Western Times News

Gujarati News

કાયદા વ્યવસ્થાના મુદ્દે રાષ્ટ્રપતિશાસન લગાવીને વચગાળાની ચૂંટણી કરાવવાની તૈયારી

Files Photo

મુંબઇ: મહારાષ્ટ્રમાં ૧૦૦ કરોડની વસૂલાત, ટ્રાન્સફરના નામ પર લાંચ અને વિપક્ષના ૧૦૦ સવાલમાં ઘેરાયેલી મહાવિકાસ અઘાડી સરકાર પર વિપક્ષનું સતત દબાણ વધી રહ્યું છે. રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાવવા માટેની જાળ લગભગ પાથરી દેવામાં આવી છે. ૨ મેના રોજ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પરિણામોની જાહેરાત પછી કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર રાષ્ટ્રપતિશાસન લાવવાનો ભાજપનો પ્રયત્ન છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ જ કારણ છે કે ભાજપ સતત વિવિધ મુદ્દાઓ ઊભા કરીને રાજ્યમાં કાયદો- વ્યવસ્થા ખરાબ હોવાનો માહોલ ઊભો કરવાની તૈયારી કરી રહી છે.ભાજપનાં વિશ્વાસુ સૂત્રોનું કહેવું છે કે હકીકતમાં ભાજપનો પ્લાન ‘એ’ એટલે કે અજિત પવારને ફરીથી ભાજપ સાથે લાવવાનો તેમનો પ્લાન નિષ્ફળ થતો દેખાઈ રહ્યો છે.

ભાજપને લાગી રહ્યું છે કે અજિત પવાર એનસીપી ધારાસભ્યોના એક મોટા ગ્રુપને તોડીને પાર્ટીથી અલગ થઈ જશે. એનસીપી સુપ્રીમો શરદ પવાર પાસે માત્ર ૭-૮ ધારાસભ્યો જ બચશે, આ સંજાેગોમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકાર અલ્પમતમાં આવી જશે અને ભાજપ વિધાનસભામાં એનસીપીના બળવાખોર ધારાસભ્યોની મદદથી કોઈપણ રીતે બહુમતી સાબિત કરીને સરકાર બનાવી લશે, પરંતુ શરદ પવારની મહારાષ્ટ્ર પર કડક નજર અને તેમના કડક પગલાને કારણે એનસીપી તૂટવાની શક્યતા હવે ઓછી છે. આ જ કારણ છે કે ભાજપે પ્લાન બી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે સચિન વઝેના પ્રકરણને કારણે એનસીપીની છબી ફરી એકવાર સિંચાઈ કૌભાંડની જેમ ખરાબ થઈ ગઈ છે, તેથી હવે ભાજપના રણનીતિકાર એનસીપી સાથે સરકાર બનાવવાના પક્ષમાં નથી. આ સંજાેગોમાં ભાજપને મહારાષ્ટ્રમાં પહેલાં રાષ્ટ્રપતિશાસન લાવવા અને પછી વચગાળાની ચૂંટણી કરાવવાનો રસ્તો સાચો લાગી રહ્યો છે.

ભાજપ વચગાળાની ચૂંટણી પહેલાં પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના સ્થાન પર પૂર્વ નાણામંત્રી સુધીર મુનગંટીવારને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. જાેકે અત્યારે પણ ભાજપ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો તો દેવેન્દ્ર ફડણવીસનો જ રહેશે. જાે મુનગંટીવારની અધ્યક્ષતામાં પાર્ટી ચૂંટણી લડીને સરકાર બનાવશે તો તેમને કેન્દ્રીય મંત્રી બનાવવાની યોજના છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા સમયથી ફડણવીસને પણ કેન્દ્રમાં મોકલવાની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં ૨૦૧૯માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવસેના સાથે અને કોંગ્રેસે એનસીપી સાથે મળીને લડી હતી. આ ચૂંટણીમાં ભાજપને ૧૦૫, શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪ અને કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી.શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના સિનિયર નેતાઓને માતોશ્રી બંગલો પર સ્વ. બાલાસાહેબ ઠાકરેના રૂમમાં કરવામાં આવેલા વાયદાને યાદ અપાવીને અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદ પર શિવસેનાને આપવા માટે દબાણ શરૂ કર્યું હતું, પરંતુ એ શક્ય ના થતાં ઠાકરેએ શરદ પવાર અને સોનિયા ગાંધી સાથે મળીને રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર બનાવી.

મહારાષ્ટ્રમાં પહેલીવાર રાષ્ટ્રપતિશાસન ૧૯૮૦માં લાગ્યું હતું. ત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાદિક અલી હતા અને રાજ્યમાં શરદ પવારની આગેવાનીવાળી પુરોગામી લોકશાહી દળ (પુલદ)ની ગઠબંધનની સરકાર હતી. આ સરકારમાં જનતા દળ અને કોંગ્રેસ (ઈન્દિરા)થી છૂટા પડેલા લગભગ ૧૨ ધારાસભ્ય પવાર સાથે સરકારમાં હતા. ત્યારે ૧૭ ફેબ્રુઆરીથી ૯ જૂન ૧૯૮૦ સુધી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન હતું. ત્યાર પછી રાજ્ય સરકાર સસ્પેન્ડ કરીને વચગાળાની ચૂંટણી કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં બીજીવાર રાષ્ટ્રપતિશાસન ૨૦૧૪માં લાગ્યું હતું. આ વખતે શરદ પવાર રાજકીય કેન્દ્ર બિન્દુમાં હતા, કારણ કે પૃથ્વીરાજ ચૌહાણના નેતૃત્વમાં ચાલતી કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકારથી પાર્ટી એનસીપીએ સમર્થન પરત લીધું હતું. રાજ્યમાં ત્યારે ૩૨ દિવસ સુધી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ સુધી રાષ્ટ્રપતિશાસન હતું. મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિશાસન વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ભલામણથી ૧૨ નવેમ્બર ૨૦૧૯થી ૨૩ નવેમ્બર ૨૦૧૯ સુધી લગાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.