Western Times News

Gujarati News

સ્માર્ટ મીટરોમાં ગરબડ: વીજળીનું બિલ બે થી ત્રણ ગણું વધી ગયુંઃ વીજ નિગમની ઓફિસે લોકોનો આક્રોશ

પ્રતિકાત્મક

વડોદરાના સુભાનપુરા વિસ્તારની વીજ નિગમની કચેરીએ સ્માર્ટ મીટરોમાં ગરબડ હોવાના આક્ષેપ  ઃ સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ

(એજન્સી) વડોદરા, સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ વીજ મીટર વીજ કનેક્શન ધારકોને લગાવવાની ચાલતી કાર્યવાહી સંદર્ભે સુભાનપુરા વીજ નિગમ ની ઓફિસે એકત્ર થયેલા ઉશ્કેરાયેલા ટોળાએ માસિક વીજ બિલ બેથી ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપો કરીને સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ કરી હતી. સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ આક્ષેપો ટોળાએ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી વડોદરામાં પ્રત્યેક વીજ કનેક્શન ધારકનું જૂનું વીજ મીટર કાઢીને નવા સ્માર્ટર્ વીજ મીટર લગાવવાની કાર્યવાહીનું કામ એજન્સીને આપવામાં આવ્યું છે. સુભાનપુરા વિસ્તારમાં વિસ્તારમાં તાજેતરના દિવસોમાં જુના વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર એજન્સી દ્વારા લગાવવામાં આવ્યા હતા.

સુભાનપુરા વિસ્તારની વીજ નિગમની કચેરીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્વામી વિવેકાનંદ હાઇટ્‌સ-૧ના સ્થાનિક રહીશોનું રોષે ભરાયેલું મસ મોટુ ટોળું સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ નિગમની ઓફિસે ઘસી ગયું હતું. વીજ નિગમની ઓફિસના દરવાજા અંદરથી બંધ હતા ભારે હોબાળો મચાવ્યા બાદ દરવાજા ખોલાયા હતા. ઉપસ્થિત રોષે ભરાયેલા ટોળાએ નવા સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર પુનઃ લગાવી આપવા માંગ કરી હતી.

સ્માર્ટ વીજ મીટર લાઈટનું બિલ બે થી ત્રણ ગણું વધી ગયું હોવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત વીજ રિચાર્જ ખતમ થયા બાદ કનેક્શન કાપી નાખવામાં આવે છે. આ સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ એકત્ર સ્થાનિક રહીશોના ટોળાંએ આક્ષેપ કર્યા હતા. જ્યારે બીજી બાજુ વીજ નિગમની ઓફિસમાં ઉપસ્થિત કરીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર નાખવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે.

આ અંગે અમે વધુ કંઈ કહી શકીએ નહીં એમ તેમણે જણાવ્યું હતું. સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની આગોતરી જાણ કરવામાં આવી નહીં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઘરે આવતી એજન્સી દ્વારા વીજ કનેક્શન પાસેથી રનીંગ વીજ બીલ માંગી લેવામાં આવે છે અને સ્માર્ટ મીટર લગાવવા બાબતે જાણ કરાય છે. પરંતુ જો કોઈ વીજ બીલ આપવાનો ઇનકાર કરે તો ભવિષ્યમાં તેમને વીજ નિગમ દ્વારા રૂપિયા દસ હજારનો દંડ થશે તેવી ચીમકી પણ એજન્સી દ્વારા અપાતી હોવાના પણ આક્ષેપો કરાયા હતા.

વીજ કનેક્શન અંગે સ્માર્ટ મીટર એક વખત લગાવ્યા બાદ તેને ચકાસવા બાબતે પણ કોઈપણ જાતની રીતરસમ શીખવાડવામાં આવી નથી. નિયત યુનિટ માઇનસમાં જાય ત્યાં સુધી વીજ કનેક્શન નહીં કપાતું હોવાનું જણાવીને ત્યારબાદ વીજ કનેક્શન વીજ નિગમ દ્વારા જાણ કર્યા વિના કાપી નાખવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

સુભાનપુરાની સ્વામી વિવેકાનંદ હાઈટ્‌સ ના મકાનો પ્રધાનમંત્રી આવાસની મિડલ ક્લાસના લોકો માટે બનાવવામાં આવી છે અને તેમાં મધ્યમ વર્ગના લોકો જ રહે છે જેથી તેમને સ્માર્ટ મીટર બાબતે ચકાસણી કરવામાં પણ ભારે તકલીફ પડતી હોવાનું પણ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.