Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.લાઈટ વિભાગમાં “ઈમાનદારી”નો અંધારપટ

શહેરની સ્ટ્રીટલાઈટોના મેઈન્ટેન્સમાં ધાંધિયા સ્ટે.કમીટીમાં ઉગ્ર ચર્ચા : મ્યુનિ.કમીશ્નરે અને સત્તાધીશોની ઐસી-તૈસી કરી બારોબાર અપાતા કોન્ટ્રાકટ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરની સ્ટ્રીટલાઈટોના મેઈન્ટેન્સમાં ગેરરીતિઓ ચાલી રહી છે. જેના પરીણામે દર મહીને કરોડો રૂપિયાના બીલ ચુકવાના હોવા છતાં સ્માર્ટસીટીમાં અંધારપટ જાવા મળી રહયો હોવાની રજુઆત મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં થઈ હતી.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીમાં ઝીરો અવર્સની ચર્ચા દરમ્યાન કોર્પોરેટર જતીનભાઈ પટેલે લાઈટ વિભાગમાં ચાલી રહેલા કૌભાંડોનો પદાર્ફાશ કર્યો હતો. તેમણે આક્રમક રજુઆત કરતા જણાવ્યું હતું કે લાઈટખાતામાં એક હજુ શાસન ચાલી રહયું છે. તથા કોન્ટ્રાકટરોના ફાયદા માટે મ્યુનિ. કમીશ્નર કે સ્ટેન્ડીંગ કમીટીની પણ દરકાર કરવામાં આવતી નથી.

મ્યુનિ. કોર્પોરેશને લગભગ ચાર વર્ષ અગાઉ સ્ટ્રીટલાઈટ મેઈન્ટેન્સ માટે ફ્રાન્સની સીટેલુમ કંપનીને કોન્ટ્રાકટર આપ્યો હતો. તે સમયે સોડીયમ લાઈટો હોવાથી થાંભલા દીઠ રૂ.૧૦પ ના ભાવથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સોડીયમ લાઈટોના સ્થાને એલઈડી ફીટીંગ્સ લગાવવામાં આવ્યા છે. લાઈટખાતાના જવાબદાર અધિકારીઓએ એલઈડી ફીટીગ્સના મેઈન્ટેન્સ માટે જાતે જ ભાવ નકકી કરીને સીટેલુમ કંપનીનો કોન્ટ્રાકટ યથાવત રાખ્યો હતો. સામાન્ય નિયમ મુજબ ટેન્ડર શરત સિવાયના કોઈપણ કામ માટે સ્ટેન્ડીંગ કમીટીની મંજૂરી લેવી જરૂરી છે.

પરંતુ લાઈટખાતાના મહાનુભાવો એ સીટેલુમ કંપનીના ફાયદા માટે નિયમો અભરાઈએ મુકયા હતા. સીંગલ ફીટીગ્સ ના થાંભલા માટે રૂ.૭૦ અને ડબલ ફીટીંગ્સ થાંભલા માટે રૂ.૧૪૦ નો ભાવ આપવામાં આવ્યા છે.

સદ્દર સંસ્થાને ઉંચા ભાવ આપવામાં આવ્યા હોવા છતાં સ્ટ્રીટલાઈટો બંધ રહેવાની સમસ્યા લેશમાત્ર હળવી થઈ નથી. લાઈટખાતાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરે સાંઠગાંઠ કરીને ૦૬ કંપનીઓને પેટા કોન્ટ્રાકટ આપ્યા છે. શરત મુજબ પેટા કોન્ટ્રાકટ માટે મ્યુનિ. કમીશ્નરની મંજૂરી જરૂરી છે. પરંતુ અધિકારીઓએ કમીશ્નરની મંજૂરી લેવાનું મુનાસિબ માન્યું નથી.

મ્યુનિ. કોર્પોરેશન પાસેથી પોલ દીઠ રૂ.૧૪૦ ના ભાવ લઈને પેટા કોન્ટ્રાકટરને પોલદીઠ માત્ર રૂ.ર૪ આપવામાં આવી રહયા છે. ટેન્ડર શરત મુજબ વોર્ડદીઠ ચાર કર્મચારી એક ડ્રાઈવર તથા વાહન ફરજીયાત છે. જેનું પાલન કરવામાં આવી રહયું નથી. તેવી જ રીતે કર્મચારીઓના ઈન્સ્યોરન્સ, પે-સ્લીપ, પ્રોફેશનલ ટેક્ષ સહીતની શરતોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે !

શહેરમાં સોડીયમ લાઈટના સ્થાને એલઈડી ફીટીંગ્સ લગાવવામાં આવ્યા છે. જેના માટે મ્યુનિ. લાઈટ ખાતા દ્વારા કોઈ જ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા ન હતા. તથા ફીટીંગ્સ બદલવા માટે સીરેલુમ કંપનીને બારોબાર કોન્ટ્રાકટર આપવામાં આવ્યો હતો. લાઈટખાતાના અધિકારીઓએ સોડીયમના સ્થાને એલઈડી ફીંટીગ્સ લગાવવા માટે કંપનીને રૂ.૬રપ પ્રતિ ફીટીંગ્સ ના ભાવ આપ્યા છે.

જયારે કંપનીએ ફીટીંગ્સ બદલવા માટે પણ પેટા કોન્ટ્રાકટર આપ્યા હતા. જેના માટે પેટા કોન્ટ્રાકટરો રૂ.૧રપ ના ભાવ આપ્યા હતા. લાઈટખાતાના ઉચ્ચ અધિકારીઓની રહેમ નજરે સીરેલુમ કંપનીએ પ્રતિ ફીટીંગ્સ રૂ.પ૦૦ ની કમાણી એ.સી. ચેમ્બરમાં બેસી ને જ કરી છે. શહેરમાં અંદાજે ૧ લાખ પપ હજાર ફીંટીગ્સ બદલવામાં આવ્યા છે.

આમ, અધિકારીઓની મહેરબાનીથી કંપનીએ કોઈપણ કામ કર્યા વિના જ રૂ.આઠ કરોડની કમાણી કરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં લાઈટખાતાના કૌભાંડોનો પર્દાફાશ થયા બાદ મ્યુનિ. કમીશ્નરે જરૂર લાગશે તો વિજીલન્સ તપાસ કરવાની ખાત્રી આપી હતી.

મ્યુનિ.લાઈટખાતાના આંતરિક સુત્રોના જણાવ્યા મુજબ એલઈડી ફીંટીગ્સ લગાવ્યા બાદ સોડીયમ ફીંટીગ્સનો બારોબાર વહીવટ થઈ ગયો છે. મ્યુનિ. સ્ટોર્સમાં દોઢ લાખ ફીંટીગ્સ રાખવામાં આવ્યા છે. તથા ઈ-ટેન્ડર જાહેર કરીને આ તમામ ફીટીંગ્સ વેચાણ કરવા પ્રયાસ થઈ રહયા હોવાના દાવા થઈ રહયા છે.

પરંતુ આ તમામ બાબતો ખોટી છે. તથા પ૦ ટકા ફીટીંગ્સ નો બારોબાર વહીવટ થઈ રહયો છે. જનમાર્ગ કોરીડોર ના ફીંટીગ્સ નો પણ આ જ પધ્ધતિથી “વહીવટ” થયો હતો. ચોકાવનારી બાબત એ છે કે જનમાર્ગ કોરીડોર સહીત અનેક સ્થળેથી જે પોલ દૂર કરવામાં આવ્યા હતા. તેની સર્વિસ હજી સુધી બંધ કરવા માટે ટોરેન્ટ પાવરને સુચના આપવામાં આવી નથી. જેના કારણે મનપાના લાખો રૂપિયાની ડીપોઝીટ પેટે ટોરેન્ટ પાવરમાં પડી રહયા છે. તથા આ તમામ સર્વિસ ના લાઈટ બીલો પેટે વરસે-દહાડે  લાખો રૂપિયા ચુકવાઈ રહયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.