Western Times News

Gujarati News

દેશમાં સતત બીજા દિવસે ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા

Files Photo

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૩ લાખ ૯૩ હજારથી વધુ, હજુ ૬૧૨૮૬૮ એક્ટિવ કેસ

નવી દિલ્હી: ભારતમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ૫૦ હજારથી વધુ નોંધાઈ છે. એક્ટિવ કેસ પણ ૬ લાખથી વધુ છે જે મોટું ચિંતાનું કારણ છે. કોરોનાની બીજી લહેર ધીમી પડી હોવા છતાં જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા એક હજારથી વધુ જ રહે છે. બીજી તરફ રાહતની બાબત એ છે કે, અત્યાર સુધીમાં ૩૦ કરોડ ૭૯ લાખથી વધુ લોકો કોરોનાની રસી લઈ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૧,૬૬૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૩૨૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૧,૩૪,૪૪૫ થઈ ગઈ છે.

બીજી તરફ, દેશમાં કુલ ૩૦,૭૯,૪૮,૭૪૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાની મહામારી સામે લડીને ૨ કરોડ ૯૧ લાખ ૨૮ હજાર ૨૬૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૬૪,૫૨૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૬,૧૨,૮૬૮ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૯૩,૩૧૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. શુક્રવારે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૪ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૯,૯૫,૬૮,૪૪૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૭,૩૫,૭૮૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨૯ કેસ નોંધાયા છે. જેની સામે ૫૦૭ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૨ દર્દીના મોત થયા છે. કુલ મૃત્યુઆંક ૧૦૦૪૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૨૪ ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ ૪૪૨૭ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે,

જેમાં ૫૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૪૩૭૬ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૮૪૧૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૨૬, સુરતમાં ૨૬, વડોદરામાં ૧૫, રાજકોટમાં ૧૪, જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડા, વલસાડમાં ૫-૫, જામનગર, નવસારીમાં ૪-૪, અમરેલી, ભરુચ, દેવભૂમિ દ્વારકામાં ૩-૩, આણંદ, કચ્છ, મહેસાણા, પંચમહાલમાં ૨-૨, ગાંધીનગર, પોરબંદર, સાબરકાંઠામાં ૧-૧ સહિત કુલ ૧૨૯ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.