Western Times News

Gujarati News

૮ વર્ષીય નૈતિકે એક દિવસ માટે આર્મી યુનિફોર્મ પહેરી સૈનિક હોવાનો અનુભવ કર્યો

૨૯મી એપ્રિલ વર્લ્ડ વિશ(ઇચ્છા) ડે-૫ વર્ષીય જીયાને ઢીંગલી અને કિચન સેટની ગીફ્ટ મળતા ચહેરા પર સ્મિત રેલાયુ 

ગંભીર-જીવલેણ બિમારીથી પીડાતા બાળકોની ઇચ્છા પૂરી કરતું “મેક અ વિશ ફાઉન્ડેશન”

કોરોના કાળના એક વર્ષમાં રાજ્યના ૧૬૦૦થી વધુ બાળકોની ઇચ્છાપૂર્તિ કરવામાં આવી

અમદાવાદ શહેરની ૫ વર્ષની દિકરી જીયા બારીયાને ઢીંગલી અને કિચન સેટ જોઇએ છે ! એક સંસ્થામાંથી જીયાના પિતાને ફોન આવ્યો…તમારી દિકરીની શું ઇચ્છાઓ છે… તેને શું ગમે છે.. અમે દિયાની આ ઇચ્છાઓ પૂરી કરવા માંગીએ છીએ… જીયાના પિતાએ જીયાને જ ફોન આપ્યો… તેણે કહ્યું મને કિચન સેટ અને બેબી ડોલ જોઇએ છે….મેક અ વિશ ફાઉન્ડેશને જીયાની આ ઇચ્છા પૂરી કરી… પણ કેમ ?

૫ વર્ષની માસુમ જીયા બારીયા જે હજૂ તો જીવન શું છે તે સમજી નથી….બાળપણ શું હોય તે કેમનું વ્યતિત થાય તે જાણતી નથી… દુનિયા કેવી છે?.. દુનિયાદારી શું છે તેનાથી અજાણ છે… કોરોના શું છે .. સોશિયલ ડિસ્ટન્સીંગ શું છે… આ તમામ પ્રકારના પ્રશ્નોની થી અજાણ છે… પરંતુ હા જિયા એક પ્રશ્ન નો જવાબ જરૂરથી જાણે છે…. કે મને… કેન્સર છે…. !

આજે ૨૯ એપ્રિલનો દિવસ વિશ્વભરમાં “વિશ્વ ઇચ્છા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકા સ્થિત “મેક અ વિશ” સંસ્થા દ્વારા આ દિવસના ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા ૩૫ થી વધુ દેશમાં કાર્યરત છે. ખાસ કરીને ૩ થી ૧૮ વર્ષના બાળકો કે જેઓ ગંભીર અથવા તો અન્ય કોઇ જીવલેણ બિમારીથી ઝઝૂમી રહ્યા હોય. જીવન-મરણ વચ્ચેનો સંધર્ષ ખેલી રહ્યા હોય. આવા બાળકોની જીવનમાં રહેલી ઘણી ઇચ્છાની પૂર્તિ માટે આ સંસ્થા કાર્ય કરે છે.

કોરોના મહામારીના આ કપરા કાળમાં ડિસેમ્બર મહિનામાં માસૂમ જિયા પર આભ તૂટી પડ્યુ.. જીયાના પરિવારને ખબર પડી કે દિકરીને બરકીટ લિમ્ફોમાં નામનું કેન્સર છે… જે સાંભળી પરિવાર પડી ભાંગ્યો…અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી…જાન્યુઆરી મહિનામાં પહેલી સર્જરી કરાવી…

ત્યારબાદ જીયા હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે મેક અ વિશ સંસ્થામાંથી વિવિધ મહિલાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી.. આવી અતિગંભીર બિમારીમાંથી પસાર થઇ રહેલા બાળકોની મુલાકાત લઇ તેમના ચહેરા પર સ્મિત લાવવા તેમની ઇચ્છાઓ જાણી..અને તે પુરી પણ કરી…

હવે જીયાની એક જ ઇચ્છા છે કે આ કેન્સર નામની બિમારીમાંથી જલ્દી થી જલ્દી સાજી થઇ જાવ અને અન્ય બાળકોની જેમ હું પણ રમી શકું… આવો જ એક અન્ય કિસ્સો સુરત શહેરના ૮ વર્ષીય નૈતિક પાટીલ સાથે બન્યો જે એક અતિગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે અને સુરત સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

નૈતિકની આર્મી ઓફિસર બનીને દેશની સેવા કરવાની ઇચ્છા છે અને એક દિવસ આર્મીનો યુનિફોર્મ-ગણવેશ પહેરવાની ઇચ્છા ધરાવે છે. જે માટે આ સંસ્થાએ વડોદરાના આર્મી કેમ્પમાં સંપર્ક કરીને તેની આ ઇચ્છાપૂર્તિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સંવેદનશીલ આર્મીએ પ્રસ્તાવનો સ્વીકાર કરીને નૈતિકને આર્મીનો ગણવેશ પહેરાવવામાં આવ્યો.

એટલું જ નહીં નૈતિકને આર્મીમાં સેલ્યુટ કેમનું કરવું,સાવધાન અને વિશ્વામની સ્થિતિ સમજાવીને તેનું અનુકરણ કરાવવામાં આવ્યું. આ મેક એ વિશ સંસ્થા દ્વારા અન્ય કોઇ બિમારીથી પીડાતા બાળકો કે જેમના જોડે જીવનપર્યત ખૂબ જ ઓછા દિવસ હોય, બિમારીની ગંભીરતા ઘણી હોય પરંતુ જીવનમાં એક ઇચ્છા હોય જે તેઓ પૂરી કરવા માંગતા હોય…..તેવા બાળકોની ઇચ્છાપૂર્તિ માટેના પ્રયાસો ઉક્ત સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

જીવનપર્યત માનવશરીર ઇચ્છાઓથી ઘેરાયેલું રહે છે. જીવનનિર્વાહ કરતા કરતા વ્યક્તિ ઘણી ઇચ્છાપૂર્તિ કરવા પાછળ જીવનભર દોડતો રહે છે તે છતાં પણ ઘણી ઇચ્છાઓ અધૂરી રહી જાય છે.

અત્રે નોંધવુ જરૂરૂી છે કે , ભારત દેશમાં પણ ૧૯૯૬ થી આ સંસ્થા કાર્યરત છે. છેલ્લા ૨૩ વર્ષમાં ૮૫૦૦ થી વધુ બાળકોની ઇચ્છાપૂર્તિ કરવામાં આ સંસ્થા સફળ રહી છે.આટલી મોટી સંખ્યામાં બાળકોની ઇચ્છા પૂર્તિ કરીને સ્વપ્નને સાકાર કરીને અગણ્ય બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય આ સેવાભાવી સંસ્થા એ કર્યું છે.

કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા એક વર્ષમાં ફક્ત ગુજરાતમાં જ ૧૬૦૦ થી વધુ બાળકોની વિશ પૂરી કરવામાં આ સંસ્થા સફળ રહી છે. મેક અ વિશ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ડૉ. અનિલ ખત્રી કહે છે કે, ગંભીર અને જીવલેણ બીમારીથી પીડાતા બાળકોની ઈચ્છા પૂર્તિ કર્યા બાદ આવા બાળકોમાં જીવન જીવવાની નવીન ઊર્જાનો ઉદય થતા જોવા મળ્યો છે.ઘણા કિસ્સામાં નાનામા નાની ઈચ્છાઓ પૂરી થતાં તેઓ હર્ષોલ્લાસ સાથે આગામી જીવન સરળતાથી પસાર કરતા જોવા મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.