Western Times News

Gujarati News

ગળતેશ્વર તાલુકાની અંબાવ ગ્રામ પંચાયત દ્વારા પંદરવર્ષ જુના ભાડાની રકમને લઈને ૮ દુકાનો સીલ કરાઈ

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગ્રામ પંચાયત કચેરી દ્વારા તાઃ- ૨૦-૦૮-૨૦૧૯ ના રોજ મોજે ગામ અંબાવની સર્વે નંઃ- ૧૦૫ સહિતની કુલ ૮ દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. અંબાવ ગ્રામ પંચાયત દ્વારા પંદર વર્ષ જુના જમીન ભાડું અને આકરણી વેરાની વસુલાત કરવામાં આવી હતી. કુલ ૧૬ દુકાનોમાંથી ૮ દુકાનોમાં ૪૭૦૦૦/- ની વેરા વસુલાત કરવામાં આવી હતી. અને બાકીની ૮ દુકાનોને તાળા મારવામાં આવ્યા હતા.

આ અગાઉ તા,૦૯-૦૮-૨૦૧૯ ના રોજ ભાડુઆતને આખરી નોટીસ આપવામાં આવી હતી. અને બાકી પડતી રકમ ભરપાઈ કરવા જાણ કરી મહોલત આપવામાં આવી હતી. તેમ છતાં દુકાનના ભાડુઆતોએ જમીન ભાડું અને આકરણી વેરો ભરપાઈ નહિ કરતા કુલ ૮ દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ગ્રામ પંચાયત, કે તાલુકા પંચાયત, તેમજ કોઈપણ સરકારી કચેરીઓ પાસે લોકો પોતાને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અને ભોગવવા ચારપગે હોય છે. પરંતુ સરકારી વેરા કે ટેક્સ જે નહિવત હોય છે તેની ભરપાઈ કરવામાં લોકો પાછીપાની કરતા હોય છે. શુ તેઓની કોઈ જવાબદારી નથી બનતી ?? આવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે જાણે કે સરકારની જ ફરજ હોય તેમ માની લેવામાં આવે છે. પરંતુ આ સુવિધા પૂરી પાડયા પછી તેનો ટેક્સ કે ભાડું સમયસર ચૂકવવામાં આળસ કરવામાં આવે છે. તેવા લોકો નિયમિત પણે ટેક્સ અને વેરો ભરપાઈ કરે તેમના માટે આ ઘટના દાખલારૂપ બની રહેશે.

આ બાબતે અંબાવ સરપંચ ધ્રુવલ પટેલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે “આ પંચાયતની જમીન આવેલી છે. ત્યાં દુકાનો બનાવી ભાડે આપવામાં આવી છે. દુકાનોનું નજીવું ભાડું છે. કોઈનું ૩૬૦/- , ૪૮૦/- , ૫૪૦/- , ૮૪૦/- એવા ભાડામાં દુકાનો આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ લોકો ભાડું સમયસર આપતા ન હતા. તે બાબતે તેઓને આખરી નોટિસ આપવામાં આવી હતી. અને ભાડું અને આકરણીની બાકી રકમ ભરપાઈ કરવા મહોલત આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તેઓએ પંચાયતની નોટિસ ધ્યાને નહિ લઈ તાઃ-૨૦-૦૮-૨૦૧૯ ના રોજ કુલ ૮ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે.” આ પ્રસંગે ગળતેશ્વર તાલુકા પંચાયત સદસ્ય, ધ્રુવલ પટેલ (સરપંચ-અંબાવ ગ્રામ પંચાયત), ભરત ઝાલેયા (તલાટી ક્રમ મંત્રી) ગ્રામ પંચાયત સદસ્યો, પોલીસ જવાનો, ગ્રામજનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.