Western Times News

Gujarati News

જામનગરના જાતિય શોષણના બનાવમાં વધુ ૬ એટેન્ડન્ટના નિવેદનો નોંધાયાં

જામનગર, અહીની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગના જાતિય શોષણ કાંડમાં વધુ છ એટેન્ડન્ટના નિવેદન નોંધાયા હતા. કુલ ૧૪ના નિવેદન લેવાયા છે. પણ તેમની સાથે શું બન્યુ હતું ? તેમનું જાતિય શોષણ થયુ હતુ કે કેમ? તેના સહિતની કોઈ વિગત બહાર આવી નથી. તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ સબમીટ થયા બાદ સાચી વિગતો બહાર આવશે તેમ જણાવાય છે.

જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ દ્વારા ઉજાગર કરાયેલા યૌન શોષણના મામલે તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગઈકાલે આઠ વ્યક્તિના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આજે વધુ છ એટેન્ડન્ટ નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા કરાતી તપાસ સામે ચારે તરફથી શંકાની સોય ઉભી કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. માત્ર નિવેદન જ નોંધવામાં આવે છે.

હોસ્પિટલના એટેન્ડન્ટના એચ.આર.ની ઓફિસ અને શરૂ સેકસન રોડ પરના આવાસ પાસેના સીસીટીવી કેમેરાના કુટેજ કબજે લેવાયા છે કે નહી? તેની કોઈ સ્પષ્ટતા થતી નથી. નારી સંસ્થાઓ અને રાજકીય સંસ્થાઓ દ્વારા આ ઘટના અંગે તાત્કાલીક સત્ય સામે લાવવામાં નહી આવે તો આંદોલનનો માર્ગ અખત્યાર કરાશે તેવી ચીમકીઓ આપવામાં આવી રહી છે. આ કાંડમાં એક તબીબે પોતાની ઓળખ છૂપાવીને આવી ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું છે.

ગઈ મોડી રાતના જે લોકોએ નિવેદન આપ્યા હતા તેવા એટેન્ડન્ટો દ્વારા નિવેદનની કાર્યવાહી સામે અસંતોષ વ્ય્કત કરવામાં આવ્ય્‌ હતો. તંત્ર દ્વારા કોઈપણ એટેન્ડન્ટ પોતાનું નિવેદન આપવા માગતા હોય તો સવારે ૧૦-૩૦ વાગે હાજર રહેવું તેની નોટિસ કરવામાં આવી છે. તપાસ સમિતિનો રિપોર્ટ કલેકટર અને રાજય સરકારને સબમીટ થયા બાદ વાસ્તવિકતા ખૂલે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.