Western Times News

Gujarati News

વિશ્વ જળ દિવસે સાંધા ગામની સફળતા પાણીની વ્યવસ્થાનો રાહ ચીંધે છે

ગુજરાતમાં જળ જીવન મિશન અંતર્ગત સરકારના ‘નળથી જળ’ સંકલ્પની સફળતા: શિનોરના છેવાડાના ગામ સાંધામાં ૧૦૦% ઘરોમાં નળ દ્વારા સ્વચ્છ પાણીની વ્યવસ્થા થઈ સાકાર

પ્રધાનમંત્રીશ્રી દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ ગામ ૨૦૧૨નો  ખિતાબ મેળવનાર સાંધા ગામમાં પાણી પુરવઠાની ઉત્તમ કામગીરી….

વડોદરા, તા. ૨૨ માર્ચ ના રોજ ઉજવવામાં આવતા વિશ્વ જળ દિવસને અનુલક્ષીને ગ્રામ્યજનોને જળનો પુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકારના જળ જીવન મિશન અંતર્ગત, સરકાર દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે.  વડોદરા જિલ્લામાં આવેલા શિનોર તાલુકાના છેવાડાનું ગામ સાંધા, સરકારશ્રીની દરેક ઘરના ‘નળ થી જળ’ સંકલ્પનાનું એક સફળ ઉદાહરણ છે.

સાંધા ગામને ૨૦૧૦માં તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ દ્વારા રાષ્ટ્રપતિ પુરસ્કારથી ‘નિર્મળ’ ગામ તરીકે નવાજવામાં આવ્યું તથા ૨૦૧૨માં પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

સાંધા ગામના સરપંચ સુજાતા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગામમાં ૧૦૦% ઘરોમાં નળ દ્વારા સ્વચ્છ પાણી આવે છે. પહેલા મહિલાઓને દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. પરંતુ હવે દરેક ઘરમાં સ્વચ્છ પાણીના નળની વ્યવસ્થા થઈ ગઈ છે.

સાંધા ગામના રહીશ સંદીપ પટેલ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ અગાઉ ૧૩૨ ઘરમાં નળના કનેક્શન હતા જે વધીને હવે ૧૮૬ ઘરમાં પાણીના કનેક્શન થઈ ગયા છે, અગાઉ ૨૦,૦૦૦ લિટરની પાણીની ટાંકી હતી જે હવે ૬૦,૦૦૦ લિટરની કરવામાં આવી છે. WASMO દ્વારા ૧૧ લાખના ખર્ચે અને ૧,૧૦,૦૦૦ના લોકફળા સાથે દરેક ઘરમાં નળની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં પાઇપલાઇન, વાલવ સિસ્ટમ તથા વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સરકારશ્રીની આ યોજના ફક્ત ઘર સુધી સીમિત નથી. દરેક નળમાં સ્વચ્છ પાણી પૂરું પાડવા આ યોજના અંતર્ગત સાંધા ગામની સ્કૂલ તથા આંગણવાડીમાં પણ સ્વચ્છ પાણી આપવામાં આવે છે. તેમજ ગામમાં પશુઓને પાણી પીવા માટે બે બે હવાડા બનાવવામાં આવ્યા છે જે હવે પાણી થી છલોછલ રહે છે.

‘જળ એજ જીવન’ ફક્ત વાક્ય નહિ પરંતુ વાસ્તવિકતા છે અને જળ વિનાનું જીવન અશક્ય છે. તેથી જ રાજ્યના દરેક ઘરમાં સ્વચ્છ પાણી મળે તે અર્થે સરકારે આ યોજના અંતર્ગત અનેક ઘરોને   દરેક ઘરના ‘નળમાં જળ’ ની એક અમૂલ્ય ભેટ આપી છે.

વડોદરા જિલ્લા એ ગ્રામ વિસ્તારના 3 લાખ થી વધુ ઘરોને પ્રધાનમંત્રી પ્રેરિત નલ સે જળ ના આયોજન થી સાંકળી લીધાં છે.હવે 3 હજાર બાકી ઘરોને નળ જોડાણ આપી જિલ્લો 100 ટકાની યશસ્વી સિદ્ધિ ની સાવ સમીપ પહોંચી ગયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.