Western Times News

Gujarati News

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથઃ બીજા યુવકનું સારવાર દરમિયાન મોત

પ્રતિકાત્મક

છેલ્લ ભાઈ દર્દ સહન કરી ન શકતા એવું કહ્યું કે, પોલીસે માર માર્યો એના કરતા ગોળી મારી દીધી હોત તો સારું

અમદાવાદ,  મુન્દ્રા ખાતે થયેલ કસ્ટોડિયલ ડેથમાં એક યુવક બાદ વધુ એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું. જેને લઈને ગઢવી ચારણ સમાજના આગેવાનો ન્યાય માંગી રહ્યા છે. જ્યાં સુધી જવાબદાર લોકો નહિ પકડાય ત્યાં સુધી લાશ નહિ સ્વીકારે અને એક આગેવાને મુન્દ્રા બંધનું એલાન આપ્યું છે. તો બીજીતરફ મૃતકના ભાઈએ જણાવ્યું કે, છેલ્લે તેનો ભાઈ આ દર્દ સહન કરી ન શકતા એવું કહ્યું કે, પોલીસે માર માર્યો એના કરતા ગોળી મારી દીધી હોત તો સારું.

ઘરફોડ ચોરીના આરોપમાં ત્રણ શંકાસ્પદ યુવકોની મુન્દ્રા પોલીસે અટકાયત કરી હતી. જાેકે, આ બાબતની કોઈ નોંધ કાગળ પર ન કરી હોવાનું સમાજના લોકો જણાવે છે. અરજણ ગઢવી, હરજુગ ગઢવી, સામરા ગઢવીની પોલીસે અટકાયત તો કરી હતી. પણ બાદમાં અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

સમાજના લોકોનો આક્ષેપ છે કે, પહેલા એક યુવકનું મૃત્યુ નીપજ્યું અને પોલીસના ટોર્ચરિંગ અને અમાનુષી અત્યાચારથી હવે સમાજનો બીજાે દીકરો પણ મૃત્યુ પામ્યો છે. પોલીસે તમામ કામગીરી ગેરકાયદે કરી હતી. કાગળ પર કોઈ કાર્યવાહી ન હોવાનું સમાજના લોકો જણાવી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં યુવાનનું મૃત્યુ નિપજતા સમાજના લોકો અહીં આવી પહોંચ્યા અને તે લોકોએ વિરોધ દર્શાવી ન્યાયની માંગણી કરી છે.

સમાજના લોકોનો આક્ષેપ છે કે, આ ત્રણેવને પોલીસે કોઈ મોટા વ્યક્તિના ઈશારે પૈસા લઈ અટકાયત કરી હતી. અટકાયત કરી તો કાગળ પર કોઈ કાર્યવાહી કરી ન હતી. એટલે પોલીસે ગેરકાયદે ગોંધી રાખી આ યુવકોને કરંટ આપવા, માર મારવો, ગુદા ભાગે પેટ્રોલનાં પોતા ભરાવવા જેવો અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો.

સરકાર અને ગૃહ રાજ્ય મંત્રીને રજુઆત કરતા સમાજના આગેવાનોએ જણાવ્યું કે, તમામ આરોપી પોલીસ કર્મી અને અધિકારીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવે. સાથે સાથે આ યુવકોના મોતના જવાબદાર લોકો સામે કાર્યવાહી ન થતા તે સમાજના લોકોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી સોમવારે મુન્દ્રા બંધનું એલાન આપ્યું હોવાનું આગેવાન કમલેશભાઈએ જણાવ્યું છે.

તો બીજી તરફ મૃતકના ભાઈ ગોપાલભાઈએ અશ્રુભીની આંખો સાથે જણાવ્યું કે, મૃતક સાથે છેલ્લી વાત કરી ત્યારે તેણે જણાવ્યું કે, તેને અસહ્ય પીડા થાય છે, પોલીસે માર માર્યો એના કરતા ગોળી મારી દીધી હોત તો સારું હોત. મૃતકના ભાઈની આ વાત જ કહી જાય છે કે, પોલીસની કાર્યવાહી કેવી રહી હશે. જાેકે હવે આ વિરોધને પગલે આગામી સમયમાં જવાબદાર લોકો પકડાય છે કે કેમ તે જાેવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.