ફળો ખરીદતાં પહેલાં આ જાણો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/fruits.jpg)
આયુર્વેદમાં ફળો વિશે ઉડી સમજ આપી છે. જાે એ સમજી અને સાથે તમારા રોગ અને પ્રકૃતિ ઓળખી તેનું સેવન કરો તો રોગ ઘટી સ્વાસ્થ્ય વધે છે. કેરી : મધુર, શીતળ, ભારે, મળસ્થંભક પ્રિય ફળ છે તથા ધાતુવર્ધક, પુષ્ટિકારક, કફવર્ધક, દીપક, કાંતિ વધારનારી, વાયુ તથા દાહ, પિત્ત શ્વાસ અને અરુચિનો નાશ કરે છે. લીંબુ : ખાટું, ગરમ, પેટનો વાયુ, આકરો, શૂળ, ઉધરસ, આમ, કરમ, અરુચિ અને મોઢાની ખરાબ વાસ દુર કરી જઠરાગ્નિ વધારે છે વધુ પડતું સેવન ગરમી કરે છે.
દાડમ : મીઠા, તૃપ્તિકારક, ધાતુવર્ધક, હલકા, તુરાં, ગ્રાહી, સ્નિગ્ધ, બુદ્ધિવર્ધક, બલપ્રદ, મધુર અને પથ્યકારક છે. ત્રિદોષ, તરસ, દાહ, તાવ, હદયરોગ, મુત્રરોગ અને કંઠરોગ મટાડે છે. ખાટા દાડમ રુચિકર, દીપક, લઘુવાયુ અને પિત્તનો નાશ કરે છે વધુ પડતા ખાટા દાડમ પિત્તકારક છે કફ અને વાયુનો નાશ કરે છે. દ્રાક્ષ : કાળી દ્રાક્ષ સુકી હોય તો વાજીકરણ, બલદાયક, પૌષ્ટિક, દાહ, મૂચ્ર્છા, દમ,ઘાસ, કફ, પિત્ત, તૃષા, ઉલટી અને હદયવ્યથાનો નાશ કરે છે કિસમિસ કાળી અને રાતી ઠંડી, વૃશ્ય, ભારે મધુર, રુચિકર, ખાટી અને રસાળ હોય છે પાકેલી લીલી દ્રાક્ષ સ્વર સુધારનારી, મધુર, તૃપ્તિ કરનારી, રુચિવર્ધક, મુત્રલ, તૂરી, ઝાડો સાફ લાવનારી, શ્રમ કરનારાને વૃષ્ય છે. દ્રાક્ષની બનાવટનો ઉપયોગ પિત્ત, શ્વાસ, ખાંસી, ક્ષય, ઉલટી સોજા, ભ્રમ, તાવ, દાહ, વાયુ, કમળો અને આફરામાં રાહત આપે છે.
નારંગી : મધુર, રુચિકર, શીતળ, પૌષ્ટિક, વૃષ્ય, દીપક, હદયને હિતકારક, નિર્દોષ, શૂળ અને કૃમિનાશક, મંદાગ્નિ, ખાંસી, વાયુ, પિત્ત, કય અને ક્ષયમાં લાભકારક નીવડે છે. મીઠી નારંગી ઉત્તમ છે તેનું શરબત દાહ અને પિત્ત મટાડે છે ઉલટી – ઉબકામાં ઉત્તમ છે. લોહીને વધારે છે. રોજ ચૂસવાથી પેઢામાંથી પડતું લોહી મટાડે છે. મોસંબી : પિત્તન્શામક, જુના તાવને મટાડનારી, રકતશોધક, પાંડુ, કબજિયાત, જીર્ણ, જુના ઝાડા, મોઢુ પાકી જવું, મંદાગ્નિ, આમાતિસાર, અરુચિ ક્ષય, ખાંસી, ઉલટી, ઉદરરોગ, રકતવિકારના દર્દીમાં તે લાભ કરે છે. તે શરદી સિવાય હંમેશા પથ્ય છે.
સફરજન : પૌષ્ટીક, મળને બાંધનારા, લોહીમાં આશ લાવનારા, પાચક, પિત્ત, વાયુને શાંત કરનારા, તરસ મટાડી આંતરડાને સારી એવી તાકાત આપનારા નીવડે છે. આમ મરડો ઘટાડી આંતરડાને બળવાન કરે છે. એનો મુરબ્બો પેટ માટે ઉત્તમ છે. જાંબુ : પાચનશક્તિ સુધારી ફિકાશ દૂર કરી લોહી વધારે છે. મીઠી પેશાબના દર્દો માટે ઉત્તમ છે તેના ઠળિયાનું ચૂર્ણ કે તેમાંથી બનતા ધનથી પેશાબમાં જતી સાકર અટકે છે જાંબુ મધુર, તૂરા, શામક અને તૃપ્તિ આપનારા છે.
કેળા : બળકારક, મધુરા, શીતળ, વૃષ્ય, શુક્રવર્ધક, પોષકબળ, માંસ, કાંતિ અને રુચિને વધારનારા કફકારક છે. તરસ, ગ્લાનિ, પિત્ત, રક્તવિકાર, ભુખ, નેત્રરોગોનો નાશ કરે છે બહુ નબળી પાચનશક્તિવાળાઓએ સંભાળીને વાપરવા, મેદરોગવાળાઓએ મીઠી પેશાબવાળાએ લેવા નહી. પપૈયું : મધુર, ભારે, રુચિકારક, પાચક, પિત્તનાશક અને ઝાડો સાફ લાવનારું છે. બરલ મટાડે છે. પ્રસુતા સ્ત્રી માટે ઉત્તમ છે વધુ ખાતા વાયુ કરે છે. પાકેલા વાપરવા.
જામફળ : પેરુના ગુણો કરતા અવગુણ મોટા છે ભારે પેટમાં દરદ અને કબજિયાત કરનારું છે અજીર્ણ કરે છે. નાના બાળકો વુધ પડતું સેવન કરે તે હિતકારક નથી વર્ષાઋતુમાં તો ન જ ખાવા. ખજૂર : શીતળ, મધુર, સ્નિગ્ધ, રુચિકારક, ભારે તૃપ્તિ કરનારા, પૌષ્ટિક, કબજિયાત કરનારા, વીર્યવર્ધક, બળ આપનાર વિષ, રકતપિત, ખાંસી, શ્વાસ, મેદ મુચ્ર્છા વાયુ અને પિત્ત મટાડે છે ગરીબોનો સુંદર મેવો છે.
ફાલસા : મધુર, રુચિકારક, ઠંડા સ્વાદિષ્ટ, પિત્તશામક, ગ્રાહી, ઝાડાને બંધ કરનારા વાયુ, પિત્ત મટાડે છે. અંજીર : સ્વાદિષ્ટ, શીતળ, ભારે રકતવિકાર, વાયુ, પિત્ત તથા ખાંસી મટાડે છે અંજીરનું શરબત નાના બાળકોને વજન વધારવા અપાય છે. દૂધમાં નાખી, બાફી ખાઈ ઉપર દૂધ પીવાથી તાકાત આપે છે. ચીકુ : મધુર, રુચિકારક, પૌષ્ટિક અને ક્ષમને હરનારા છે જમ્યા પછી લેવા ઘટે નાના બાળકો માટે ઉત્તમ છે.
નાસપતિ : સામાન્ય વર્ગ વધુ ખરીદી શકે છે તરસ મટાડી પેશાબ સાફ લાવે છે. બીમારો માટે પથ્ય છે. બોર : કાચા કે ખાટાં હાનિકારક છે પાકેલા બોર મધુર, પિત્તને મટાડનારા અને સ્નિગ્ધ તથા સાકર છે. સુકા બોર કફ અને વાયુ મટાડે છે પિત્તને વધારતા નથી જૂના બોર તરસ અને શ્રમ મટાડે છે ખાટાં બોર પિત્ત અને કફ વધારે છે. શિંગોડા : પૌષ્ટિક, વાજીકરણ, રુચિકર, કફ વધારનાર, દસ્તને બાંધનારા, વાયુકારક, વીર્યવર્ધક, ભારે, મધુર, તૂરા, શીતળ છે. પિત્ત, દાહ, રક્તવિકાર, મેદ, ભ્રમ, સોજાે અને સંતાપ, મટાડનારા છે સુંદર અને પૌષ્ટિક મેવો છે પણ વાયુ ખાસ કરે છે.