Western Times News

Gujarati News

સૃષ્ટિના હત્યારાઓને દાખલો બેસે તે પ્રકારની સજા મળશે

સૃષ્ટિ રૈયાણીના બેસણામાં પાટીલ હાજર રહ્યા-સૃષ્ટિ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા સરકારનો નિર્ણય

રાજકોટ,  રાજકોટ જિલ્લાના જેતલસર ગામે રૈયાણી સમાજ ખાતે ૧૬ વર્ષીય સૃષ્ટિ રૈયાણીનું બેસણું રાખવામાં આવ્યું હતું. જે બેસણામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરા, કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા, લેવા પાટીદાર સમાજના આગેવાનો અને રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા તેમજ સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતના નેતાઓ પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

આ કેસમાં સૃષ્ટિના પિતાએ એવું માંગણી કરી છે કે, આરોપીની ફાંસીને સજા આપવામાં આવે. આનાથી ઓછી સજા તેમના મંજૂર નથી. બીજી તરફ મૃતક સૃષ્ટિને ન્યાય અપાવવા માટે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચનું આયોજન થયું છે. મૃતકના પરિવારજનો સાથે સીઆર પાટીલે વાતચીત કરી હતી.

સાથે જ મૃતકના પરિવારજનોની કયા પ્રકારની માંગણી છે તે જાણવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો હતો. આ સમયે મૃતક સૃષ્ટિના પિતાએ એક આવેદનપત્ર પણ સીઆર પાટીલને આપ્યું હતું. જે આવેદનપત્રમાં સાત જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે. આવેદનપત્રમાં મૃતક સૃષ્ટિ રૈયાણીના પિતાએ આરોપીની મદદ કરનાર તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે.

મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, સૃષ્ટિ રૈયાણીનો કેસ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનું નક્કી કર્યું છે. આ મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પણ કરવામાં આવશે. આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ સમાજની અંદર એક દાખલો બેસે તે પ્રકારની સજા મળે તે મુજબ કાર્યવાહી કરીશું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના જેતલસર ગામની વતની એવી સૃષ્ટિ રૈયાણીની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધાતા રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા દ્વારા તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડવા આદેશ આપવામાં આવ્યા હતા. આદેશ બાદ તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.