Western Times News

Gujarati News

સિવિલ મેડિસીટીના વિવિધ રસીકરણ કેન્દ્રમાં ૯૮૩ લોકોએ કોરોનાની રસી લીધી

સિવિલ હોસ્પિટલમાં ૪૯૬ વ્યક્તિઓને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા-યુ.એન.મહેતા ખાતેના રસીકરણ કેન્દ્રમાં પ્રાથમિકતા ધરાવતા ૨૫૦ લોકોને રસી અપાઈ

કિડની રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના રસીકરણ કેન્દ્રમાં ૨૩૭ લોકોએ કોરોના રસીકરણ કરાવ્યું-વેક્સિનેશન કરાવ્યા બાદ શ્રી સુલોચના બહેન કહે છે કે, સરકારી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન થી લઇ વેક્સિનેશન સુધીની વ્યવસ્થા બહુ સરસ છે

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી સુપેરે ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલના ૧૭૦ હેલ્થકેર વર્કરોને પ્રથમ ડોઝજ્યારે ૧૦૫ હેલ્થકેર વર્કરોને દ્વિતીય ડોઝ એમ કુલ ૨૭૫ હેલ્થકેર વર્કરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યુ હતુ . જયારે કોમોર્બિડીટી ધરાવતા ૬૮ વ્યક્તિઓ અને ૫૮ વરિષ્ઠ નાગરિકોને  રસી  આપવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં આજે ૨૫૦ લોકોને રસી આપવામાં આવી. જેમાં ૧૫૫ હેલ્થકેર વર્કર્સ, ૧૬ ફ્રંટલાઈન વર્કર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 45 થી 60 વર્ષની વચ્ચેની વય અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા ૧૯ લોકોને રસી આપવામાં આવી. જ્યારે 60 થી વધુ વય ધરાવતા ૬૦ વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી.

જ્યારે કિડની રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ૨૩૭ લોકોને રસી અપાઈ. જેમાં ૧૯ હેલ્થકેર વર્કર્સ, ૪૭સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે. જ્યારે 45 થી વધુ વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા ૧૭૧લોકોનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક શ્રી સુલોચના બહેન કંસારા સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે કાર્યરત કોરોના રસીકરણ કેન્દ્રમાં કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યા બાદ પ્રતિભાવ આપતા કહ્યું કે, સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં કોરોના રસીકરણ માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

અમારા જેવા વયસ્ક નાગરિકો માટે રજીસ્ટ્રેશન થી લઇને રસી મેળવવા સુધીનું વ્યવસ્થાપન અસરકારક છે. ખૂબ જ ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને મને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. વેક્સિન લીધા બાદ અડધો કલાક દેખરેખ હેઠળના રૂમમાં બેઠા બાદ હાલ હું ઘરે જઇ રહી છું. મને આ અડધો કલાકમાં કોઇપણ પ્રકારની આડઅસર વર્તાઇ નથી.

સુલોચના બહેને અમદાવાદ શહેરના તમામ વરિષ્ઠ અને કોમોર્બિડ નાગરિકોને વેક્સિન સંપૂર્ણ પણે સલામત હોવાનો સંદેશ પાઠવી કોરોના રસીકરણ કરાવવા માટે અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસની સંખ્યા વધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદની બેઠક યોજી રસીકરણની ઝુંબેશ વધુ વેગવાન બનાવવાની સૂચના આપી હતી, જેનાપગલે સરકારી હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.