Western Times News

Gujarati News

સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટમાં (CAA) ભારતીય બંધારણનું ઉલ્લંઘનઃ અમેરિકા

વોશિંગ્ટન, સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ની મહત્વની જોગવાઇમાં ભારતીય બંધારણની કેટલીક જોગવાઇનું ઉલ્લંઘન થતું હોવાનો દાવો અમેરિકન કોંગ્રેસના સ્વતંત્ર રિસર્ચ વિભાગે કર્યો છે. માર્ચમાં અમલી બનેલા સીએએમાં ત્રણ પાડોશી દેશના છ ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે.

કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)ના અહેવાલમાં જણાવ્યા અનુસાર “સીએએની મહત્વની જોગવાઇમાં ભારતીય બંધારણની અમુક જોગવાઇનું ઉલ્લંઘન થયું હોવાની શક્યતા છે.” સીઆરએસ અમેરિકન કોંગ્રેસની સ્વતંત્ર રિસર્ચ પાંખ છે, જે કોંગ્રેસના સભ્યો માટે મહત્વના મુદ્દા પર અહેવાલ તૈયાર કરે છે.

જેથી સભ્યો માહિતીના આધારે યોગ્ય નિર્ણય લઈ શકે. જોકે, સીઆરએસના અહેવાલને કોંગ્રેસનો સત્તાવાર વિચાર માનવામાં આવતો નથી. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં લાગુ કરાયેલા સીએએ દ્વારા ભારતના નાગરિકત્વ કાયદામાં એમેન્ડમેન્ટ કરાયું હતું.

ભારત સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સીએએનો હેતુ માનવીય છે. ઉપરાંત, ભારતે સીએએ અંગેની ટીકાને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, “મુશ્કેલીનો સામનો કરતા લોકોને મદદ કરવાની પ્રશંસનીય પહેલ અંગે ‘વોટ બેન્ક પોલિટિક્સ’ વિચાર જાહેર કરી શકે નહીં.”

અહેવાલમાં જણાવ્યા અનુસાર “વિરોધ પક્ષોએ ચેતવણી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ હિંદુ બહુમતીને ખુશ કરવા મુસ્લિમ વિરોધી એજન્ડા અપનાવી રહ્યો છે. તે બિનસાંપ્રદાયિક દેશ તરીકે ભારતના દરજ્જાને જોખમમાં મૂકે છે અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે.”

ત્રણ પાનાંના અહેવાલમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સીએએના કારણે ભારતમાં લગભગ ૨૦ કરોડની મુસ્લિમ લઘુમતીના અધિકાર જોખમમાં મુકાવાની શક્યતા છે.”

દરમિયાન પશ્ચિમ બંગાળની ચૂંટણી સભામાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સીએએનો બચાવ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે, કોઇ પણ સીએએનો અમલ રોકી નહીં શકે. તેમણે જણાવ્યું હતું કે, “સીએએ કોઇની નાગરિકતા છીનવવા માટે નહીં, પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધર્મના આધારે હાંકી કઢાયેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.