Western Times News

Gujarati News

આદિવાસી મતદારો દ્વારા NOTAનો સૌથી વધુ ઉપયોગ

ગાંધીનગર , રાજ્યમાં ૨૦૧૯ની લોકસભાની ૨૬ બેઠકો માટે ૬૪.૫૧ ટકા જેટલું ઊંચુ ઐતિહાસિક મતદાન થયું હતું. તે પૂર્વે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પણ ૬૩.૬૬ ટકા જેટલું ઊંચુ મતદાન નોંધાયું હતું. ૨૦૨૪ની ચૂંટણીમાં પણ મતદાનની ટકાવારી ઉંચી રહે તેવી આશા રાજકીય પક્ષો રાખી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ મહત્તમ મતદાન માટે અનેક રીતે પ્રયાસો થઇ રહ્યા છે.

તેમ છતાં નારાજ મતદારો કોઇપણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટા (નન ઓફ ધ એબોવ)નો વિકલ્પ પસંદ કરતા હોય છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૪,૦૦,૯૩૨ જેટલા મત નોટામાં નોંધાયા હતા.

જો કે આ વખતે હાલનો રાજકીય માહોલ શરૂઆતથી જ કેટલીક બેઠકોમાં ચૂંટણીની ટિકિટની વહેંચણીથી લઇ સામાજિક મુદ્દાઓ મામલે આક્રોશના કારણે વિવાદાસ્પદ બન્યો છે.

કેટલાક વિસ્તારમાં સુવિધાઓ કે અન્ય કારણથી નારાજ નાગરિકો દ્વારા મતદાનના બહિષ્કારની વિગતો બહાર આવી રહી છે તે જોતા ચૂંટણી પંચે ભારે પ્રયાસ કરવા પડશે તે નિશ્વિત છે. તેના કારણે કોઇ પણ ઉમેદવારને મત નહીં આપવા માગતા નારાજ મતદારો પાસે નોટાનો પણ વિકલ્પ છે તેનો મોટાપાયે ઉપયોગ થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે, આદિવાસી બેઠકો ઉપર નોટાનો સૌથી વધુ ઉપયોગ થયો છે. ૨૦૧૯માં નોટામાં સૌથી વધુ વોટ છોટાઉદેપુરમાં પડ્યા હતા. તે પછી દાહોદ, બારડોલી અને પંચમહાલ બેઠકોનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે આદિવાસી વિસ્તારોમાં મતદારોને લાયક ઉમેદવારો હોતા નથી કે પછી મતદારોની અપેક્ષા મુજબ તેમના વિસ્તારમાં કામ ન થતા આદિવાસી મતદારો આ રીતે તેમનો રોષ કોઇને પણ મતદાન નહીં કરીને વ્યક્ત કરે છે.

નોટામાં સૌથી ઓછા મત ૬૧૦૩ સાબરકાંઠા બેઠક પર પડ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોના મોવડીઓ અને ઉમેદવારો દ્વારા મતદારોને મહત્તમ મતદાન માટે પ્રયાસ કરવા પડશે અન્યથા આ વખતે નોટાને વધુ મત મળે તેવી સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.