કેન્દ્ર સરકારે અટકળો પર મુક્યુ પૂર્ણવિરામ, દેશમાં લોકડાઉન લાગુ કરવાની કોઈ યોજના નથી,
નવી દિલ્હી, કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે લોકોમાં એક વાતની ભારે ચર્ચા છે કે, શું સરકાર ફરી લોકડાઉન લાગુ કરશે કે નહી. જોકે આ અટકળો પર કેન્દ્ર સરકારે પૂર્ણ વિરામ મુકી દીધુ છે. મંગળવારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ફરી લોકડાઉન લાગુ નહી થાય તેવી વાત કરી છે.
તેમણે કહ્યુ હતુ કે, દેશમાં હાલમાં લોકડાઉનની જરુર નથી.રાજ્યોની સાથે કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ કરવા માટે કામ ચાલી રહ્યુ છે.ઉપરાંત કોરોનાના કેસ વધે તો જે તે સ્થળે લોકડાઉન લાગુ કરવાના અધિકાર રાજ્યોને અપાયેલા જ છે.
અન્ય એક સરકારી અધિકારીએ કહ્યુ હતુ કે, કોઈ રાજ્યના એક ચોક્કસ વિસ્તાર, ગામ કે શહેરમાં કેસ વધે છે તો કેટલાક દિવસનુ લોકડાઉન તેટલા વિસ્તાર પુરુતુ લાગુ થઈ શકે છે.જેમ કે મધ્યપ્રદેશે દર રવિવારે અને યુપીએ દર શનિવાર અને રવિવારે બજારો બંધ રાખવાનુ નક્કી કર્યુ છે.મહારાષ્ટ્રે પૂણેમાં લોકડાઉન ચાલુ કર્યુ છે.
મળતી જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને સૂચના આપવામાં આવી રહી છે કે, રાજ્યો જ્યાં કેસ વધે છે તેવા વિસ્તારો પર સક્રિય થઈને કામ કરે.નહીતર તેની અસર બીજે પણ પડી શકે છે અને કેસ વધી શકે છે.જો એ પછી પણ સ્થિતિમાં બદલાવ ના થાય તો રાજ્યો એટલા વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી શકે છે.