Western Times News

Gujarati News

ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી ૧ માર્ચે યોજાશે

નવીદિલ્હી, ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ભાજપના રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ અને કાૅંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નિધન બાદ ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી માટે ૧ માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

રાજ્યસભાની આ બંને બેઠકો માટે ૧૧ ફેબ્રુઆરીએ જાહેરનામું રજૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે ૯થી ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

નોંધનીય છે કે, કાૅંગ્રેસના સાંસદ અહમદ પટેલનું કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન દિલ્હીમાં ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ નિધન થયું હતું. જ્યારે અભય ભારદ્વાજનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નઈમાં ૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ નિધન થયું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના ચીફ સેક્રેટરીને સૂચના આપી છે કે રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે સિનીયર અધિકારીને નિમણૂક કરવામાં આવે. કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને આ ચૂંટણી યોજવામાં આવે તેની તમામ જવાબદારી આ સીનિયર અધિકારીની રહેશે. આ ઉપરાંત ચૂંટણી પંચે ગુજરાતના ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની આ ચૂંટણી માટે ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી છે.

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યા બળને જાેતાં બંને બેઠક પર ભાજપ જીત મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસને એક બેઠકનું નુકસાન થઈ શકે છે. અહેમદ પટેલ કાૅંગ્રેસમાંથી અને અભય ભારદ્વાજ ભાજપમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ બંનેના નિધનથી ફરી ચૂંટણી યોજાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.