Western Times News

Gujarati News

રાજ્યના મુખ્ય સચિવને દિલ્હી બોલાવવાનો આદેશ રદ કરવાની અપીલ કરી

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યના મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવાનો આદેશ રદ કરવાની અપીલ કરી છે.

મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવાના એક તરફી આદેશથી સ્તબ્ધ અને હેરાન છું. આ એકતરફી આદેશ કાયદાની કસોટીએ ખરો ન ઉતરનારો, ઐતિહાસિક રીતે અભૂતપૂર્વ અને સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે.’

મમતા બેનર્જીએ પત્રમાં આગળ લખ્યું કે ‘કેન્દ્રએ રાજ્ય સરકારની સાથે વિચાર વિમર્શ બાદ મુખ્ય સચિવનો કાર્યકાળ એક જૂનથી આગામી ત્રણ મહિના માટે વધારવાનો જે આદેશ આપ્યો હતો તેને જ પ્રભાવી ગણવામાં આવે.’ અત્રે જણાવવાનું કે અલ્પન બંદોપાધ્યાયનો કાર્યકાળ આજે (૩૧ મે)ના રોજ ખતમ થઈ રહ્યો હતો. પરંતુ કોવિડ-૧૯ના મેનેજમેન્ટને ધ્યાનમાં રાખતા તેમને ૩ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.

મમતા બેનર્જીએ કહ્યું કે ‘મુખ્ય સચિવને ૨૪મી મેના રોજ કેબિનેટ સચિવ દ્વારા ૩ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું અને ૨૮મી મેના રોજ એકતરફી આદેશ આપીને તેમને દિલ્હીમાં ડીઓપીટીને રિપોર્ટ કરવાનું કહેવાયું.’ તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે ૨૪મી મેથી ૨૮મે વચ્ચે શું થયું? એ વાત સમજમાં ન આવી. આદેશમાં સેન્ટ્રલ ડેપ્યુટેશનના કોઈ વિવરણ કે કારણોનો ઉલ્લખ નથી.

પત્રમાં મમતા બેનર્જીએ વધુમાં લખ્યું કે મને આશા છે કે નવીનતમ આદેશ (મુખ્ય સચિવની બદલી દિલ્હી કરવાનો) અને કલઈકુંડામાં તમારી સાથે મારી મુલાકાતને કોઈ લેવા દેવા નથી. હું ફક્ત તમારી સાથે વાત કરવા માંગતી હતી. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે સામાન્ય રીતે જે પ્રકારે બેઠક થાય છે તે રીતે, તમે તમારા પક્ષના એક સ્થાનિક વિધાયકને પણ આ દરમિયાન બોલાવી લીધા, જ્યારે પ્રધાનમંત્રી-મુખ્યમંત્રીની બેઠકમાં તેમનો હાજર રહેવાનો કોઈ અર્થ નથી. અત્રે જણાવવાનું કે નંદીગ્રામથી ભાજપના ધારાસભ્ય શુવેન્દુ અધિકારી પણ આ બેઠકમાં સામેલ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.