Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા રેલ્વે સહાયકોને રેશન કીટનું વિતરણ

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) હંમેશાં રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને જ નહીં પરંતુ સમાજના નબળા વર્ગને પણ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.  આ જ ક્રમમાં, 29 જૂન, 2021 ના રોજ, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલએ બાન્દ્રા ટર્મિનસ સ્ટેશન પર 84 રેલ્વે સહાયકો (કુલી) ને રેશન કીટનું વિતરણ કર્યું હતું.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ બાંદ્રા ટર્મિનસ રેલ્વે સ્ટેશનના સહાયકોને રેશન કીટ વિતરણ કરવામાં આવી છે.  મહામારી અને આંશિક લોકડાઉનને કારણે સહાયકોની આર્થિક સ્થિતિને પ્રતિકૂળ અસર થઈ છે, જેના કારણે તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

માનવતાવાદી અભિગમ અપનાવતા, પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંગઠનએ સહાયકોને સહાય આપવાનું નક્કી કર્યું.

કાર્યક્રમની શરૂઆતમાં, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, મુંબઇ ડિવિઝનના અધ્યક્ષા શ્રીમતી શીલા સત્ય કુમારે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલનું સ્વાગત કર્યું હતું. સહાયકોના મુકાદમ દ્વારા શ્રીમતી કંસલને સમ્માન તરીકે શાલ અને નાળિયેર ભેટ આપવામાં આવ્યા હતા.  શ્રીમતી કંસલે તેમના સંબોધનમાં હાલની મહામારીની પરિસ્થિતિને લીધે પૂરતી કમાણી કરવામાં અસમર્થ એવા સહાયકો પ્રત્યે હાર્દિક સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ, બાન્દ્રા ટર્મિનસ સ્ટેશન પર રેલ્વે સહાયકોને રેશન કીટનું વિતરણ કરતા.  બીજા ફોટોમાં શ્રીમતી કંસલ, શ્રીમતી શીલા સત્ય કુમાર, કારોબારી સમિતિના સભ્યો અને રેલ્વે સહાયકો સાથે જોવા મળી રહ્યા છે.

તેમણે કહ્યું કે સહાયકોને મળીને તેઓ ખૂબ જ ખુશ છે અને જરૂરિયાતમંદ લોકોને ખાસ કરીને જેઓ પશ્ચિમ રેલ્વે પરિવારનો ભાગ છે તેમને સહાય પૂરી પાડવા પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંગઠનનો હંમેશાં પ્રયાસ રહે છે.  સહાયકોની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે તેમની મહેનત અને સેવાથી તેઓ મુસાફરોને તેમનો સામાન વહન કરવામાં મદદ કરે છે જેથી તેમની યાત્રા વધુ આરામદાયક બને.

પ્રત્યેક રેશન કીટમાં 5 કિલો ચોખા, 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો તુવેરની દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠું સમાવિષ્ટ છે. શ્રીમતી કંસલ દ્વારા 84 સહાયકોને રેશન કીટનું વિતરણ કરાયું હતું. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનની સેવાના આ કાર્યથી તમામ સહાયકો અભિભૂત થઈ ગયા હતા અને તેઓએ પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનની ઉદારતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.