Western Times News

Gujarati News

કોર્ટે પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરિયાને ૬ મહિનાની સજા ફટકારી

ભાવનગર, પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરીયાને તળાજાની એક કોર્ટ દ્વારા ૬ મહિનાની સજા ફટકારવામાં આવી છે. તેઓ સ્થાનિક સ્તરે બની રહેલી એક ખાનગી કંપનીના પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ કંપનીના વિરોધમાં તેમણે ભાજપનાં ધારાસભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનમાં સ્થાનિક સ્તરે તેમની સાથે હજારો લોકો ખાસ કરીને ખેડૂતો જાેડાયા હતા. ગાંધીનગર સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

જેમાં પણ સેંકડો ખેડૂતો જાેડાયા હતા. કનુભાઇ કળસરિયાએ ફેક્ટરીની જમીનમાં જઇને વિરોધ કર્યો હતો. જેના પગલે કંપની દ્વારા કંપનીની જમીનમાં બિનકાયદેસર પ્રવેશનો કેસ કનુભાઇ કળસરિયા સહિત ૭ આગેવાનો સામે કર્યો હતો. આ ગુનો સાબિત થતા કોર્ટ દ્વારા તેમને ૬ મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

૫૦૦ લોકોનાં ટોળા સાથે કંપનીની જમીન પર બિનકાયદેસર પ્રવેશ મુદ્દે લાંબા સમયથી તળાજા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેનો આજે ચુકાદો આપતા કોર્ટ દ્વારા ૬ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. જાે કે કનુભાઇ કળસરિયા સહિત તમામને તત્કાલ જામીન પણ આપી દેવાયા હતા. જેથી તમામ લોકો જામીન પર છુટી ગયા હતા.

કનુભાઇએ આ અંગે જણાવ્યું કે, ખેડૂતની જમીન ખેડૂત પાસે જ રહેવી જાેઇએ. કોઇ ઉદ્યોગપતિ ઉદ્યોગનાં નામે આખા પંથકની જમીનને વાંઝણી કરે તે નહી ચલાવી લઇએ. અમારુ આંદોલન યથાવત્ત રીતે ચાલુ જ રહેશે. અમે આંદોલનને આગળ ધપાવીશું. સ્થાનિકો અને ખેડૂતોનો અમને સંપુર્ણ સહયોગ છે. અમે ઉદ્યોગપતિઓની ગુલામ સરકાર સામે નહી ઝુકીએ તેમ પણ તેમણે જણાવ્યું હતું. HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.