Western Times News

Gujarati News

Pollution : લાખો ગર્ભસ્થ શિશુઓને ભરખી રહી છે પ્રદૂષિત હવા

વર્ષોથી આપણે જાેતાં- સાંભળતા આવ્યા છીએ કે દેશની રાજધાની દિલ્હીની હવા સૌથી વધુ પ્રદૂષિત હોય છે. પરંતુ આ વખતે મુંબઈમાં પ્રદુષણે દિલ્હીને પાછળ છોડી દીધું. એવું નથી કે દેશના બીજા ભાગોમાં પ્રદૂષણ નથી. ખરેખર તો સમગ્ર દેશમાં પ્રદૂષિત હવાનું રાજ ચાલી રહ્યું હોય એવો સિનારિયો જાેવા મળી રહ્યો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તે સીધી ગર્ભસ્થ શિશુને અસર કરે છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ પ્રદૂષિત હવાને કારણે ભારતમાં દર વર્ષે ર,૧૭૦૦૦ બાળકો માતાની કૂખમાં જ મૃત્યુ પામે છે. નિષ્ણાતો કહે છે કે સ્ટિલબર્થની આ સંખ્યા ચિંતા ઉપજાવનારી છે.

નિષ્ણાતો સ્ટિલબર્થનો મતલબ સમજાવતા કહે છે કે જે શિશુ માતાના ગર્ભમાં કે પછી જન્મ સમયે મૃત્યુ પામે તેને સ્ટિલબર્થ કહેવામાં આવે છે. તેઓ વધુમાં કહે છે કે સ્ટિલબર્થ અને ગર્ભપાત વચ્ચે ઘણો તફાવત છે. ગર્ભાધાનના ર૦ અઠવાડિયા પહેલા જાે ગર્ભસ્થ શિશુ માતાની કુખમાં જ મૃત્યુ પામે, જે તે મહિલાને ગર્ભપાત થઈ જાય તેને મિસકેરેજ કહેવામાં આવે છે.

પરંતુ ર૦ અઠવાડિયા પછી જાે ગર્ભસ્થ શિશુ માતાની કુખમાં અથવા જન્મ સમયે મૃત્યુ પામે તેને સ્ટિલબર્થ કહેવાય છે આપણા દેશમાં સ્ટિલબર્થની સંખ્યા સવા બે લાખને આરે પહોંચી ગઈ છે. અને તેનું મુખ્ય કારણ છે. પ્રદુષિત હવા. પાકિસ્તાનમાં આ આંકડો ૧,૧૦,૦૦૦ જેટલો છે જયારે નાઈજીરિયામાં ૯૩,૦૦૦, ચીનમાં ૬૪,૦૦૦ અને બાંગલાદેશમાં આ સંખ્યા ૪૯,૦૦૦ જેટલી છે. આનો સીધો અર્થ એ થયો કે આ બાબતે વિકાસમાં આપણા કરતં પાછળ રહેલા દેશોની સ્થિતિ ઘણી સારી છે.

ગર્ભસ્થ શિશુ પર વાયુ પ્રદુષણની કેવી અસરો થાય છે

તેની સમજ આપતા નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલા તો તેની અસર ગર્ભસ્થ શિશુના વજન પર થાય છે. સગર્ભા જયારે શ્વાસ વાટે પીએમ ર.પ (અતિપ્રદૂષિત) હવા લે છે ત્યારે પ્લેસેટા દ્વારા પોષક તત્વોની આપૂર્તિ ઘટે છે. સ્વાભાવિક રીતે જ ગર્ભસ્થ શિશુ કુપોષિત રહે છે. એ વાત સર્વવિદિત છે કે બાળકના જન્મ નવ મહિને થાય છે પરંતુ પ્રદુષણની માઠી અસરને પગલે તે અધુરા મહિને જન્મી શકે છે. અને સમયથી પહેલા જન્મેલા બાળકમાં ચેતાતંત્રને લગતી કોઈ સમસ્યા કે પછી વિકલાંગતા હોવાની શકયતા વધી જાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે જે મહિલાઓ ગર્ભાવસ્થાના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધારે પડતા પ્રદુષિત વાતાવરણમાં રહે છે તેમની કૂખે ઓટિસ્ટિક બાળક અવતરવાની સંભાવના વધી જાય છે અન્ય એક અભ્યાસમાં એમ પણ જણાયું હતું કે લાંબા સમય સુધી પ્રદુષિત વાતાવરણમાં રહેતી સગર્ભાને મિસકેરેજ થવાની ભીતિ રહે છે તેવી જ રીતે પુરુષોની ફળદ્રુપતાને અસર પહોંચે છે.

પ્રદૂષિત વાતાવરણમાં ગર્ભાવસ્થાના નવ મહિના પાર કરીને સામાન્ય શિશુને જન્મ આપનારી માતા ચોકકસપણ સદનસીબ કહેવાય. આમ છતાં એ બાળકને આગળ જતાં મધુપ્રમેહ, હદયરોગ, હાઈબ્લડ પ્રેશર, જેવી વ્યાધિઓ થવાની ભીતિ રહે છે. વાતાવરણમાં રહેલા પ્રદુષકો તેને જન્મ સમયે નહી તો પછીથી પણ હેરાન કરે છે. બહેતર છે કે જે તે મહિલા ગર્ભાવસ્થા દરમિયાન જ ચોકકસ પ્રકારની કાળજી લે. જેમ કે.., વાતાવરણ વધારે પડતું પ્રદૂષિત હોય ત્યારે ઘરથી બહાર નીકળવાનું ટાળવું., ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો. ઘરમાં ઉગાડી શકાય એવા નાના છોડ રોપવા જેથી ઘરની હવા શુધ્ધ રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.