Western Times News

Gujarati News

વાપીથી નવસારી હાઈવે પર સીસીટીવીનું નેટવર્ક ઉભું કરાશે

અકસ્માત સહિતના અપરાધો પર અંકુશ મેળવવાનો પ્રયાસ
(પ્રતિનિધિ) સુરત,  વાપીથી વડોદરા સુધીના ગોલ્ડન કોરીડોર હાઈવે પર હવે સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં પહેલા તબક્કાના ભાગરૂપે વાપીથી નવસારી સુધી પ્રત્યેક પાંચ કિલોમીટરે સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. આ તમામ કેમેરાઓનું મોનિટરિંગ વાપી અને બોરિયાચ ટોકનાકા પર કરવામાં આવશે.

આ સંદર્ભે વધુ જાણકારી આપતાં એ.ડી.જી. રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન દ્વારા જણાવાયું હતું કે, દેશના સૌથી વ્યસ્ત હાઈવે પૈકી અમદાવાદ – મુંબઈ હાઈવે પર અકસ્માતો સહિતના અપરાધો પર કાબુ મેળવવા માટે છેલ્લા કેટલાક સમયથી સીસીટીવી નેટવર્ક ઉભું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

જેના ભાગરૂપે જ પહેલા તબક્કામાં વાપીથી નવસારી સુધીના હાઈવે પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. દર પાંચ કિલોમીટર પર હાઈરિઝોલ્યુશન નાઈટ વીઝન કેમેરા મુકવામાં આવશે. આ સંદર્ભેની પ્રાથિમક કામગીરી પૂર્ણ થઈ ચુકી છે અને વહેલામાં વહેલી તકે વાપીથી નવસારી સુધીના 70 કિલોમીટરના હાઈવે પર સીસીટીવી કેમેરાનું ઈન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ નવસારીથી ભરૂચ સુધીના હાઈવેને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

જર્મનીની કંપની બનશે સ્પોન્સર
વાપી ખાતે પ્લાન્ટ ધરાવતી અને મુળ જર્મનીની કંપની દ્વારા આ પ્રોજેક્ટમાં અંગત રસ દાખવવામાં આવ્યો હતો. આ કંપની દ્વારા વાપીથી નવસારી સુધીના પ્રોજેક્ટ પર થનારા ખર્ચનો ભાર ઉઠાવવામાં આવશે.

પહેલા તબક્કાની કામગીરી બાદ નવસારીથી ભરૂચ સુધીના પ્રોજેક્ટ માટે પણ અન્ય ઉદ્યોગપતિઓ – સંસ્થાઓ અને કંપની પાસેથી પીપીપીના ધોરણે આર્થિક સહયોગ મેળવવામાં આવશે.

કડોદરા પોલીસ મથકમાં બનશે કંટ્રોલ રૂમ
સુરત જિલ્લાના કડોદરા તાલુકામાં બનનારા સ્માર્ટ પોલીસ ભવનમાં વાપીથી ભરૂચ સુધીના તમામ સીસીટીવી કેમેરા માટેનો અલાયદો કંટ્રોલ રૂમ બનાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.

સંભવતઃ આગામી જુન – જુલાઈ મહિનામાં કડોદરા ખાતે નવા અત્યાધુનિક પોલીસ ભવનનું નિર્માણ પૂર્ણ કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.