Western Times News

Gujarati News

મેં ભાજપના ઉમેદવારને મત આપ્યોઃ બાવળિયાનો બફાટ

બાવળિયાએ ભાજપને મત આપવા માટે અપીલ કરી ત્યારે તેમના આ બફાટનો વીડિયો પણ સામે આવ્યો છે

રાજકોટ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે વિંછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું. સવારે મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ કુંવરજી બાવળિયા મતદાન બૂથ પર પહોંચી ગયા હતા. તેમણે પોતાની મતદાતા તરીકેની ફરજ બજાવી હતી.

સાથે જ તેમણે સૌ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી. આ અપીલ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મતદાનની ગુપ્તતા ભૂલ્યા હતા. મતદાન કરીને તેમણે જાહેરમાં કહ્યું કે, મેં ભાજપના ઉમેદવારને મત આપ્યો. સાથે જ તેમણે ભાજપને મત આપવા માટે અપીલ પણ કરી.

તેમણે જણાવ્યુ હતું કે,  એક નાગરિક તરીકે મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે. આજે લોકશાહીના મહાપર્વ પર વિંછીયા પ્રાથમિક શાળા, વિંછીયા મતદાન મથકે મતદાન કર્યું. આપ સૌને લોકશાહી નાં પર્વમાં સહભાગી બની મતદાન કરવા અને કરાવવા માટે અપીલ કરું છું.

ત્યારે તેમના આ બફાટનો વીડિયો પણ સામે આવ્યો છે. આજે રાજકોટ જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પોતાના સમર્થકો તથા પરિવારજનો સાથે મતદાન આપવા પહોંચ્યા હતા.
કુંવરજી બાવળિયાએ વીંછિયાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. મતદાન કર્યાં બાદ કોને મત આપ્યો તે માહિતી ગુપ્ત રાખવાની હોય છે.

ત્યારે કુંવરજી બાવળિયા આ ગુપ્તતા જાળવી શક્યા ન હતા. તેમણે જાહેરમાં ભાજપને મત આપ્યો હોવાનું કહ્યું હતું. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, મતદાનથી સત્તા પરિવર્તન થાય છે, મતદાનથી લોકશાહી બચે છે, ખેડૂત પણ ૫ વર્ષે પાક બદલે છે, એ જ રીતે હવે જનતાને પણ મોકો મળ્યો છે

નગરસેવકરૂપી પાક બદલવાનો, તેથી હું જસદણની જનતાને મતદાન કરવા અપીલ કરું છું. ગોંડલના મોવિયામાં ઈવીએમમાં વોટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મતદાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમીબેન સાકરીયા અને અરવિંદભાઇ સાવલીયાને મત આપતા નજરે પડે છે.

મતદાન મથકમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ છે છતાં મોબાઇલ અંદર કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ છે. આ વાઇરલ વીડિયો અંગે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. આની સામે કોઇ કાર્યવાહી થશે કે કેમ તે એક પ્રશ્ન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.