લોકઅપનું તાળુ ખોલી પ્રેમિકા પ્રેમી યુવક સાથે ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દાહોદ જીલ્લાના સંજેલી પોલીસ મથકના લોકઅપ માંથી ગત રાત્રી દરમ્યાન એક પ્રેમી પંખીડા ફરાર થઈ જતાં દાહોદ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. આ અંગેની જાણ દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ફરાર આ પ્રેમી પંખીડાઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
સંજેલી પોલીસ મથકમાંથી પોક્સો એક્ટ હેઠળના પકડાયેલા એક પ્રેમી પંખીડાઓ પોલીસ મથકમાંથી ફરાર થયાનું સામે આવ્યું છે. ગતરોજ રાત્રીના સમયે પોલીસ મથકમાંથી પકડાયેલ પ્રેમી પંખીડા પૈકી ભોગ બનનાર દ્વારા ચોરી છુપેથી લોકઅપની ચાવી લઈ આવી આરોપીને લોકઅપમાંથી બહાર કાઢી બંન્ને નાસી જતાં પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. આ પ્રેમી પંખીડા ત્રણ માસ અગાઉ ફરાર થઈ ગયાં હતાં.
જાણવા મળ્યાં અનુસાર, આ પ્રેમી પંખીડાઓને કોર્ટમાં હાજર કરવાના હતા ત્યારે તે પહેલા પ્રેમી પંખીડાઓ ફરાર થઈ જતાં સમગ્ર સંજેલી સહિત જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. આ અંગેની જાણ દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી પોલીસ સહિતની ટીમોએ ફરાર પ્રેમી પંખાડીઓને શોધી કાઢવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટના બાબતે ઝાલોદ ડિવીઝનના ડીવાયએસપી ડી.આર.પટેલે જણાવ્યુ હતુ કે, સંજેલી તાલુકાના એક ગામના યુવક અને યુવતી ત્રણ માસ અગાઉ ભાગી જતા સંજેલી પોલીસ મથકે યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને યુવક અને યુવતિની શોધખોળ કરી પોલીસ મથકે લાવવામા આવ્યા હતા, જેમા આરોપી યુવકને લોકઅપમા રાખવામા આવ્યો હતો, જ્યારે યુવતીને પીએસઓ ની પાછળ આવેલા વાયરલેસ રુમમા બેસાડવામા આવી હતી.
ગત રાત્રી દરમિયાન આરોપી યુવકને લઘુશંકા લાગતા તેણે બહાર કાઢવામા આવ્યો હતો અને ત્યાર બાદ પરત લોકઅપમા મુકવામા આવ્યો હતો, અને લોકઅપને લોક મારી ચાવી પીએસઓએ તેની જગ્યાએ મુકી હતી, તે યુવતિ જોઈ જતા રાત્રી દરમિયાન પી એસ ઓ ને ઝોકુ આવતા તેનો લાભ લઈ લોકઅપની ચાવી લઈ લોકઅપ ખોલી તેના પ્રેમીને લઈ ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના સંદર્ભે કર્મચારીની બેદરકારી બદલ જીલ્લા પોલીસ વડાને રીપોર્ટ કરવામા આવ્યો છે.