Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજને ૧૮૫ પીજી સીટની મંજૂરી મળી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજને વર્ષ ર૦ર૩-ર૪માં કુલ ૧૮૫ પીજી સીટની મંજૂરી અપાઈ છે, જે સાત વર્ષના ટૂંકા ગાળામાં કોઈ મેડિકલ કોલેજને ૧૮૫ પીજી સીટની મંજૂરી મળી હોય તેનો આ એક રેકોર્ડ છે.

આ અંગે વધુ વિગત આપતાં મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલ વધુમાં કહે છે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ સંલગ્ન શેઠ એલજી જનરલ હોસ્પિટલ કે જે અમદાવાદની નામાંકિત હોસ્પિટલ પૈકીની ૧૨૦૦ બેડ ધરાવતી હોસ્પિટલ છે, જ્યાં જુદા જુદા ડિપાર્ટમેન્ટની દરરોજની ઓપીડી કેજ્યુલિટીમાં આશરે ૩૫૦૦થી વધુ દર્દીને સારવાર આપવામાં આવે છે.

મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ વર્ષ ૨૦૦૯થી કાર્યરત છે. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસના કોર્સની વર્ષ ૨૦૦૯થી ૧૫૦ સીટની મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળી હતી.

ત્યાર બાદ કોલેજ ઓથોરિટીના અથાગ પ્રયત્નોથી વર્ષ ૨૦૧૯-૨૦માં વધુ ૫૦ એમબીબીએસ સીટની મંજૂરી મળી હતી. અત્યારે એમબીબીએસના કોર્સની ૨૦૦ સીટની નેશનલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની મંજૂરી મળી છે.

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ખાતે એમડી/એમએસના કોર્સનો પ્રારંભ વર્ષ ૨૦૧૫-૧૬થી કરાયો હતો, જેમાં વખતોવખત સીટનો વધારો થતાં વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૮૫ પીજી સીટની મંજૂરી મળી હોવાનું મ્યુનિ. હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલ વધુમાં જણાવે છે.

વર્ષ ૨૦૧૨માં પેરામેડિકલ કોર્સમાં મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનની ૩૦ સીટ તથા વર્ષ ૨૦૧૭માં રેડિયોગ્રાફી ટેકનિશિયનની ૨૦ સીટની શરૂઆત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં કરાઈ હતી. હોસ્પિટલમાં ઓપીડી-ઈન્ડોર દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર મોટા પ્રમાણમાં વધારો થતાં કોલેજ ખાતે નવા મેડિકલ કોર્સ શરૂ કરવા માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે દરખાસ્ત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.