Western Times News

Gujarati News

મફત રસી-મફત અનાજ પાછળ ૮૦,૦૦૦ કરોડ ખર્ચવા પડશે

Files Photo

નવી દિલ્હી: પીએમ મોદીએ કોરોનાના સંકટ વચ્ચે દેશના તમામ લોકોને ફ્રી કોરોના વેકસીન આપવાની જાહેરાત કરી છે. સાથે ગરીબોને અને જરુરિયાતવાળા ૮૦ કરોડ લોકોને નવેમ્બર સુધી દર મહિને મફત અનાજ પણ સરકાર આપશે.

આ જાહેરાત બાદ જાણકારોનુ માનવુ છે કે, બંને યોજનાના અમલ માટે સરકારને લગભગ ૮૦૦૦૦ કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ કરવો પડશે. કેટલાક અર્થશાસ્ત્રીઓનુ માનવુ છે કે, દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતા બીજા નંબરના દેશમાં મોટી સંખ્યામાં લોકોને મફત અનાજ આપવામાં સરકારને લગભગ ૭૦૦૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે. આ જ રીતે કોરોના વેક્સીન ફ્રી આપવા માટે સરકારને બીજા ૧૦૦૦૦ કરોડ રુપિયાની જરુર પડશે.

ભારતીય રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને ૯૯૦૦૦ કરોડ રુપિયા ટ્રાન્સફર કરવાનુ નક્કી કર્યુ છે. આમ અનાજ અને વેક્સીનના વધારાના ખર્ચા માટે સરકારને બોન્ડ માર્કેટનો સહારો લેવો પડે તેવી સ્થિતિ નહીં આવે. આમ છતા દેશના નાણાકીય સમીકરણ બદલાઈ શકે છે.

કેટલાક જાણકારોએ સાથે સાથે કહ્યુ હતુ કે, અત્યાર સુધી વેક્સિનેશન પ્રોગ્રામમાં ૨૩.૬૧ કરોડ લોકોને વેક્સીન મુકાઈ છે. જાે આ સ્પીડથી સરકાર રસીકરણ અભિયાન આગળ ધપાવશે તો ૭૫ ટકા વસ્તીને કવર કરવામાં ૨૨ મહિનાનો સમય લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ સોમવારે સાંજે જાહેરાત કરી હતી કે વેક્સીનેશન આપવા માટેની તમામ જવાબદારી કેન્દ્ર સરકાર ઉઠાવશે અને આ વ્યવસ્થા ૨૧ જૂને યોગ દિવસથી શરુ થશે. જેઓ મફતમાં રસી મુકાવવા ના માંગતા હોય તો તેઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈને પણ રસી મુકાવી શકે છે. બીજી તરફ પીએમ ગરીબ અન્ન યોજના હેઠળ જુન સુધી રાશન આપવાના પ્રસ્તાવને દિવાળી સુધી વધારવામાં આવ્યો છે. આમ ૮૦ કરોડથી વધુ લોકોને મફત અનાજ ઉપલબ્ધ કરાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.