Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટના આદેશનો રાજ્ય સરકાર તાત્કાલિક અમલ કરેઃ પરેશ ધાનાણી

ગાંધીનગર: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવાર જનોને આર્થિક સહાય ચૂકવવા તાકિદ કરી છે. આ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવાની માંગણી કરી છે. ઉલ્લેખની છે કે કોરોના મહામારી ‘‘હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરી, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થયેલ તમામ વ્યક્તિઓ અને કોરોનાના કારણે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તા. ૧૦-૦૫-૨૦૨૧ના રોજ પત્ર લખી રાજ્યના માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરી હતી.

સુપ્રીમના તાજેતરના આદેશ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલ તમામ વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા કેન્દ્ર સરકારને તાકીદ કરવામાં આવી છે. કોરોનાના લીધે મૃત્યુ પામનાર લોકોના પરિવારને વળતર આપવાની માંગણી સાથે કરાયેલી અરજી અંગે નામદાર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને વળતર મળવું જાેઈએ. આ રકમ કેટલી હશે તે કેન્દ્ર સરકાર નક્કી કરશે, જ્યારે આ અંગે છ સપ્તાહની અંદર માર્ગદર્શિકા તૈયાર કરવા નામદાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો હતો.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિ હોય કે માનવસર્જીત આપત્તિ હોય, કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાની પડખે રહ્‌?યો છે. રાજ્યમા કોરોનાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી. નામદાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપેલ નિર્દેશથી કોંગ્રેસ પક્ષની માંગણીને સમર્થન મળ્યું છે.

ગુજરાતની પ્રજા છેલ્લા ૨૫-૨૫ વર્ષથી ભાજપને ખોબલે ખોબલે મત આપી રહી છે, પરંતુ કુદરતી કે માનવ સર્જીત આપત્તિમાં સહાય કરવાની વાત આવે કે સરકાર આર્થિક તંગીના રોદણાં રોવે છે. સરકારની જાહેરાત અને તાયફા પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરતી ગુજરાત સરકારને કોંગ્રેસે સુપરત કરેલા આવેદન પત્રમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને રૂ. ૧૦,૦૦૦ આઈસોલેશનમાં સારવાર લેતા દર્દીઓને રૂ. ૨૫,૦૦૦, હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલાં દર્દીઓને રૂ. ૧ લાખ, કોરોનાના શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં રૂ. ૨ લાખ, કોરોનાની આડઅસરથી મૃત્યુ પામેલના પરિવારને રૂ. ૩ લાખ અને કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય આપવાની માગણી કરી હતી.

જાેકે, સત્તાના અહંકારમાં રાચતી ભાજપ સરકારે કાૅંગ્રેસની આ માગણીને ઠુકરાવી દીધી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની આ માનવતાવાદી માગણીનું સમર્થન કરીને સરકારને કોરોનાના દર્દીઓને સહાય માટેનો આદેશ કર્યો છે. આ આદેશને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આવકારી ગુજરાતના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રાજ્યની ભાજપ સરકાર ઝડપથી આર્થિક સહાય આપે તેવી માંગ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.