Western Times News

Gujarati News

લોકડાઉનના પરિણામો ભયાનક આવશે: WHO

Files Photo

લૉકડાઉન વચ્ચે પણ કોમ્યુનિટિ ટ્રાન્સમિશન દ્વારા વાયરસ નાના વિસ્તારોના લોકોમાં ફેલાશે. જેવું લૉકડાઉન હટાવવામાં આવશે કે કેસ ખૂબ જ ઝડપથી વધવા લાગશે.

નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લૉકડાઉન કે પછી નાઇટ કર્ફ્‌યૂ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

આ તમામની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને લૉકડાઉન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લૉકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે. સાથે જ તેમણે કોરોનાની બીજી લહેરને રોકવા માટે લોકોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો છે.

આ દરમિયાન તેમણે વેક્સીનના ડોઝ અંગે પણ ચર્ચા કરી હતી. અંગ્રેજી વર્તમાનપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે ડૉક્ટર સ્વામીનાથને કહ્યુ કે, ત્રીજી લહેર વિશે વિચારવા અને અમુક સંખ્યામાં લોકોને રસી આપવામાં આવ્યા સુધી આપણે બીજી લહેરનો સામનો કરવો જ પડશે. આ મહામારીની ચોક્કસથી કોઈ અન્ય લહેરો પણ હોઈ શકે છે. ડબલ્યુએચઓ તરફથી કોવીશીલ્ડના બે ડોઝ વચ્ચે ૮થી ૧૨ અઠવાડિયાનો સમયગાળો રાખવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે સ્વામીનાથને કહ્યુ કે, હાલ બાળકોને વેક્સીન લગાવવાની સલાહ નથી આપવામાં આવી.

પરંતુ બે ડોઝ વચ્ચેનો સમયગાળો આઠથી ૧૨ અઠવાડિયા સુધી વધારે શકાય છે. ડબલ્યુએચઓના ક્ષેત્રિય ડિરેક્ટર ડૉક્ટર પૂનમ ખેત્રીપાલે પણ વેક્સીનની વાત પર ભાર મૂક્યો હતો. સાતમી એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના પ્રંસગે તેમણે કહ્યું કે, સંક્રમણની નવી લહેર આખા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. વેક્સીન આપવાની ઝડપ વધારવા અંગે પ્રયાસ કરવા પડશે.

ખાસ વાત એ છે કે ભારતમાં દરરોજ વેક્સીનના સરેરાશ ૨૬ લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ કેસમાં ભારતની આગળ ફક્ત અમેરિકા છે. અમેરિકામાં સરેરાશ ૩૦ લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. જાેકે, પુણેમાં નિષ્ણાતોએ લૉકડાઉનની વાત પર વાંધો ઉઠાવ્યો છે.

પ્રોફેસર એલ એસ શશિધરાએ કહ્યું કે, “ગત વર્ષે લૉકડાઉન વચ્ચે પણ પુણેમાં અનેક હૉટસ્પોટ હતા. જેવું લૉકડાઉન હટ્યું કે કેસ વધવા લાગ્યા હતા. ત્યારે ૧૦ દિવસના લૉકડાઉને પણ અસર કરી ન હતી. આંકડા સતત વધતા રહ્યા હતા. લૉકડાઉન વચ્ચે પણ કોમ્યુનિટિ ટ્રાન્સમિશન દ્વારા વાયરસ નાના વિસ્તારોના લોકોમાં ફેલાશે. જેવું લૉકડાઉન હટાવવામાં આવશે કે કેસ ખૂબ જ ઝડપથી વધવા લાગશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.