Western Times News

Gujarati News

જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને રામભાઈ  90,000 પરિવારોને આપશે વીમા સુરક્ષા કવચ

રાજ્યસભાના સાંસદ અને શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝના ચેરમેન શ્રી રામભાઈ મોકરીયાનો આજે પહેલી જૂને 65મો જન્મદિવસ

ભારતની કુરિયર ઈન્ડસ્ટ્રીઝમાં અગ્રીમ સ્થાન ધરાવતા અને હાલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ એવા શ્રી રામભાઈ મોકરીયાનો પહેલી જૂને 65મો જન્મદિવસ છે. બ્રહ્મસમાજના અગ્રણી, કર્મયોગી અને સમાજસેવા માટે હંમેશા કાર્યરત એવા રામભાઈ કોરોનાકાળમાં પણ જનસેવામાં વ્યસ્ત છે. પોતાના જન્મદિવસની ઊજવણી કરવાના બદલે તેમણે અનોખી પહેલ હાથ ધરી છે જે અંતર્ગત તેઓ પોરબંદર જિલ્લાના 90,000 પરિવારોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનું સુરક્ષા કવચ પૂરું પાડશે.

આજના કોરોનાના  કપરાકાળમાં દેશ અને દુનિયાના લોકો ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તેની સાથોસાથ અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. અચાનક સર્જાતા અકસ્માતોના લીધે જ્યારે પરિવારના મોભી અથવા કમાનાર મુખ્ય વ્યક્તિનું નિધન થાય ત્યારે પરિવારના અન્ય સભ્યો આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે તેથી આવા કુટુંબોને મદદરૂપ બનવા અને પોરબંદર જિલ્લાના તમામ પરિવારોને વીમા યોજનાનું સુરક્ષા કવચ આપવાનું ભગીરથ કાર્ય માનનીય સાંસદશ્રી રામભાઈ મોકરીયા હાથ ધરશે.

પોરબંદર જિલ્લામાં અંદાજે 90,000 પરિવારો વસવાટ કરે છે. આથી આ તમામ કુટુંબના પરિવારદીઠ એક સભ્યનું અકસ્માત વીમો – પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ આવરી લઈને તેમના વીમાનું પ્રિમિયમ માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરીયા દ્વારા ભરી આપવામાં આવશે.

રામભાઈ જ્યારે પણ મળે ત્યારે એમના ચહેરા પર સ્મિત હોય છે. એ જ્યારે જેને પણ મળે, જેમની સાથે શેકહેન્ડ કરે એમને પણ એનર્જેટિક કરી દે છે. જીવનમાં પોઝિટિવ વલણ, વર્તન અને વાણી હોય. કામ કરવાની નિષ્ઠા હોય, ઈશ્વરમાં અપાર શ્રદ્ધા હોય તો શું થઈ શકે?

એનું જીવંત ઉદાહરણ છે ભારતભરની જાણીતી મારૂતિ કુરિયરના સ્થાપક શ્રી રામભાઈ મોકરીયા. જિંદગીમાં વર્ષો ઉમેરાતા જાય એ સાહજિક પ્રક્રિયા છે. રામભાઈ મોકરીયા એવા વ્યક્તિ છે જેમણે વર્ષોમાં જિંદગી ઉમેરી છે. સદા ઉત્સાહ, ઉત્કર્ષથી એમની બોડીલેંગ્વેજ છલકાય અને એટલે જ જીવનના 64 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા હોવા છતાં એમને ચહેરા પર કે કામમાં ક્યાંય થાક વર્તાતો નથી.

પૂજ્ય રમેશભાઈ ઓઝા ઘણીવાર કહે છે કે કામ કરો ત્યારે તમે આશક્ત બનો અને ફળની વાત આવે ત્યારે વિરક્ત થઈ જાઓ. આ વાત રામભાઈ મોકરીયાએ જાણે મંત્રની જેમ જીવનમાં ઉતારી છે. પોતાના વ્યવસાયમાં અને સમાજના અન્ય ક્ષેત્રોમાં એ સતત કાર્યરત છે પણ આસક્ત નથી. એટલે જ જીવનના છ દાયકાની મજલ કાપ્યા પછી પણ થાક્યા નથી.

એટલું જ નહીં, પરંતુ જીવનનો પ્રવાસ ધીમેધીમે યાત્રામાં પલટાઈ રહ્યો છે. રાજેશ ખન્ના-અમિતાભ બચ્ચન અભિનિત સુંદર ફિલ્મ આનંદનો એક સંવાદ છે, જિંદગી લંબી નહીં, બડી હોની ચાહીએ બાબુ મોશાય!! અને રામભાઈ મોકરીયાની જિંદગી જેટલી બાંબી છે એના કરતાં ઘણી મોટી છે. 64 વર્ષની વયમાં એ ભરપૂર જીવ્યા છે.

એવી રીતે જીવ્યા છે કે અન્યોને પણ એની પ્રેરણા મળે. કોઈ ક્ષેત્રમાં માણસ સફળ હોય એ તો આવકાર્ય છે, પરંતુ સફળ હોય એ સહજ હોય, સફળ હોય એ સરળ હોય એ પણ એટલું જ જરૂરી છે. અને રામભાઈ મોકરીયા સહજ, સરળ છે. સમાજમાં જે સામાન્ય ઓળખ છે, જે ઈમેજ છે એ તો મારૂતિ કુરિયરના સ્થાપક કે પછી કોર્પોરેટની ભાષામાં કહીએ તો એન્ટરપ્રેન્યોર રામભાઈ મોકરીયા! ! અને એ ઈમેજ જરા પણ ખોટી નથી.

કૌટુંબિક સંઘર્ષ, સામાજિક યોગદાન બરાબર પરંતુ તો પછી રામભાઈ રાજકારણમાં કેવી રીતે આવ્યા, રાજ્યસભાના સાંસદ અને ભારતની કુરિયર ઈન્ડસ્ટ્રીમાં ભીષ્મપિતામહ સમાન અગ્રીમ સ્થાન ધરાવતા શ્રી મારૂતિ કુરિયરના સ્થાપક રામભાઈ મોકરીયા સમગ્ર સૌરાષ્ટ્રના સામાજિક અગ્રણી છે એવું કહેવામાં જરાય અતિરેક નથી. તા. 1 જૂન, 1957ના દિવસે એમનો જન્મ પોરબંદર જિલ્લાના ભડ ગામે થયો હતો.

બેચલર ઓફ આર્ટ્સ અને એલ.એલ.બી. સુધીનો એમણે અભ્યાસ કર્યો છે. 1976થી એટલે કે યુવાવસ્થાથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને 1978થી જનસંઘમાં ત્યારબાદ તેઓ ભાજપમાં સક્રિય છે. બ્રહ્મસમાજના અગ્રણી, કર્મયોગી અને સમાજસેવા માટે હંમેશા કાર્યરત એવા રામભાઈ કોરોનાકાળમાં જનસેવામાં વ્યસ્ત છે. પોતાના જન્મદિવસની ઊજવણી કરવાના બદલે તેઓ સમાજસેવામાં સમય પસાર કરશે.

વ્યાપારિક જવાબદારીઓથી પણ સવિશેષ તેઓ સામાજિક અને રાષ્ટ્રીય સેવાર્થે ખૂબ જ પ્રતિબદ્ધ છે. વર્તમાન કોરોના મહામારીના કપરા સમયમાં દેશની જનતાને મદદરૂપ થવા માટે રામભાઈએ શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ દ્વારા માનનીય વડાપ્રધાનાન પીએમ કેર્સ ફંડમાં રૂ. 1,08,00,000 (રૂપિયા એક કરોડ આઠ લાખ) અર્પણ કર્યા છે.

આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ રૂ. 10,80,000 (રૂપિયા દસ લાખ એંસી હજાર) અર્પણ કર્યા છે. તેમની કર્મનિષ્ઠાથી પ્રેરાઈને શ્રી મારૂતિ કુરિયરના કર્મયોગીઓએ પણ રાષ્ટ્રીય યોગદાન તરીકે દરેક સ્ટાફના એક દિવસના પગારની કુલ રકમ રૂ. 8,10,000 (રૂપિયા આઠ લાખ દસ હજાર) પીએમ કેર્સ ફંડમાં જમા કરાવી છે. આમ, શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પરિવાર દ્વારા કુલ રૂ. 1,26,90,000 (રૂપિયા એક કરોડ છવ્વીસ લાખ નેવું હજાર) દેશની સેવા માટે અર્પણ કરેલા છે.

ઉપરાંત તાજેતરમાં રૂ. 3,50,000ના ખર્ચે રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને અર્પણ કર્યા છે. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે રૂ. 11,11,111નું યોગદાન અર્પણ કરેલ છે. રૂ. 1,50,000 રાજુલા વિસ્તારમાં રાશન કીટ વિતરણ માટે અનુદાન આપેલ. રૂ. 1,50,000 વૃદ્ધાશ્રમને આર્થિક યોગદાન આપેલ. શ્રી મારૂતિ કુરિયર સર્વિસ પરિવાર દ્વારા કુલ રૂ. 25,00,000 અર્પણ કરેલ છે. કોરોનાકાળમાં પણ શ્રી મારૂતિ કુરિયર દ્વારા કોઈ જ વધારાના ચાર્જ વિના મારૂતિ કોરોના વોરિયર્સ કસ્ટમરની સેવામાં અડીખમ ઊભા રહેલ.

કોરોના કાળમાં જીવન રક્ષક દવાઓની સમયસર ડિલિવરી તે પેશન્ટ માટે જીવતદાન સમાન છે. શ્રી મારૂતિ કુરિયરના ભારતભરના 2,900 લોકેશનમાં વિસ્તરેલ નેટવર્કમાં કાર્યરત 15,000 કર્મયોગીઓ પ્રાણરક્ષક દવાઓની વિના મૂલ્યે સમયસર ડિલિવરી શરૂ કરી સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશભરમાં વિના મૂલ્યે દવાઓની ડિલિવરીનો સેવાયજ્ઞ તા. 1-5-2021થી પ્રારંભ થઈ ચૂક્યો છે.

કોરોનાના કપરા સમય દરમિયાન શ્રી મારૂતિ કુરિયરની ઓલ ઈન્ડિયા ટીમ દ્વારા સતત જરૂરિયાતમંદ જનતાને ફૂડ પેકેટ રાશન કીટ વિતરણ ચાલુ રહેલ. શ્રી રામભાઈએ તાજેતરમાં રાજકોટમાં કોરોના દરમિયાન પેશન્ટ માટે લીલા નાળિયેર અને ફ્રૂટનું મોટાપાયે વિતરણ કરેલ.

રામભાઈ મોકરીયાએ પોતાના જન્મદિનની ઊજવણીના ભાગરૂપે વીમા સુરક્ષા આપવા જઈ રહ્યા છે. અચાનક સર્જાતા અકસ્માતથી પરિવારના મોભી અથવા કમાનાર મુખ્ય વ્યક્તિનું નિધન થાય ત્યારે પરિવારના અન્ય સભ્યો આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે, તેથી આવા કુટુંબોને મદદરૂપ થવા માટે પોરબંદર જિલ્લામાં અંદાજે 90,000 પરિવારોને પરિવારદીઠ એક વ્યક્તિનો અકસ્માત વીમો- પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ આવરી લઈને તેમના વીમાનું પ્રિમિયમ ભરી આપવામાં આવશે.

હાલ ગુજરાતના રાજ્યસભાના સાંસદ એવા રામભાઈ કહે છે “મારા પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપ કેન્દ્રીય સંગઠને વિશ્વાસ મૂક્યો છે તેને હું ચરિતાર્થ કરી બતાવીશ. રાજ્યસભાનો સભ્ય એ કોઈ ચોક્કસ મતવિસ્તારનો નહીં પરંતુ સમગ્ર રાજ્યનો પ્રતિનિધિ ગણાય. આ દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના મહત્વના પ્રશ્નોના નિરાકરણ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.”

પોતાની જન્મભૂમિ પોરબંદર જિલ્લાના શ્રી અબોટી બ્રહ્મસમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે રામભાઈનો સેવાયજ્ઞ સતત 11 વર્ષથી દર વર્ષમાં પાંચ વખત કીટ વિતરણ રૂપે ચાલુ છે. આ સેવાયજ્ઞ હેઠળ જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને રાશન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

શ્રી અબોટી બ્રહ્મસમાજમાં શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવા માટે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહયોગ અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ, નોટબુક વિતરણ કરવામાં આવે છે અને જ્ઞાતિમાં અવારનવાર સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. શ્રી મારૂતિ કુરિયર કંપની દ્વારા હાલની કોરોના વાયરસની પરિસ્થિતિમાં સેવાયજ્ઞની પરંપરા સુચારુ રીતે જાળવી રાખેલ છે. પોરબંદર જિલ્લાના શ્રી અબોટી બ્રહ્મસમાજ માટે આ સેવાયજ્ઞ દ્વારા સહાયભૂત થવાનું શ્રી મારૂતિ કુરિયર પરિવાર ગૌરવ અનુભવે છે.

રામભાઈએ સમાજ સેવાને હંમેશા પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે. અમે માનવસેવા એ જ પ્રભુસેવા અને દેશસેવા એ જ કર્તવ્યના સૂત્રોને પ્રાધાન્ય આપી રહ્યા છે. સમાજના તમામ વર્ગોની સમસ્યાઓ દૂર કરવામાં, તેમને મદદરૂપ થવામાં અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. રામભાઈને પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શ્રી મારૂતિ કુરિયરના વિશાળ પરિવાર, મિત્રવર્તુળ, કોર્પોરેટ જગતના માંધાતાઓ, બિઝનેસ એસોસિયેટ્સ, ગ્રાહકો, શુભેચ્છકો અને વડીલો તરફથી તેમને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.