Western Times News

Gujarati News

ભારત પાકિસ્તાન સરહદ પરના ઝીરો પોઇન્ટ ખાતે સુવિધાઓ વિકસાવાશે : મુખ્યમંત્રી

પાલનપુર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ મૂલાકાત નડાબેટ જઇને કરી હતી. પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુરૂવારે સવારે નડાબેટ પહોચ્યા હતા અને નડેશ્વરી માતાના ભાવપૂર્વક દર્શન-પૂજન કરી તેમની મૂલાકાતનો પ્રારંભ કર્યો હતો. સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને આગામી ૧૫ ઓગસ્ટ-ર૦૨૧ પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે.

નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ચાર ફેઇઝમાં હાથ ધરાઇ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ કામોમાં ફેઇઝ-૧ના કામો જે અંદાજે રૂ. ૨૩ કરોડના ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન મંત્રીશ્રી સાથે બીજા ફેઇઝના કુલ ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

આ બીજા ફેઇઝના કામોમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટના કામો હાલ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ મૂલાકાત દરમ્યાન પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશે.

એટલું જ નહિ, આ સ્થળની મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસન પ્રવૃત્તિ વધતાં સ્થાનિક રોજગારીની તકોનું પણ સર્જન થશે એમ તેમણે ઉમેર્યુ હતું. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦૧૬ના ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં નડાબેટ ખાતેના આ બોર્ડર સિકયુરિટી ફોર્સના ઝીરો પોઇન્ટને સીમાદર્શન તરીકે ખૂલ્લો મૂકીને તેને બોર્ડર ટૂરિઝમની આગવી ઓળખ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સીમાદર્શન કાર્યક્રમ અન્વયે રાજ્યના અને રાજ્ય બહારના પ્રવાસન પ્રેમીઓને નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સિમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.ભારત-પાકિસ્તાન બોર્ડરની મૂલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરીમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહિ આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દૃશ્યો અહિં સર્જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.