Western Times News

Gujarati News

પ્રેમલગ્ન કરનારી યુવતીનાં પતિએ વર્ષમાં જ પોત પ્રકાશ્યું

અમદાવાદ: શહેરમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના ચાલાક પતિને તેની જ ચાલાકી ભારે પડી હોય તેવી ઘટના બની છે. યુવતીએ વર્ષ ૨૦૧૮માં પરિવારથી વિરુદ્ધ જઈને પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં પતિ રાજકોટ નોકરીએ જતો અને અઠવાડિયાની જગ્યાએ પંદર દિવસે ઘરે આવતો હતો. જેથી ઘરમાં ઝગડા થતા હતા. ત્યારે જ પતિએ ચાલાકી વાપરી આ ઝગડા તેની માતાને કારણે થાય છે તેમ કહી પત્નીને પિયર મોકલી દીધી હતી. પણ પિયરમાંથી પત્નીને તેડી ન જઈ અલગ અલગ બહાના કરતા પત્નીને દાળમાં કાળુ હોવાની ગંધ આવી હતી. જેથી પતિનું ઇ-મેઈલ આઈડી તપાસતા તેમાંથી અન્ય સ્ત્રી સાથેના ફોટો મળી આવ્યા હતા. પતિ પત્ની ઔર વોનો કિસ્સો પોલીસસ્ટેશન પહોંચતા દંપતીનું બે વર્ષનું લગ્નજીવન ભંગાણના આરે આવી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ ભાવનગરની ૩૦ વર્ષીય મહિલા હાલ ચાંદખેડામાં રહે છે. વર્ષ ૨૦૧૨માં આ યુવતી ડેટાકેર કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે એક યુવક સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં વર્ષ ૨૦૧૮માં બંનેએ ભાવનગર ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન યુવતીના માતા પિતાને મંજુર ન હતા પણ પતિના માતાને મંજુર હોવાથી તે તેના સાસરે રહેવા ગઈ હતી. યુવતીનો પતિ રાજકોટ ખાતે કોમ્પ્યુટર કંપનીમાં નોકરી કરતો હોવાથી તે રાજકોટ જ રહેતો હતો. અઠવાડિયે આ યુવતીનો પતિ ઘરે આવતો હતો. વર્ષ ૨૦૧૮માં યુવતીએ તેના પતિ ઘરે આવ્યા ત્યારે તેનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. બાદમાં તેનો પતિ રાજકોટ જતો રહ્યો હતો. પણ બાદમાં તે અઠવાડિયાની જગ્યાએ પંદર દિવસે આવવા લાગ્યો હતો.

પંદર દિવસે આવીને પણ યુવતી સાથે તેનો પતિ નાની નાની વાતોમાં ઝગડા કરતો હતો. આ વાત યુવતી તેની સાસુને કહે તો તેની સાસુ પણ કહેતી કે, કોર્ટ મેરેજ કરીને ઘરમાં ઘુસી ગઈ છે. દહેજમાં પણ કંઈ લાવી નથી મારા છોકરાને સારી છોકરીઓ મળતી હતી પણ તું ક્યાંથી ભટકાઈ ગઈ જેવા અપમાનજનક શબ્દો યુવતીને તેની સાસુ કહેતી હતી.

વર્ષ ૨૦૧૯માં યુવતીએ બાળકીને જન્મ આપ્યો ત્યારબાદ યુવતીને તેના પતિનું અન્ય કોઈ યુવતી સાથે લફડું હોવાની જાણ થઈ હતી. જેથી તે બાબતે વાત કરતા યુવતીને તેના પતિ અને સાસુએ કાઢી મુકવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીના પતિએ ચાલાકી વાપરી પત્નીને પિયર મોકલી દીધી હતી અને જણાવ્યું કે બને વચ્ચે તેની માતાના કારણે ઝગડા થાય છે એટલે તે શાંત થાય ત્યાં સુધી પિયરમાં રહે.

જાેકે, અનેક દિવસો સુધી ફોન ન કરતા યુવતીએ પતિને લઈ જવા જણાવ્યું હતું પણ તેણે પોતાની માતાનું મગજ શાંત નથી થયું તેમ કહી તેડી ગયો ન હતો અને યુવતીના પરિવારને તેમની પુત્રી સાસરે આવવા ન માંગતી હોવાનું યુવતીનો પતિ કહેતો હતો.

વર્ષ ૨૦૨૦ માં યુવતીએ તેના મોબાઈલથી તેના પતિનું મેઈલ આઈડી તપાસયું તો તેમાં અન્ય યુવતી સાથેના ફોટો મળી આવ્યા હતા. જેથી યુવતીએ ફોન કરતા પતિએ કહ્યું કે, તારી સાથે જીવનનિર્વાહ કરવો નથી મારે તારી જરૂર નથી કહીને ફોન મૂકી દીધો હતો. આ ત્રાસથી કંટાળી પત્ની અને પુત્રીને તરછોડી દેનાર પતિ તથા ત્રાસ આપનાર સાસુ સામે ચાંદખેડા પોલીસસ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.