Western Times News

Gujarati News

સ્વામી ચિંદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીના હસ્તે રાજભવન ખાતે વૃક્ષારોપણ કરાયું

  • પ્રકૃતિ પ્રત્યેનો આદર એ આપણા સંસ્કૃતિ અને સંસ્કાર છે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

  • સાંપ્રદાયિક સદ્દ્ભાવ અને પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ સાથે બીજા તબક્કાની અમન, એકતા હરિયાળી યાત્રાનો પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રી
  • અમન, એકતા, હરિયાળી યાત્રાના ઉપક્રમે પરમાર્થ નિકેતન ઋષિકેશના અધ્યક્ષ શ્રી સ્વામી ચિંદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીના હસ્તે રાજભવન ખાતે વૃક્ષારોપણ કરાયું
  • જમિયત ઉલેમાહિંદના મહામંત્રીશ્રી મૌલાના મેહમૂદ મદની અને એસ.જી.વી.પી.ના સ્વામી માધવપ્રિયદાસજીની ખાસ ઉપસ્થિતિ

 ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન, ગાંધીનગર ખાતે અમન, એકતા, હરિયાળી યાત્રાના ઉપક્રમે પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેતાં જણાવ્યું હતું કે આપણી વૈદિક સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. પ્રકૃતિ પ્રત્યેનો આદર એ આપણા સંસ્કૃતિ અને સંસ્કાર છે.

રાજભવન, ગાંધીનગર ખાતે પરમાર્થ નિકેતન ઋષિકેશના અધ્યક્ષ સ્વામીશ્રી ચિદાનંદ સરસ્વતીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી અમન, એકતા, હરિયાળી યાત્રાના બીજા તબક્કાનો રાજ્યપાલશ્રીએ વૃક્ષારોપણ કરી શુભારંભ કરાવ્યો હતો. દેશભરના અનેક વિસ્તારોને સાંકળતી આ યાત્રા ગ્લોબલ ઇન્ટરફેઈથ વૉશ એલાયન્સ ગીવા અને જમિયત ઉલેમા-એ-હિન્દના સહયોગથી યોજાઇ રહી છે. જેમાં પ્રમુખ નિકેતન ઋષિકેશ, ગંગા એક્શન પરિવાર અને જમિયત યુથ ક્લબનો સહયોગ પણ મળી રહ્યો છે.

આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જણાવતા સ્વામી ચિંદાનંદે જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ અને અન્ય વર્ગો વચ્ચે સદ્ભાવ અને એકતા સુદૃઢ બને તેમજ વૃક્ષારોપણ દ્વારા હરિયાળી ધરતીથી પર્યાવરણની સુરક્ષા કરવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, જળ સંરક્ષણ અને જળ સંચયનો સંદેશો ફેલાવી લોકજાગૃતિ કેળવવા જેવા ઉદ્દેશો સાથે આ યાત્રા યોજવામાં આવેલ છે. આ પ્રસંગે સ્વામીજીએ રાજ્યપાલશ્રીને રૂદ્રાક્ષનો છોડ અર્પણ કરી, રાજ્યપાલશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરી અમન, એકતા, હરિયાળી યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા જમિયત ઉલેમા-એ-હિંદના મહામંત્રી મૌલાના મહમૂદ મદનીએ જણાવ્યું હતું કે, આપણો દેશ જુદી-જુદી ભાષા, ધર્મો અને કોમની એકતાના સુત્રથી બંધાયેલો એક મહાન દેશ છે, જેમાં અમન-એકતા અને હરિયાળી ફેલાય તેવા ઉદ્દેશથી અમે સંયુક્ત રીતે આ યાત્રાને સાકાર કરી છે.

“એસ.જી.વી.પી.” સ્વામીનારાયણ ગુરૂકૂળના અધ્યક્ષ માધવપ્રિયદાસ સ્વામીજીએ આ યાત્રાને સાંસ્કૃતિક સદ્ભાવના પ્રતિક તરીકે ગણાવી હતી. આ પ્રસંગે અન્ય સંતગણ, મુસ્લીમ અગ્રણીઓ, શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવીણ કોટક, શ્રી કિરીટ ભીમાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.