Western Times News

Gujarati News

મોદી સ્ટેડિયમમાં જઇ સટ્ટો રમાડતા બે બુકી ઝડપાયા

અમદાવાદ, હજારો પોલીસ કર્મચારીઓની આંખમાં ધૂળ નાખીને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જઇને ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા હરિયાણાના બે બુકીનો પર્દાફાશ થયો છે. હાઇ સિક્યોરિટીની વચ્ચે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ની મેચ રમાઇ રહી હતી. જેમાં બે બુકીએ જીસીએ (ગુજરાત ક્રિકેટ એસોસીએશન) દ્વારા ઇશ્યૂ કરાયેલા વેન્ડર પાસમાં ચેડાં કર્યાં હતા. પાસમાં ચેડાં કર્યા બાદ તે બંને જણા સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા અને સટ્ટો રમાડતા હતા.

અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ અને ટી-૨૦ મેચનું આયોજન થયું હતું. ટેસ્ટ શ્રેણી પુરી થઇ ગયા બાદ ટી-૨૦ શ્રેણી શરૂ થઇ હતી. જેમાં લાખોની સંખ્યામાં દર્શકો આવતાં કોરોના બ્લાસ્ટ થયો હતો. લાખ દર્શકો આવતાં કોરોના બ્લાસ્ટ થયો હતો. લાખો લોકોની જનમેદની ઊમટ્યા બાદ બીજી મેચોમાં દર્શકોને મેચ જાેવા પર પ્રતિબંધ મુકાઇ ગયો હતો. જેના કારણે સ્ટેડિયમમાં હાઇસિક્યોરિટી વચ્ચે દર્શકો વગર અન્ય મેચો રમાઇ હતી.

જીસીએ દ્વારા ઇશ્યૂ કરાયેલા વેન્ડર પાસ ધરાવતા લોકો, પોલીસ કર્મચારીઓને એન્ટ્રી હતી. મેચમાં લાઇવ ક્રિકેટ સટ્ટો રમવો ફાયદાકારક હોવાને કારણે હરિયાણાના બે બુકી અમદાવાદ આવ્યા હતા. હરિયાણાના પ્રિન્સ ગંભીર અને આશિષ યાદવ મેચ પહેલાં અમદાવાદ આવી ગયા હતા. દર્શકોને મેચ જાેવા જવા માટે પ્રતિબંધ હોવાના કારણે બંને બુકીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું.

બુકીઓની આશા પર પાણી ફર વળ્યુ હતું. બુકીઓએ પણ લાઇવ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવાનું નક્કી કરી લેતાં તેમને જીસીએ દ્વારા ઇશ્યૂ કરાયેલા વેન્ડર પાસ લેવાની કોશિશ કરી હતી. જાેકે તે પાસ નહીં મળતાં તેમણે સ્ટેડિયમમાં કામ કરતા પ્રજાપતિ શુભમ્‌ અને પ્રજાપતિ શિવમને રૂપિયાની લાલચ આપીને તેમના પાત લઇ લીધા હતા.

બંને જણાના પાસ આવી જતાં બુકીઓએ શુભમ અને શિવમના ફોટોગ્રાફ્સની જગ્યાએ પોતાના ફોટોગ્રાફ્સ લગાવ્યા હતા અને આસાનીથી સ્ટેડિયમમાં જતા રહ્યા હતા. સ્ટેડિયમમાં આવેલી પોડિયમની અલગ અલગ જગ્યા પર બંને જણા બેસી ગયા હતા અને ઓનલાઇન એપ્લિકેશનથી સટ્ટો રમાડતા હતા.

પોલીસ સ્ટેડિયમમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બંને યુવકો પર નજર ગઇ હતી અને તેમના મોબાઇલ ફોન ચેક કર્યા હતા. મોબાઇલ ફોન ચેક કરતાં ઓનલાઇન એપ્લિકેશન મળી આવતાં પોલીસ ચોંકી ગઇ હતી અને તરત જ બંને જણાની ધરપકડ કરી લીધી હતી અને તેમના વિરૂદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસની નબળી કામગીરી પર સવાલ ઃ મોદી સ્ટેડિયમમાં પહેલાં રોકડ રકમ તેમજ મોબાઇલ ફોનની ચોરીના બનાવો બન્યા હતા ત્યારે હાઇ સિક્યોરિટીની આંખમાં ધૂળ નાખીને સ્ટેડિયમમાં ઘૂસેલા આ બંને બુકી વિરૂદ્ધ ખાલી જુગારધારાની ફરિયાદ નોંધી છે. બંને બુકીએ જીસીએ દ્વારા ઇશ્યૂ કરેલા ડોક્યુમેન્ટમાં ચેડાં કર્યાં છે. જેથી ડોક્યુમેન્ટમાં ચેડાં કરવાનો પણ ગુનો દાખલ થાય પરંતુ પોલીસ તેવી કોઇ કલમનો ઉમેરો કર્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.