Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતેથી “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ”નો શુભારંભ કરાવ્યોઃ ખેડા જિલ્લામાં ર લાખ ઉપરાંત નાગરિકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો

નડિયાદ, હોકીની રમતમાં ઓલિમ્પિકમાં દેશને સતત ત્રણવાર ગોલ્ડ મેડલ અપાવનાર મેજર ધ્યાનચંદના જન્મદિવસ ર૯ ઓગષ્ટે દેશભરમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ કેળવવા નવી દિલ્હી ખાતેથી આજે “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ”નો શુભારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીમાં ખેડા જિલ્લાભરની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવા મંડળો, રમતગમત મંડળો, સ્વામી વિવેકાનંદ મંડળો, નહેરૂ યુવા કેન્દ્ર, ડિસ્ટ્રીકટ સ્પોર્ટસ સંકુલ, જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો સહિત બે લાખ ઉપરાંત નાગરિકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કલેકટર સુધીર પટેલે રમતગમતને જીવનમાં સ્થાન આપી સ્વસ્થ પરિવાર, સ્વચ્છ સમાજના વડાપ્રધાનના સંકલ્પને પરિપૂર્ણ કરવા જણાવ્યું હતું સ્વસ્થ ભારત અભિયાનની જેમ “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ”ને જીવનનો હિસ્સો બનાવી પોતે, પરિવાર સહિત મિત્રોને તંદુરસ્ત રહેવા સંકલપબધ્ધ બનવા તેમણે અનુરોધ કર્યો હતો આ અવસરે “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” અંતર્ગત સૌએ શપથ લીધા હતા.

ખેડા જિલ્લામાં ગ્રામ્યકક્ષાએથી તાલુકા જિલ્લા કક્ષા સુધી એથ્લેટીકસ વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, ફુટબોલ, હોકી, રસ્સાખેં, જમ્પરોપ, યોગાસન, પરંપરાગત રમતો, સાહસિક પ્રવૃત્તિઓ, લોકનૃત્ય, કલાસિકલ નૃત્ય, સાયકલીંગ, મેરેથોન જેવી સ્પર્ધાઓના આયોજન દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” કાર્યક્રમના જીવત પ્રસારણનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કલેકટર સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત અધિકારીઓએ કલેકટર કચેરી ખાતે “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” કાર્યક્રમને નિહાળ્યો હતો.

રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી નિમિત્તે સ્પોર્ટસ સંકુલ નડિયાદ ખાતે સંકુલના ર૦૦ જેટલા ખેલાડીઓએ દોડ, રસ્સાખેંચ, વોલીબોલ રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે પણ સૌ ખેલાડીઓએ તંદુરસ્ત રહેવા માટે શપથ ગ્રહણ કર્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડા જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીનું અસરકારક આયોજન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.