, ૨૦૨૩થી શરૂ થનારી પ્રસ્તાવિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માટે ‘જિલ્લા રથપ્રભારી’ની નિયુક્તિ કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રવૃતિઓ તે મતદારક્ષેત્રોમાં હાથ ધરવી જાેઈએ નહીં જ્યાં આદર્શ આચારસંહિતા ૫ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી અમલમાં છે.

આ મહિનાની શરૂઆતમાં ચૂંટણી પંચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચ તરફથી પત્ર મળ્યા બાદ કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે પાંચ રાજ્યોમાં આ યાત્રા નહીં કાઢે. પત્રકારો સાથે વાત કરતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે અમે ૨.૫૫ લાખ ગ્રામ પંચાયતો અને લગભગ ૧૮,૦૦૦ શહેરી સ્થળોએ સરકારી પહેલને પ્રોત્સાહન આપવા માટે આ યાત્રા કાઢી રહ્યા છીએ.

પરંતુ હવે આ પાંચ રાજ્યોમાં તેને શરૂ કરવાની અમારી કોઈ યોજના નથી. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડા જયંતિ-જનજાતિ ગૌરવ દિવસના અવસર પર માહિતી, શિક્ષણ અને સંચાર વાનને લીલી ઝંડી બતાવીને આ યાત્રાનું ઉદ્‌ઘાટન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.