Western Times News

Latest News in Gujarat

અમદાવાદ-સુરત સહિત ત્રણ શહેરોની 8 ટી.પી. મંજૂર

File

રાજ્ય સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ વિલંબ વિના પાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ટી.પી. અને ડી.પી.માં ઝિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે 2019ના આઠ જ મહિનામાં 75 યોજનાઓ મંજૂર કરી છે. તેમણે જે 66 નગર રચના યોજનાઓ તથા 9 વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપી છે. તેમાં અમદાવાદની 14 તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીને 22 ડ્રાફટ નગર રચના યોજનાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ ૪૦૮-ઓગણજ ને ૪૦૭ લપકામણ-રકનપુર-સાંતેજ ને મંજૂરી આપી છે. અમદાવાદમાં જે બે પ્રારંભિક ટી.પી. સ્કીમ પ્રિલિમિનરી ટી.પી.ને મંજૂરી આપવામાં આવી છે, તેમાં 238-ભાટ સુઘડ, 85 સરખેજ-મકરબા-ઓકફ અને 1 ફાઈનલ ટી.પી. સ્કીમ તરીકે 102 નિકોલને પરવાનગી મળી છે.

સુરત અને ગાંધીનગરમાં કઈ કઈ ટી.પી. મંજૂર  ગાંધીનગરની મંજૂર થયેલી બે પ્રારંભિક ટી.પી.માં 10-અડાલજ-પોર તેમજ 9/બી-વાસણા હડમતીયા-સરગાસણ-વાવોલનો અને સુરતની પ્રિલિમિનરી ટી.પી. સ્કીમમાં 39 ઊધના લીંબાયતનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ શહેરોના અદ્યતન અને સુવિધાયુકત વિકાસને વેગ આપવા જે ટી.પી, ડી.પી. મંજૂર કરી છે તેના પરિણામે અમદાવાદ મહાનગરમાં 412 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થશે અને રૂ. 640 કરોડના અંદાજિત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ બે ટી.પી મંજૂર થતાં વેગ મળવાનો છે.

મુખ્યમંત્રીએ 2019ના પ્રથમ આઠ જ માસમાં 66 ટી.પી. સ્કીમ ઉપરાંત રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, બિલીમોરા અને ગાંધીનગરની મળી કુલ-23 પ્રિલિમિનરી ટી.પી. સ્કીમ મંજૂરી કરી છે. તેમણે રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, ઊંઝા અને વડોદરાની કુલ-21 ફાઈનલ એટલે અંતિમ ટી.પી ને પણ મંજૂરી આપી છે.