Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગને “કોરોના”નું ગ્રહણ લાગ્યુ

મે મહીનામાં માત્ર રૂા.૮૩ કરોડની આવક -પાછલા નાણાકીય વર્ષની માફક સરકાર દ્વારા આત્મનિર્ભર રીબેટ જાહેર કરવામાં આવે તેવી માંગણી

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આંશિક લોકડાઉન અને સીવીક સેન્ટરો બંધ હોવાના કારણે મે મહીનામાં મિલ્કતવેરાની આવકને મોટો ફટકો પડયો છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ૭ મે થી ૩૦ દિવસ માટે એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે.

તેમ છતાં મે મહીનામાં મિલ્કતવેરા પેટે આવક માંડ રૂા.૮૩ કરોડની આવક થઈ છે. ગત વરસે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આત્મનિર્ભર યોજનાના કારણે મ્યુનિ. તિજાેરીમાં રીબેટ યોજના દરમ્યાન રૂા.૪પ૦ કરોડ કરતા વધુ રકમ જમા થઈ હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પરંપરાગત રીતે એપ્રિલ મહીનામાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. એપ્રિલ મહીનામાં મિલ્કતવેરામાં ધારણા મુજબ રૂા.ર૦૩.પપ કરોડની આવક થઈ હતી. એડવાન્સ રીબેટ યોજના પૂર્ણ થયાના સાત દિવસ બાદ ફરીથી શરૂ કરવામાં આવી હતી.

કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું તેમજ મ્યુનિ. સીવીક સેન્ટરો પણ બંધ કરવામાં આવ્યા હતા તેથી નાગરીકો માટે “ઓનલાઈન પેમેન્ટ”નો વિકલ્પ રહયો હતો. લોકડાઉનના લીધે વેપાર-ધંધાને અસર થઈ હતી તેમજ પેમેન્ટ માટે માત્ર એક જ વિકલ્પ રહયો હતો જેની સીધી અસર મિલ્કતવેરાની આવક પર થઈ છે તેમજ મે મહીનામાં માત્ર રૂા.૮૩.ર૦ કરોડ જ તિજાેરીમાં જમા થયા છે જે પૈકી ૭ મે થી અમલી એડવાન્સ ટેક્ષ રીબેટ યોજનામાં રૂા.૮ર.૭ર કરોડ જમા થયા છે.

ગત્‌ નાણાકીય વર્ષમાં પુર્ણ લોકડાઉન હોવાથી એપ્રિલ અને મે મહીનામાં પ્રોપર્ટી ટેક્ષ પેટે માત્ર રૂા.૩.૧ર કરોડની આવક થઈ હતી. પરંતુ ૧ જુનથી રીબેટ યોજના અને ત્યારબાદ સરકારની આત્મનિર્ભર યોજના શરૂ થતા આવકમાં નોધપાત્ર વધારો થયો હતો. આત્મનિર્ભર યોજનાના કારણે મનપા એ પણ રીબેટ યોજનાની મુદત વધારી હતી

તેમજ જુનથી ઓગસ્ટ સુધી મિલ્કતવેરાની આવક રૂા.પ૩૭ કરોડ થઈ હતી. અત્રે નોંધનીય છે કે પાછલા નાણાંકીય વર્ષમાં રાજય સરકારે કોમર્શીયલ મિલ્કતધારકોને ર૦ ટકા રીબેટ આપ્યુ હતુ તેમજ મનપા દ્વારા ૧૦ દસ રીબેટ જાહેર કરવામાં આવ્યુ હતું. આમ કુલ ૩૦ ટકા વળતર મળવાના કારણે મિલ્કતવેરાની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો.

ર૦ર૧-રરમાં પણ કોરોના અને લોકડાઉનની અસર જાેવા મળી છે પરંતુ સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી જેના કારણે નાના-મોટા વેપારીઓને વેરો ભરવામાં તકલીફ થઈ રહી છે.

મ્યુનિ. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ જણાવ્યા મુજબ કોરોનાના કારણે વેપારીઓની આર્થિકભીસ વધી રહી છે તેથી સરકાર ર૦ ટકા રીબેટ યોજના જાહેર કરે તે જરૂરી છે સાથે-સાથે મનપા દ્વારા ખાલી બંધ યોજનાની પડતર ફાઈલોનો નિકાલ થાય તો પણ વેપારીઓ અને તંત્રને ફાયદો થઈ શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.