Western Times News

Gujarati News

કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં ગરમીથી ૪ દિવસમાં ૨૩૦નાં મોત

Files Photo

મંગળવારે લેટનમાં તાપમાન ૧૨૧ ફેરનહીટ થયું, છેલ્લે ૧૯૩૭માં કેનેડામાં ૧૧૩ ફેરનહીટ તાપમાન નોંધાયું હતું

ટોરેન્ટો,  ઠંડા પ્રદેશોમાં સામેલ કેનેડા હાલમાં આકરી ગરમીમાં શેકાઈ રહ્યું છે. ગરમીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગરમીના કારણે લોકો મરી રહ્યા છે. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં ચાર દિવસમાં ૨૩૦થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં ગરમીએ સળંગ ત્રીજા દિવસે રેકોર્ડ તોડ્યો છે. મંગળવારે લેટનમાં તાપમાન ૧૨૧ ફેરનહીટ પહોંચ્યું હતું.

રવિવાર અગાઉ કેનેડામાં તાપમાન ક્યારેય ૧૧૩ ફેરનહીટથી વધ્યું ન હતું. છેલ્લે ૧૯૩૭માં કેનેડામાં ૧૧૩ ફેરનહીટ તાપમાન નોંધાયું હતું. કેનેડાના વેધર સર્વિસે જણાવ્યું હતું કે, આકરી ગરમીનું વર્ણન કરવા માટે શબ્દો નથી અને બ્રિટિશ કોલમ્બિયામાં નોંધાયેલું રેકોર્ડ તાપમાન લાસ વેગાસમાં નોંધાયેલા સર્વકાલીન રેકોર્ડથી પણ વધી ગયું છે.

૧૦,૦૦૦ વર્ષોમાં એક વખત ઊભી થતી આવી પરિસ્થિતિ હીટ ડોમના કારણે થાય છે. જેનો મતલબ છે કે વાતાવરણમાં ગરમી અત્યંત વધી જાય છે અને તે દબાણ ઊભું કરે છે અને પવનની પેટર્નને પણ અસર કરે છે.

સોમવારે બ્રિટિશ કોલમ્બિયાના લિટનમાં ૧૧૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે કેનેડામાં નોંધાયેલું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. જ્યારે મંગળવારે ૧૨૧ ડિગ્રી પહોંચ્યું હતું. સીએનએનના અહેવાલ પ્રમાણે વેનકુંવરમાં શનિવારે ૯૮.૬ ડિગ્રી જ્યારે રવિવારે ૯૯.૫ અને સોમવારે ૧૦૧.૫ ડિગ્રી નોંધાયું હતું.

પોલીસ સાર્જન્ટ સ્ટીવ એડિસને જણાવ્યું હતું કે, વેનકુંવરમાં અગાઉ આવું તાપમાન ક્યારેય નોંધાયું નથી, કમનસીબે ઘણા લોકો તેના કારણે મૃત્યુ પામી રહ્યા છે. વેનકુવરના કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેમણે અગાઉ ક્યારેય આવી ગરમી અનુભવી નથી. આ હીટ ડોમના કારણે યુએસના વેસ્ટ કોસ્ટને પણ અસર પડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.