Western Times News

Gujarati News

દીકરા મા-બાપને ઘરડા સમજતા હોય ત્યારે, એસિડિટી થાય છે

પ્રતિકાત્મક

આંખ સામે જીવતાં માણસ સળગતાં હોય ત્યારે, એસીડીટી થાય છે,
ને ઉપરથી વાદળો મનમાં બબડતાં હોય ત્યારે, એસિડિટી થાય છે.
મારા વિશે સારું સારું બોલવાનાં, મેં રૂપિયા રોકડા આપ્યાં હતાં,
તોય એના હોઠ પર શબ્દો લથડતાં હોય ત્યારે, એસિડિટી થાય છે.
માવજત ને વ્હાલથી મોટા કર્યા છે એટલે લીલાં દિવસ જાેવા મળ્યાં.
પણ, નજર લાગે અને વૃક્ષો કપાતાં હોય ત્યારે, એસિડિટી થાય છે.
કેટલીયે વાર કીધું ‘આ નવા યુગમાં ખબર તમને કશી પણ ના પડે’,
દીકરા મા-બાપને ઘરડા સમજતાં હોય ત્યારે, એસિડિટી થાય છે.
માન કે અપમાનની પરવા કરે નૈં, હાથ પણ લાંબો કદીયે ના કરે,
એવાં નિરંજન જાે કડવા ઘૂંટ ગળતાં હોય ત્યારે, એસિડિટી થાય છે.
– મનીષ પાઠક ‘શ્વેત’

મનીષ પાઠકનું નામ ખૂબ જ જાણીતું છે. સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ ખૂબ જ છે, જે તેમની રચનાઓથી અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિથી જાણી શકાય. તેઓ ‘શ્વેત’ ઉપનામથી જાણીતા છે. તેમનો જન્મ ૪-૬-૧૯૬૮માં આજાેલ (ઉત્તર ગુજરાત)માં થયો હતો. ગાંધીજી તેમના આદર્શ છે.

ગાંધીજી તેમના પ્રિય લેખક પણ છે. તેમની રચનાઓમાં પણ સત્યની ઝાંખી થાય છે. તેમની રચનાઓમાં એક ઉંડાણ તેમજ ચિંતન અને મનન હોય છે. જે આપણને જિંદગીના અમૂલ્ય પાઠ શિખવી જાય છે. નામી અનામી લેખકોનું સાહિત્ય સર્જન તેમને વાંચવું ગમે છે, પણ આ સાહિત્ય શિષ્ટ હોવું જાેઈએ. તેમને છીછરું સાહિત્ય સર્જન પસંદ નથી. સાચી વાત પણ છે જ, સાહિત્ય એવું હોવું જાેઈએ કે લોકો એ વાંચીને કંઈક નવું શીખે. નવી પ્રેરણા તેમને મળે.

“અધખૂલેલું બારણું” તેમનો ગઝલસંગ્રહ છે. જેમાં તેમની ખાસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકો અને ભાવકોના મન સુધી તેમનો આ ગઝલસંગ્રહ પહોંચ્યો છે. મનીષ પાઠક આપણા પીઢ સાહિત્યકારોના જન્મદિવસને અનોખી રીતે યાદગાર બનાવે છે. તેમના સાહિત્યિક સંભારણાંઓને ભાવકસમુહમાં તાજા કરાવે છે.

વાર્તાલાપ, સાહિત્યિક ગોષ્ઠિ કે કવિ સંમેલન જેવી સાહિત્યિક પ્રવૃત્તિ કરી તેઓ સાહિત્યકારોના જન્મદિવસને ખાસ બનાવે છે. તેમના થકી થતો આ ઘટનાક્રમ હંમેશા ભાવકોના મનમાં મીઠુ સંભારણું બની રહેશે.

“આંખ સામે જીવતાં…” આંખ સામે જીવતા માણસો પીડાતા હોય અને આપણે કંઈ પણ ના કરી શકીએ ત્યારે આપણે મનોમન પીડાતા હોઈએ છીએ.” એસિડિટી થાય છે” રદીફ માર્મિક છે. ઘણુંબધું કહી જાય છે. માણસો ઉપરથી દેખાડો કરે અને કોઈ મદદ ના કરે ત્યારે તકલીફ થાય છે. સળગતાં- કાફિયા ગઝલને નવી જ દિશા આપી જાય છે. ખૂબ જ અર્થસભર આખી ગઝલ રચાઈ છે.

“મારા વિશે સારું સારું..” આપણા માટે સારુ બોલવાના પૈસા આપ્યા હોય તોય જીભ લથડે, જ્યાં ઈર્ષાને અદેખાઈથી આપણું સારું ના બોલાય ત્યારે સમજી શકાય કે આપણી લોકો કેટલા બળતા હોય છે. “આપણે જ્યારે એકલા પડીએ ત્યારે સમજવું કે આપણે સાચા રસ્તે છીએ.” સફળતાના રસ્તે હંમેશા એકલા રહેવું પડે, ત્યારે તકલીફ થાય છે.

“માવજતને વ્હાલથી મોટા..” મહેનતથી અને જતનથી વૃક્ષો ઉછેરતા હોઈએ અને આપણી જ આંખ સામે એ વૃક્ષો કપાતા હોય ત્યારે મન પીડાય છે. વૃક્ષો આપણે નાના બાળકની જેમ ઉછેરતાં હોઈએ અને એને કાપીને લઈ જવાતા હોય ત્યારે મનમાં ટીસ ઊઠે છે જે કેમેય કરીને શાંત ના થાય. જતનથી ઉછેરેલા વૃક્ષો હોય તો જ આ વસુંધરા લીલાછમ રહે. પ્રકૃતિને આપણે જેટલું નુકશાન પહોંચાડીએ છીએ તેટલું આપી નથી જ શકવાના પણ આપણે પ્રકૃતિ વાવી તેનું જતન કરી શકીએ. પ્રકૃતિનું જતન કરીશું તો જ આપણા બાળકો લીલીછમ ધરતી જાેઈ શકશે.

“કેટલીયે વાર કીધું આ..” જે માતા-પિતા આંગળી પકડી ચાલતા શીખવાડે, દુનિયાદારી શિખવાડે તેને બાળકો મોટા થઈને એમ કહે કે તમને શું ખબર પડે ત્યારે તકલીફ પડે છે. જે બાળકોને માતા પિતા દુનિયાના તમામ અનુભવ શીખવે છે તે માતા પિતાને બાળકો ઘડપણમાં શીખવાડવાના બદલે જયારે આવા વાક્યો બોલે ત્યારે આપણું મન દુભાય છે.

“માન કે અપમાનની પરવા..” સ્વમાની લોકો કોઈથી ડરતા ના હોય અને કોઈ પાસે હાથ પણ લાંબો ના કરે. ઈશ્વર પર અને સત્ય પર ભરોસો રાખતા હોય છે. દુનિયાવાળા તેમને પીડતા હોય છે. લોકો તેમને મૂરખ સમજતા હોય છે. જીવનની કડવી વાસ્તવિકતા છે કે જે લોકો સ્વામાની હોય છે લોકો તેમને એક યા બીજી રીતે પરેશાન જ કરતા હોય છે, પણ જે આ રસ્તે જે કોઈ ચાલે છે તેમને મનની શાંતિ મળે છે. મનની શાંતિથી વધુ બીજું કંઈ જ નથી. કહેવાય છે કે- તમને કોઈ છેતરી જાય તો ભલે પણ જે છેતરી જાય તેનો અંતર આત્મા તેને શાંતિથી જીવવા નથી દેતો.

એસિડિટી થાય છે રદીફ સૂચક છે. આમ તો એસિડિટી અમુક ખોરાક વધુ ખાઈ લેવાથી થાય છે, અને અકળાવી નાખે છે. આ ગઝલમાં પણ મનને અકળાવી નાખનારી વાતો આવરી લીધી છે. એસિડિટી થવાના જે જે કારણો આ ગઝલમાં છે તે કાબિલેતારીફ છે. હાલની પરિસ્થિતિમાં જે જે સમસ્યા છે તેનું બખુબી નિરુપણ આ ગઝલમાં મનીષ પાઠકે કર્યું છે. વારંવાર મમળાવવા જેવી ગઝલ છે “એસિડિટી થાય છે”..

અંતની અટકળ જે લોકો સ્વામાની હોય છે તેને લોકો હાંસીને પાત્ર બનાવે છે, પણ, જાે આવા મિત્રો જીવનમાં હોય તો તેને ક્યારેય ના છોડવા કેમકે આવા મિત્રો શોધવાથી પણ મળતા નથી..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.