Western Times News

Gujarati News

દિલ્હીની છાત્રાનો ૩૦૦માંથી ૩૦૦ ગુણ મેળવવાનો રેકોર્ડ

Files Photo

નવી દિલ્હી: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ બુધવારે મોડી રાતે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) મેઈનના માર્ચ સત્રના પરિણામ ઘોષિત કર્યા હતા. આ પરીક્ષા માટે રજિસ્ટર થયેલા ૬,૧૯,૩૬૮ પરીક્ષાર્થીઓમાંથી ૧૩ વિદ્યાર્થીઓએ ૧૦૦ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે. દિલ્હીની કાવ્યા ચોપરાએ એન્જિનિયરીંગ માટેની પ્રવેશ પરીક્ષામાં ૩૦૦માંથી ૩૦૦ ગુણ મેળવીને ઈતિહાસ સર્જ્‌યો છે. જેઈઈ મેઈનમાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારી તે પહેલી મહિલા બની ગઈ છે.

કાવ્યાએ જેઈઈ મેઈનના ફેબ્રુઆરી સત્રમાં ૯૯.૯૭ પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. પરંતુ તેનું લક્ષ્ય હંમેશા ૯૯.૯૮ પર્સેન્ટાઈલ સ્કોર કરવાનું હતું. આ કારણે તેણે જેઈઈ મેઈનની માર્ચ સત્રની પરીક્ષા આપવાનો ર્નિણય લીધો હતો. પહેલા પ્રયત્ન વખતે તેણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પર વધારે ધ્યાન આપ્યું હતું તેમ છતાં કેમિસ્ટ્રી વિષયમાં તેને ઓછા ગુણ મળ્યા હતા. ત્યાર બાદ તેણે કયા ટોપિક કે પ્રશ્નમાં ભૂલ થઈ હતી તે શોધીને ૧૫ દિવસ સંપૂર્ણ ધ્યાન કેમિસ્ટ્રી વિષયમાં કેન્દ્રીત કરીને નબળા ટોપિક્સનો અભ્યાસ કર્યો હતો.

કાવ્યાએ દસમા ધોરણમાં ૯૭.૬ ટકા ગુણ મેળવ્યા હતા. નવમા ધોરણથી જ કાવ્યા રીજનલ મેથ્સ ઓલમ્પિયાડ (આરએમઓ) ક્વોલિફાય કરતી આવી છે. ૧૦મા ધોરણ વખતે ઈન્ડિયન જુનિયર સાયન્સ ઓલમ્પિયાડ (આઈએનજેએસઓ) ક્વોલિફાય કર્યા બાદ તે મુંબઈ ખાતે હોમી જહાંગીર ભાભા સેન્ટરમાં આયોજિત કેમ્પમાં પણ સામેલ થઈ હતી. ૧૧મા ધોરણમાં તેણે નેશનલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન ઈન એસ્ટ્રોનોમી (એનએસઈએ) ક્રેક કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.