Western Times News

Gujarati News

“ઈશ્વરના નિયમો પ્રમાણે જે થાય છે એને ટાળી શકાતું નથી- પણ એ કરેલાં કર્મો પ્રમાણે જ બને છે !” – મોરારજી દેસાઈ

“જે માણસ સુખી થવા ઈચ્છતો હોય એણે બીજાના દોષો ના કાજી થવાને બદલે પોતાના દોષો જાેવાને માટે અને સુધારવા માટે પોતાની બધી જ શક્તિનો ઉપયોગ કરવો જાેઈએ!!”

“મારી એક નક્કી શ્રધ્ધા બંધાઈ ગઈ છે કે ઈશ્વરના નિયમો પ્રમાણે જે થાય છે એને ટાળી શકાતું નથી ! જે બનવાનું હોય છે તે બને છે – એને કોઈ અટકાવી શકતું નથી કે બદલી શકતું નથી – પરંતુ એનો અર્થ એ નથી થતો કે માણસે કોઈ પ્રયત્ન નહીં કરવો જાેઈએ !!”

“મોરારજીભાઈ દેસાઈ ના જીવનની ઘણી બધી વાતો – જે અનુભવથી એમણે ગ્રાહ્ય્ય કરી છે અને તેજ વાતો એક રીતે એમના માટે વિદ્યાપીઠ બની રહી છે !!”

“મને જે અનુભવો થયા છે એવા અનુભવો ઘણાને થતા જ હોય છે. પણ મેં જે રીતે નિર્ણયો કર્યા અને જીવનમાં જાેખમો ખેડવાનાં આવ્યાં ત્યારે જે સહજ રીતે ખેડી શક્યો, એનું કારણ એ હતું કે મને નાનપણથી જ ઈશ્વરમાં અખૂટ શ્રધ્ધા રહી છે ! શરૂઆતનાં વર્ષોમાં એટલે કે રપ-ર૭ વર્ષનો થયો ત્યાં સુધી તો આ શ્રધ્ધા જન્મગત જ હતી.

પણ ત્યાર પછી એ શ્રધ્ધા જીવનના અનુભવોથી બિલકુલ દ્રઢ થઈ ગઈ હતી અને એમાંથી મારી એક નક્કી શ્રધ્ધા બંધાઈ ગઈ કે ઃ “ઈશ્વરના નિયમો પ્રમાણે જે થાય છે એને ટાળી શકાતું નથી- પણ એ માણસનાં કર્મો પ્રમાણે જ બને છે અને તેથી પોતાનાં કર્મોથી નિર્માણ કરેલું જ માણસને ભોગવવાનું હોય છે, અને માણસે એ આનંદથી ભોગવવું જાેઈએ ! એમાંથી છટકવાનો પ્રયન્ત ન કરવો જાેઈએ. ગમે તેવા કપરા પ્રસંગમાં પણ માણસ ઈશ્વર શ્રધ્ધા વડે શાંત અને પ્રસન્ન રહી શકે.-

એથી કપરા સંજાેગો માણસને શક્તિ આપે છે અને એમાંથી જીવન વધારે સમૃધ્ધ બને છે !”- આ શબ્દો છે મોરારજીભાઈ દેસાઈના, જેમનું જીવન પણ આ શબ્દોની ગહનતાને પચાવી શક્યું હતું ! મોરારજીભાઈ દેસાઈની ઓળખ એ એમના જીવનમાં બનતી રહેલી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી એ પોતાની માન્યતા, અને ઈશ્વરેચ્છા એ બેઉ ને સાથે રાખીને અનોખું વ્યક્તિત્વ સંપન્ન કરનાર મહાનુભાવ બની રહયાં એમાં બે મત નથી !

જ્યારે જ્યારે સાબરમતીના કિનારે, ગાંધી આશ્રમથી પસાર થવાનું બને ત્યારે ત્યારે તેની બાજુમાં જ ‘અભયઘાટ’ નામનું સ્થાન આવે છે, ત્યાં થોડીકવાર અટકી જઈને આ ઘાટમાં સ્થાપિત શ્રી મોરારજીભાઈ દેસાઈ ના અસ્થીકૂંભને વંદન કરીને, એમની સાથે માણેલાં અને અનુભવેલાં અનેક પ્રસંગો હ્ય્દયમાં ઉભરાવા લાગે છે ! આંખ સામે એમનું આખું વ્યક્તિત્વ આવીને ઉભુ થઈ જાય છે ! આવા વ્યક્તિને આપણે કેટલાં જલદી ભૂલી જઈએ છીએ ?

ખેર ! આજે એક પ્રસંગ એમને યાદ કરીને, એમનાં જ શબ્દોમાં લખુ છું ! વર્ષ ૧૯૩૯ના નવેમ્બર માં મુંબઈના મંત્રી પદેથી રાજીનામું આપીને હું મારો ચાર્જ સોંપીને અમદાવાદ પાછો ફર્યો એ વખતે હું મારા ભાઈઓની સાથે રહયો હતો. અમે અમદાવાદમાં સ્વસ્તિક સોસાયટીના એક મકાનમાં ભાડે રહેતાં ! મારા ત્રણેય ભાઈઓ ત્યારે અમદાવાદમાં જ હતાં !

મારાથી નાનો ભાઈ અંબાલાલ મિલમાં મેનેજર હતો ! બીજાે ભાઈ નાનુભાઈ એફ.આર.સી.એસ. થઈને આવ્યા પછી પોતાની જ હોસ્પિટલ કરી હતી અને એ રીતે એ ઓપરેશનો પણ કરતા અને પોતાનું જ ખાનગી ડોકટરી કામ કરતાં ! સૌથી નાનો છોટુભાઈ, ઈજનેર હતો અને તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોરપોરેશન (અ.મ્યુ.કો)માં મુખ્ય ઈજનેર તરીકે નોકરી કરતો ! અમે ચારેય ભાઈઓ સાથે જ રહેતા અને અમારા માટે અમે પુખ્ત ઉંમરના થયા પછી પહેલીવાર સાથે રહેવાનું થયું હતું… અમારી બાજુમાં જ વલસાડના વતની પાડોશી મિત્ર શ્રી સુબોધભાઈ રહેતા હતાં !

સુબોધભાઈ એ મારા ભાઈ છોટુભાઈની સાથે જ મ્યુનિસિપલ કોરપોરેશનમાં આસિસ્ટંટ ઈજનેર તરીકે નોકરી કરતા હતાં ! એમની સાથે અમારે સારો અને ગાઢ સંબંધ હતો અને તેથી જ અમે રોજ મળતા, હળવાશની પળોમાં વાતો કરતાં ! આ સુબોધભાઈ એક સારા ઈજનેરતો હતાં પણ એટલું જ નહીં, બલ્કે એમને જ્યોતિષ વિદ્યાનો પણ શોખ હતો અને એ વિદ્યા એમણે ઠીકઠીક સંપાદન કરી હતી !…

આમ તો સુબોધભાઈ પોતાની મોટરમાં નોકરીએ જતાં પણ એક-બે મહિના સુધી મેં જાેયું કે સુબોધભાઈ મોટરમાં જતા નહીં અને સાઈકલ ચલાવવાનું પણ લગભગ બંધ કરી નાખ્યું હતું !.. એક સાંજે, મેં એમને આવું કરવા માટેનું કારણ પૂછ્યું ત્યારે એમણે મને કહયું કેઃ “મારા ગ્રહો પ્રમાણે સાત-આઠ મહિના દરમિયાન મને એક અકસ્માત નડવાનો ભારે સંભવ છે, એટલા માટે હું સાવચેત રહેવા ઈચ્છું છું અને તેથી જ મોટેભાગે પગે ચાલીને જ મુસાફરી કરું છું !”…

મેં એમને કહયું કે, “અકસ્માત થવાનો હશે, તો તમે તેને રોકી શકવાના નથી. પગે ચાલતાં જાવ છો પણ તેથી ક્યાં અકસ્માત થતો નથી ? માટે.. આવી કાળજી રાખવી અને તકલીફ ભોગવવી તમારે છોડી દેવી જાેઈએ.!!”.. તો એમણે કહયું, “માણસે સાવચેતી તો રાખવી જ જાેઈએ અને તેથી હું સાવચેત રહું છું, અને તેથી અકસ્માત અટકી પણ શકે એમ હું માનું છું.!”…

મેં એમને કહયું કે, “આ બાબત સાથે હું સહમત થતો નથી ! અકસ્માત થવાનો હશે તો ગમે ત્યારે થયા વગર રહેવાનો નથી. માટે એની ચિંતા નહીં કરવી જાેઈએ. આપણે આપણું કામ નિશ્ચિંત થઈને કર્યા કરવું જાેઈએ !”… અમારી આ વાતને બે મહિના થયા હશે ત્યારે,… લગભગ જુલાઈ મહિનામાં, એક રાત્રે મારા મકાનમાં અમે સૌ ભાઈઓ તથા સાથે સુબોધભાઈ- બ્રિજ રમતા હતા !

ત્યાં રાત્રે લગભગ સાડા અગિયારના સુમારે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવા લાગ્યો, અને તેજ ગતિએ પવન પણ ફૂંકાયો ! આનાથી ઘણી બધી જગ્યાએ ઝાડો પણ તૂટી પડતાં હોય એમ સોસાયટીના અન્ય રહીશો જણાવતાં હતાં ! એટલે એ વખતે સુબોધભાઈ એ મારા ભાઈ છોટુભાઈને કહ્ય્યું કે, “ચાલ, આપણે પણ બહાર જઈને નિરીક્ષણ તો કરીએ ? અને રસ્તાઓ ઉપર પણ ઝાડો પડીને રસ્તા રોકાયા હોય તો તે રસ્તાઓને સાફ કરવાનો ઉપાય પણ કરવો જાેઈએ!”….

આથી એ બેઉ બહાર જવા તૈયાર થયા.. ત્યારે મેં એમને કહયું કે, “અત્યારે રાત્રે સાડાબાર વાગવા આવ્યા છે અને એ વખતે તમે રસ્તા ઉપર જઈને શું કરી શકવાના છો ? અને પાછું આવા વરસાદમાં જવા-આવવાની મુશકેલી પણ નડ્યા વગર રહેવાની નથી એના કરતાં સવારે વહેલા જઈને તમે નિરીક્ષણ કરશો તો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જઈને જે કંઈ બંદોબસ્ત કરવા જેવો લાગે તે કરી પણ શકશો !” તેમને મારી આ વાત કબૂલ રાખી અને સવારે છ વાગ્યે સુબોધભાઈ એ મારા ભાઈની સાથે ફરવા જવા- નિરીક્ષણ કરવા જવાનું નક્કી કર્યું !

રાત્રે વાત થયા પ્રમાણે મારો ભાઈ તૈયાર હતો અને સુબોધભાઈની સાથે બંને જણા ઘેરથી ઉપડી જવા તૈયાર થયા. મારા ભાઈએ એલિસબ્રિજ તરફ જવાનું સૂચન કર્યું અને સુબોધભાઈએ વિદ્યાપીઠ તરફ જવાનો આગ્રહ રાખ્યો ! આખરે બંને જણા વિદ્યાપીઠના રસ્તે જવા તૈયાર થયાં ! ગુજરાત વિદ્યાપીઠ જતાં પહેલાં ત્યાંથી થોડા અંતરે રસ્તા ઉપર એક નાળું હતું ત્યાં આ બેઉ પહોંચ્યા ! તે નાળામાંથી પાણી ધમધોકાર વહી જતું હતુ ં!

માણસને ગળા સુધી પાણી આવી જાય એટલું પાણી વહેતું હતું ! જેવા સુબોધભાઈ અને છોટુભાઈ એ નાળા ઉપર જઈને ઉભા રહયા તેવું જ એ નાળું તૂટ્યું અને બંને જણા નીચે નાળામાં પડ્યા. નાળું તૂટવા માટે જાણે એમની જ રાહ જાેઈને બેઠું હતું એ પ્રમાણે આ ઘટના બની !!! મારા ભાઈને તરતાં આવડતું ન હતું અને શરીરે પણ તે સૂકલક્ડી હતા. તેમ છતાં ગમે તેમ કરીને વહેતા નાળામાંથી બહાર નીકળી આવ્યા, પણ સુબોધભાઈ ત્યાંજ દબાઈ ગયા !

છોટુભાઈએ તરત જ ઘેર આવીને અમને ખબર આપી ! એમને એટલો બધો ગભરાટ હતો કે તેમના બોલવામાં પણ જણાતી તોંતડાશ સાક્ષી પુરતી હતી. એમણે જેવી વાત કરી તેવા જ હું અને સોસાયટીના બીજા સાથીઓ તે નાળા પાસે પહોંચી ગયા. ઉપરથી નાળું તૂટવાથી જે ભેખડો પડી એમાં સુબોધભાઈ દેસાઈ દટાઈ ગયા હતા. એટલે માણસો એ કાટમાળમાંથી સુબોધભાઈના શરીરને બહાર કાઢીને ઉપર લાવ્યા,

એમની ઘણી પ્રાથમિક સારવાર અમે ત્યાં કરી, પેટમાંથી પાણી બહાર કાઢયું,… પણ એ બેભાન નો’તા… એમનો જીવ ઉડી ગયો હતો, એટલે અમારો ઈલાજ ચાલ્યો નહીં ! તેમ છતાં અમે એમને ઈસ્પિતાલમાં લઈ ગયાં.. ત્યાં ર્ડાકટરોએ કહયું કે એમનું પ્રાણપંખેરું ઉડી ગયું છે !! એમને ગ્રહો પ્રમાણે અકસ્માતની ભીતિ લાગતી હતી એ આ પ્રમાણે સાચી પડી અને એમનું એ વિષેનું જે જ્ઞાન હતું એ પણ આ અકસ્માતમાંથી એમને બચાવી ન શક્યું !

આ બનાવથી મારી એ માન્યતા બિલ્કુલ જડ ઘાલી ગઈ કે જે બનવાનું હોય છે તે બને છે – એને કોઈ અટકાવી શકતું નથી. કે બદલી શકતું નથી. જે બને છે એ ઈશ્વરના નિયમ પ્રમાણે બને છે અને તેથી માણસે શાંતિથી અને આનંદથી સ્વીકારવું જાેઈએ !!… પરંતુ એનો અર્થ એ નથી થતો કે માણસે કોઈ પ્રયન્ત નહીં કરવો જાેઈએ! ગમે તેટલી ચોક્કસ આગાહી મળી હોય તો પણ શું થવાનું હોય છે તેની આપણને પાકી ખબર પડતી નથી..

અને એટલે બુધ્ધિનો સદુપયોગ કરી જે કર્મ કરવું જાેઈએ એ માણસે સતત કર્યા કરવું જાેઈએ. એનું પરિણામ ઈશ્વરની નિયમ પ્રમાણે જે આવે તે જ સાચું પરિણામ છે એમ સમજીને તેને સ્વીકારવું જાેઈએ અને એ પ્રમાણે માણસ કર્મ કરતો રહે અને ઈશ્વરના નિયમ પ્રમાણે જે મળતું હોય એમાં સંતોષ માને, એમાં પણ ઈશ્વરનો અનુગ્રહ જ માને, તો માણસની શાંતિનો કદી ભંગ નહીં થાય અને દુઃખી પણ નહીં થાય. જે રીતે મારા મિત્ર અને પડોશી (સુબોધભાઈ દેસાઈ)નો કરુણ અંત આવ્યો અને એક ચારિત્ર્યશીલ યુવાન, ઉત્સાહી અને કર્તવ્યશીલ મિત્ર મેં ખોયો !!

મોરારજીભાઈ દેસાઈના જીવનની ઘણી બધી વાતો- જે અનુભવથી એમણે ગ્રાહય કરી છે અને તેજ વાતો એક રીતે એમના માટે વિદ્યાપીઠ બની રહી છે. વર્ષ ૧૯૩ર-૩૩ માં એમણે રેનોલ્ડ નેબરનું “મોરલ મેન એન્ડ ઈમોરલ સોસાયટી” પુસ્તક (MORAL MAN AND IMORAL SOCIETY) વાંચ્યું હતું ત્યારથી તેઓ માનતા થઈ ગયાં હતાં કે એક વ્યક્તિ નીતિની ટોચે પહોંચી શકે છે, પણ આખો સમાજ નીતિની ટોચે પહોંચી ન શકે !

જે સમાજમાં વધારે માણસો સારા તે મસાજ સારો ગણાય અને જે સમાજમાં વધારે માણસો ખોટે રસ્તે જનારા હોય એ સમાજ ખોટો ! આજ પ્રમાણે જે વ્યક્તિમાં સારાપણાનું પ્રમાણ વધારે એ વ્યક્તિ સારી ગણાય અને જેનામાં ખોટાપણાનું પ્રમાણ વધારે એ વ્યક્તિ ખોટી ગણાય ! જે માણસ સારા તત્વને પકડી રાખવાનો હંમેશા પ્રયન્ત કરે, એ ભાગ્યેજ ખોટું ગ્રહણ કરશે અને જે માણસ આ વિષે બેદરકાર રહે એનામાં ખોટું તત્વ વધે અને સારું તત્વ પ્રમાણમાં ઓછું થાય !

એટલે જ માનવસમાજમાં દરેક વ્યક્તિ સારાને પકડે અને ખોટાને છોડે એ જરૂરી છે ! અને આ સિધ્ધ કરવા માટે શિક્ષણ એજ સર્વોપરી સાધન છે એવી મારી માન્યતા દ્રઢ થઈ ગયેલી છે ! માણસને વિવેક શીખવે તે સાચું શિક્ષણ ગણાય. સાચા ખોટાની પરીક્ષાની શક્તિને અને જેનાથી માણસ સાચાને પકડી રાખે અને ખોટાને છોડી દે એવી શક્તિને આપણે વિવેક તરીકે ઓળખીએ છીએ. જે શિક્ષણ આ વિવેક ન આપે એ શિક્ષણ કાચું જ ગણાય !…

તેથી શિક્ષણની પધ્ધતિ જે કોઈ હોય તેમાં શિક્ષણના આ ઉદ્રેશ ઉપર સૌથી વધારે ધ્યાન અપાય તો જ સાચું શિક્ષણ આપવાનું કામ સાધી શકાય !! આવા બધા વિચારોને પરિણામે મારામાં વર્ષોથી એવી ખાતરી થઈ છે કે જે માણસ સુખી થવા ઈચ્છતો હોય, એણે પોતે સ્વીકારેલા સિધ્ધાંતોને અમલમાં મૂકવા પૂરો પ્રયન્ત કરવો જાેઈએ, અને બીજાના દોષોના કાજી થવાને બદલે પોતાના દોષો જાેવાને માટે અને તેને સુધારવા માટે પોતાની બધી જ શક્તિનો ઉપયોગ કરવો જાેઈએ!!!

ખીડકી વર્ષ ૧૯૬૦ મા ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટીના મંત્રી શ્રી મહેન્દ્રનાથ મને મળ્યા હતા. એમને બાળકો માટેની એક ફિલ્મ તૈયાર કરવામાં મારો સહકાર મળે એ માટે વિનંતી કરી હતી. મેં પૂછ્યું હતું કે તમારે શો સહકાર જાેઈએ છે ? એમણે કહયું કે આપ બાળકો અને ગાંધીબાપુ વિષે કાંઈક કહો, તે પરથી એક ફિલ્મ કથા તૈયાર કરી તેની ફિલ્મ બનાવવાની ઈચ્છા છે. મેં હા પાડી !

ર જી ઓક્ટોબર મુંબાઈમાં તારદેવ સેન્ટ્રલ ફિલ્મ સ્ટુડીઓમાં ફિલ્મના શૂટિંગ માટે હું ગયો હતો. એના માટે મેં કોઈ પૂર્વ તૈયારી કરી ન હતી. મારે માટે તો આ એક તદ્રન નવો જ અનુભવ હતો. ફિલ્મ માટે અભિનેતાએ મેકઅપ વગેરેની કાળજી રાખવાની હોય છે ! મેં તો ખાદીના કપડાં પહેર્યાં હતાં અને હું કોઈ જાતના મેકઅપમાં માનતો ન હતો.

બીજી ઓક્ટોબરનો દિવસ હતો, એટલે મેં ત્યાં હાજર રહેલાં બાળકોને ગાંધીજીના બાળપણ વિષેની કેટલીક વાતો કહી. ગાંધીજીએ કેવી રીતે સત્ય અને અહિંસાની ઉપાસના કરી એ વિષે મે એ બાળકોને નવ મિનિટ સુધી વાત કરી હતી જેનું શૂટિંગ થયું ! વિજય ભટ્ટ આ શૂટિંગના ડાયરેકશન કરતા હતા.

કોઈપણ જાતના રિહર્સલ વગર અને લખાણ વગર નવ મિનિટ સુધીની મારી બાળકોની સાથેની વાતચીતમાં હું સફળ થયો હતો !- એના ઉપરથી ‘ બાપુને કહા થા’ નામની નાનકડી ફિલ્મ બની. કુલ ૮૦ મિનિટની જે આખી ફિલ્મ બની એમાં નવ મિનિટ (૯)નો મારો એક શોટ- જેનાથી ફિલ્મની શરૂઆત થતી હતી ! આ ફિલ્મ ઘણી જ લોકપ્રિય બની. અને ૩૦૦ જેટલી એની કોપીઓ જુદી જુદી ભારતીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવી.

મને જે રિપોર્ટ જણાવવામાં આવ્યો એ પ્રમાણે લગભગ બે કરોડ બાળકોએ એ ફિલ્મ જાેઈ હતી. આ ફિલ્મ તૈયાર કરવામાં લગભગ દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને એમાંથી ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી દસ લાખ રૂપિયા કમાઈ હતી. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીને એ માટે ઈનામ પણ મળ્યું હતું !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.