Facts : ભારતીય રેલવેની ઓછી જાણીતી વાતો જાણો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/train-2.jpg)
એક સ્ટેશન એવું જેનું હજુ નામકરણ જ નથી થયું ઃ એક સ્થળ એવું જ્યાં બે સ્ટેશન છે
ભારતીય રેલ વિશાળ નેટવર્ક ધરાવે છે. કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલ પ્રદેશથી ઓખા સુધી સસ્તા ભાડામાં ઉત્તમ સગવડવાળી મુસાફરીનું માધ્યમ જબરદસ્ત વહીવટી વ્યવસ્થા ધરાવે છે. ર૪ કલાક કાર્યરત ટ્રેનોના સંચાલનમાં કર્મચારીઓ અવિરત કાર્યરત રહે છે આ ટ્રેન સેવામાં કેટલીક રોચક અને મજેદાર વાતો પણ સંકળાયેલી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સહદે નવાપુર નામે રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન બંને રાજય સાથે જાેડાયેલું છે. તો હિન્દુસ્તાનમાં એક રેલવે સ્ટેશન એવું પણ છે કે જેનું નામકરણ હજુ થયું નથી. પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં આ સ્થળ આવેલું છે. વર્ધમાનથી ૩પ કિલોમીટર દૂર રૈના નામે ગામ છે અહીં નવું રેલવે સ્ટેશન બની ગયું છે પણ હજુ સુધી કોઈ નામ અપાયું નથી. સિક્કીમ એવું રાજય છે જે હજુ રેલવે નેટવર્કથી વિખુટું છે. હિન્દુસ્તાનના સૌથી સુંદર રેલવે સ્ટેશનમાં ચારબાગ સ્ટેશન અગ્રતાક્રમે છે.
આ સ્ટેશન લખનઉમાં આવેલું છે. સ્ટેશનની ઈમારત અંગ્રેજાેના સમયની છે અને ચારબાગની સુંદરતા આંખને ઠંડક આપે તેવી છે. પ્લેટફોર્મની સંખ્યાના આધારે હિન્દુસ્તાનનું સૌથી મોટું રેલવે સ્ટેશન હાવડાનું છે. કોલકાતા શહેરના ચાર રેલવે સ્ટેશન પૈકીનું એક છે અને હુગલી નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. દક્ષિણ ભારતમાં કન્યાકુમારી અને પૂર્વમાં તિનસુકિયા અંતિમ સ્ટેશન છે. અંતિમ રેલવે સ્ટેશનમાં ઉત્તરમાં બારામુલા અને પશ્ચિમમાં ભુજનું નામ આવે છે. નોર્થ-ઈસ્ટર્નનું ગોરખપુર સ્ટેશન સૌથી લાંબુ છે તેના પ્લેટફોર્મની લંબાઈ ૧૩૬૬ મીટરથી વધુ છે. આ પહેલા ખડગપુર સૌથી મોટું હતું.
વિશ્વમાં સૌથી મોટું રેલ નેટવર્ક અમેરિકા, રશિયા, ચીન પછી હિન્દુસ્તાનમાં છે. એક અંદાજ મુજબ દેશમાં રોજ ૧૯ હજારથી વધુ ટ્રેન દોડે છે તેમાં ૧ર હજાર ઉતારૂ માટે અને ૭ હજાર માલ પરિવહન માટે છે. આ સંખ્યામાં વધારો થઈ ચુકયો છે. દેશમાં સ્ટેશનની સંખ્યા ૭ર૦૦ જેટલી છે. રેલવે પાસે લાખો એકર જમીન છે અને તે પૈકીની ૧.૧૩ લાખ એકર જગ્યા ખાલી પડી છે. દેશમાં સૌથી નાની લાઈન કાંચ એટ શટલ ટ્રેનની છે. ઝાંસી-કાનપુર રૂટ ઉપરની આ લાઈન માત્ર ૧૩ કિલોમીટરની છે. મજાની વાત એ છે કે, આ ટ્રેનને લોકો હાથ ઉંચો કરીને પણ ઉભી રખાવી શકે છે. ભારતીય રેલવેના માપદંડ મુજબ જયાં ટ્રેન ઉભી રહે તે સ્ટેશન પરંતુ જે સ્ટેશન ઉપર ત્રણ વિવિધ રૂટની ટ્રેન આવતી હોય તેને જંકશન કહેવાય છે. દેશમાં આવા જંકશનની સંખ્યા ૩૦૦થી વધુ છે. દેશનું પહેલું રેલવે સ્ટેશન મુંબઈનું બોરીબંદર છે અને પહેલી ઉતારુ ટ્રેન ૧૮પ૩માં બોરીબંદરથી થાણા વચ્ચે દોડી હતી. અંગ્રેજાેએ રેલવેનું નેટવર્ક પાથર્યું એ મુખ્યત્વે હિન્દુસ્તાનનો સામાન ઝડપથી ફેરવી શકાય તેવા ઉદેશનો જ હતો. સેન્ટ્રલ સ્ટેશન દેશમાં પાંચ છે. (૧) ત્રિવેન્દ્રમ (ર) કાનપુર (૩) મેંગલોર (૪) મુંબઈ (પ) ચેન્નઈ.
જે સ્ટેશન સાથે ટર્મિનલ શબ્દ વપરાતો હોય તેનો અર્થ એ કે, અહીં રેલમાર્ગ પુરો થાય છે. આ સ્થળની આગળ ટ્રેન લાઈન નથી. સ્ટેશન સાથે સેન્ટ્રલ શબ્દ જાેડાય તો સમજવું કે શહેરનું આ સૌથી વ્યસ્ત સ્ટેશન છે અગાઉ કહ્યું તેમ જંકશન હોય ત્યાં વિવિધ રૂટ ભેગા થાય. દેશમાં કુલ ર૭ ટર્મિનલ સ્ટેશન છે. દેશના પહેલા ખાનગી રેલવે સ્ટેશન તરીકે હબીબગંજનું નામ આવે છે. મહારાષ્ટ્રમાં અહમદનગરમાં આશ્ચર્ય થાય તેવું છે. આ સ્થળે બે રેલવે સ્ટેશન છે એકનું નામ શ્રીરામપુર અને બીજાનું નામ બેલાપુર સ્ટેશન છે. બંને સ્ટેશન એક જ જગ્યાએ છે પરંતુ પાટા અલગ દિશામાં છે. અહીં યાત્રી પ્રવેશે ત્યારે તેણે પ્લેટફોર્મની રચના સમજી લેવી પડે તેમ છે.