Western Times News

Gujarati News

રાફેલ વિવાદઃ ભારતીય કંપનીએ ગેરરીતીના આરોપો ફગાવ્યા

Files Photo

નવીદિલ્હી: રાફેલ લડાકૂ વિમાનની ખરીદીમાં બીજીવાર ગરમાયેલા કૌભાંડના આરોપો વચ્ચે મંગળવારે જેના પર ફ્રાંસીસી મીડિયાએ આ ડિલમાં વચેટિયા તરીકે કમિશન ખાવાનો આરોપ લગાવ્યો હતો તે ભારતીય કંપની સામે આવી છે. કંપનીએ તમામ આરોપો નકારી કાઢ્યા છે અને કહ્યું કે રાફેલની નિર્માતા કંપની દસૉલ્ટ એવિએશનને આ વિમાનના ૫૦ નકલી મોડલની સપ્લાઈ કરી હતી.

ફ્રાંસીસી પબ્લિકેશન મીડિયાપાર્ટે પોતાના દેશની એન્ટી કરપ્શન એજન્સીની એક તપાસના હવાલેથી રિપોર્ટ રજૂ કર્યો હતો કે દસૉલ્ટ એવિએશને ડેફસિસ સૉલ્યૂશંસને ૧૦ લાખ યૂરોની ચૂકવણી કરી હતી. આ ચૂકવણી વિમાનના ૫૦ મોડલ માટે કરાઈ હતી, જે ભેટમાં આપવામાં આવનાર હતા. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે એજેન્સી ફ્રાંસ એન્ટીકરપ્શનના ઈંસ્પેક્ટર્સને આ મોડલ બનાવવાનાં કોઈ સબૂત મળ્યાં નથી.

આ રિપોર્ટ બાદ સોમવારે ફરી ભારતીય રાજનીતિએ ગરમાવો પકડ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને ઘેર્યું હતું. જ્યારે સરકારે તમામ આરોપો ફગાવી દીધા હતા. મંગળવારે ડેફસિસ સૉલ્યૂશંસે પણ ટેક્સ રસીદ રજૂ કરતાં આ આરોપો ખોટા ઠેરવવાનો પ્રયત્ન કર્યો.
કંપનીએ કહ્યું કે આ મીડિયામાં સામે આવેલા નિરાધાર, પાયાવિહોણા અને ભ્રામક દાવાનો જવાબ છે,

જેમાં ડેફસિસે રાફેલ વિમાનોની ૫૦ પ્રતિકૃતિ મોડલની આપૂર્તિ ના કરી હોવાનું કહેવાઈ રહ્યું હતું. કંપનીએ કહ્યું કે દસૉલ્ટ એવિએશનને રાફેલ વિમાનોની ૫૦ પ્રતિકૃતિ મૉડલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં. આ આપૂર્તિ એ ખરીદ ઓર્ડરના આધાર પર કરવામાં આવી હતી જે આ પ્રમુખ હથિયાર નિર્માતા કંપનીએ આપી હતી. કંપનીએ કહ્યું કે સંબંધિત અધિકારીઓ પાસે આ મોડલ પહોંચાડ્યાં હોવા સંબંધી ડિલીવરી ચલાન, ઈ વે બિલ અને જીએસટી રિટર્ન વિધિવત રીતે જમા કરાવવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.