Western Times News

Latest News in Gujarat

સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારમાં એક લાખ ફળાઉ વૃક્ષોનું વાવેતર કરાશે

પર્યાવરણ જાળવણીમાં સૌના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા વનમંત્રી રમણલાલ પાટકર

વલસાડ,  જિલ્લાના સરીગામ ખાતે જીપીસીબી, વન વિભાગ, નોટિફાઇડ એરીયાના સહયોગથી યોજાયેલા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે સીઇટીપી તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારોમાં એક લાખ ફળાઉ ઝાડનું વિતરણ કરાશે અને સમગ્ર ઔદ્યોગિક એકમોના સહયોગથી તેને રોપવાની સાથે તેનું ત્રણ વર્ષ સુધી પૂર્ણ પણે જતન કરી મોટા કરી સરીગામને હરિયાળું બનાવવામાં આવશે.

આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, સમગ્ર રાજ્‍યમાં આ વર્ષે દશ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્‍પ છે. પર્યાવરણની સમસ્‍યા સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બની રહી છે ત્‍યારે તેની જાળવણી માટે રાજ્‍ય સરકારે ઉપાડેલા અભિયાનમાં સૌના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

પૃથ્‍વી ઉપર સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વૃક્ષો હોવા જરૂરી છે. જે માટે દરેક સ્‍થળોએ વૃક્ષોનું વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી મોટા થાય ત્‍યાં સુધી કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. ઔદ્યોગિક એકમોમાં પણ પડતર રહેલી જમીનમાં વૃક્ષો વાવવા જોઇએ. વૃક્ષારોપણ માટે વન વિભાગ દ્વારા વિનામૂલ્‍યે રોપાઓ આપવામાં આવશે. દક્ષિણ ગુજરાતના વિસ્‍તારોમાં વરસાદનું પ્રમાણ વધુ હોઇ તે વિસ્‍તારના ખેડુતોને આંબાની કલમો આપી વૃક્ષારોપણ માટે પ્રોત્‍સાહિત કરાશે. સમગ્ર સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારોમાં એક લાખ કરતાં વધુ વૃક્ષો રોપી તેનું જતન કરી હરિયાળું બનાવવા માટે પ્રત્‍યેક ઉદ્યોગપતિઓના સહયોગની અપેક્ષા તેમણે વ્‍યકત કરી હતી.

ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, પર્યાવરણ માટે જનજાગૃતિ કેળવાય તે માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેમાં સૌ સહભાગી બનવા તેમજ ગ્‍લોબલ વોર્મિંગ સામે રક્ષણ મેળવવા અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.  સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ શીરીષભાઇ દેસાઇએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી પર્યાવરણ દિવસ ઉજવણીનો હેતુ સમજાવ્‍યો હતો. કુદરતી સ્રોતોની જાળવણી માટે દરેક ઉદ્યોગકારો સહયોગી બને તે જરૂરી હોવાનું જણાવ્‍યું હતું.

જી.પી.સી.બી.ના શ્રી એચ.એમ.ગામિતે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, પ્રદૂષણ નિયંત્રણ માટે વૃક્ષો આવશ્‍યક છે, જે ધ્‍યાને રાખી દરેક વ્‍યક્‍તિઓ વૃક્ષો વાવે તે જરૂરી છે. વૃક્ષારોપણમાં સહયોગી ઔદ્યોગિક એકમોને મંત્રીશ્રીના હસ્‍તે પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા.         આ અવસરે ચીફ ઓફિસર જી.બી.વસાવા, જીપીસીબી, વન વિભાગના શ્રી પી.યુ.પરમાર, મામલતદાર આર.આર.વાઘેરા, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ હાજર રહયા હતા.

-૦૦૦-