Western Times News

Gujarati News

૫ મજૂરને સુલભ શૌચાલયમાં આઇસોલેટ કરી દીધા હતા

ચંબા: હાલ દેશમાં કોરના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ ૩.૫ લાખથી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં જે દર્દીઓ પોઝિટિવ આવી રહ્યા છે તેમના હૉસ્પિટલ, આઈસોલેશન સેન્ટર કે પછી ઘરે જ આઇસોલેટ કરવામાં આવે છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં પાંચ જેટલા મજૂરોને સુલભ શૌચલયમાં આઇસોલેટ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ વાતની જાણકારી મળતા મીડિયા ત્યાં દોડી ગયું હતું. જાેકે, તંત્રને જાણ થતાં મીડિયા પહોંચે તે પહેલા જ પાંચેય મજૂરોને બીજે ખસેડી દેવામાં આવ્યા હતા. આ અંગેની કેટલીક તસવીર મીડિયામાં વહેતી થઈ છે. આ પાંચેય મજૂરોને એક કોન્ટ્રાક્ટર તરફથી શહેરમાં લાવવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના પાંગીમાં કોન્ટ્રાક્ટરો કામ કરવા માટે બહારથી મજૂરો લાવે છે.

તાજેતરમાં કોન્ટ્રાક્ટર ૨૦ મજૂરોને લાવ્યો હતો. જેમાંથી કોરોના ટેસ્ટ કરવામાં આવતા પાંચ મજૂર કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. તેમની સાથે આવેલા ૧૫ વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જાેકે, કોરોના પોઝિટિવ આવેલા પાંચ લોકોને બસ સ્ટેન્ડ પાસે આવેલા સુલભ શૌચાલયમાં જ આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા. લોકોને જ્યારે આ વાતને જાણકારી મળી ત્યારે લોકોએ ડરના માર્યા એ તરફ જવાનું જ બંધ કરી દીધું હતું.

બસ સ્ટેન્ડ બાજુથી આવતા અને જતા લોકો ડરવા લાગ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, દેશની હાલત એટલી પણ ખરાબ નથી કે મજૂરોને સુલભ શૌચાલયોમાં આઇસોલેટ કરવા પડે. પાંગ તંત્રને ખબર હતી કે પાંચ મજૂર કોરોના પોઝિટિવ છે તો શા માટે તેમને શૌચાલયમાં આઇસોલેટ કરવામાં આવ્યા? આ શૌચાલય બસ સ્ટેન્ડ પાસે છે. અહીં સામાન્ય લોકો આવતા અને જતા રહે છે. હિમાચલ પથ પરિવહન નિગમના કર્મચારીનું નિવાસ પણ બસ સ્ટેન્ડ ખાતે છે.

તેમને પણ હવે ડર લાગી રહ્યો છે કે તેઓ પણ કોરોના વાયરસના ઝપટમાં ન આવી જાય. બસ ચાલકોનું પાંગીના તમામ રૂટ્‌સ પર આવવાનું અને જવાનું હોય છે. આથી તેમને હવે વાયરસ ફેલાવાનો ભય લાગી રહ્યો છે. જાેકે, મીડિયા જેવું ત્યાં પહોંચ્યું કે તંત્રએ દોડીને તે લોકોને ત્યાંથી હટાવી દીધા હતા. બીજી તરફ એવી વાત પણ સામે આવી છે કે અનેક પોઝિટિવ લોકોને બસ સ્ટેન્ડમાં રાખવામાં આવ્યા છે. આથી બસ સ્ટેન્ડમાં આવતા જતા લોકો સંક્રમિત થઈ શકે છે. કોન્ટ્રાક્ટરે કોના કહેવાથી મજૂરોને સુલભ શૌચાલયમાં રાખ્યા હતા? આ વાતની જાણ હોવા છતાં તંત્ર તરફથી શા માટે કોઈ પગલાં ભરવામાં ન આવ્યા તે પણ મોટો સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.