400 દિવસથી જેલમાં રહ્યા બાદ મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપીના જામીન મંજૂર
મોરબી, બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. ૪૦૦ દિવસ જેટલા સમયથી જેલમાં હતો અને બહાર આવવા હવાતિયા મારી રહ્યો હતો.
તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના હતા. મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે ૪૦૦ દિવસ કરતા વધુ સમયથી તે જેલમાં હતો.
જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. છેલ્લે ગુજરાત હાઇકોર્ટમાં પણ તેની જામીન અરજી ફગાવવામાં આવી હતી. જે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા છે. ભૂતકાળમાં ઘટના બની ત્યારે ૩ મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતો.
આ બધી ઘટનાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ટૂંક જ સમયમાં સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. બીજી તરફ પીડિત પક્ષને પણ અનેક વાર ધમકીઓ મળી છે, તે બાબતને પણ કોર્ટે ધ્યાન પર લીધી છે. આ બાબતને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર પણ કરવામાં આવી છે.