Western Times News

Gujarati News

ગેમ્સનું વળગણ નાના મોટા દરેકને છે, પણ તેને કારણે કેવી બિમારી થાય છે એ જાણો છો ?

આધુનિક બીમારીનો મુકાબલો કેવી રીતે કરશો?

આજે લાઇફ સ્ટાઇલ ઝડપભેર બદલાઇ રહી છે. માત્ર શહેરોમાં જ નહીં, ગામડામાં પણ લાઇફસ્ટાઇલનો આ ઓળો ઉતર્યો છે. ત્યાંના યુવાનો પણ મોડી મોડી રાત સુધી જાગતા રહી ટોળટપ્પા કરે છે અને મોબાઇલ પર ગેમ્સ રમે છે અને મિત્રો સાથે લાંબી લાંબી વાતો કરે છે ત્યાં આવી સ્થિતિ હોય તો મુંબઇ જેવા મેગાસિટીની તો વાત જ શી કરવી. આજે મોબાઇલ અને મોબાઇલ – ગેમ્સનું વળગણ નાના મોટા દરેકને છે, પણ તેને કારણે કેવી ચિત્રવિચિત્ર વ્યાધિ બિમારી થાય છે એ જાણો છો ? ના તો જાણીએ શારીરિક મુશ્કેલી વ્યાધિ અંગે…

ટેક્સ નેક : તમે તમારું માથુ એકબાજુ નમેલુ રાખી કંઇક સરકાવતા રહો તો તેનું પ્રેશર તમારી ડોક પર આવે છે, એમ સ્પાઇનલ સર્જયનનું કહેવું છે. આ રીતે મોબાઇલ કાન પાસે રાખી લાંબી વાતો કરતાં હો તો અથવા તમને એવી રીતે વાત કરવાની આદત હોય તો લાંબેગાળે તમારા સ્નાયુ પર તેની અસર થશે અને ત્યાં દુઃખાવો અને બળતરા થાય છે – આ પરિસ્થિતિને ટેક્સ-નેક તરીકે ઓળખવામાં આવે છે.

સંશોધકોએ એ શોધી કાઢ્યું છે કે આવી આદતને કારણે હાડકા પાસે વધારાનો ગઠ્ઠો વિકસે છે, જે આપણી ખોપડીના નીચેના ભાગમાં વધતો જાય છે. આથી નિષ્ણાતો એવી ભલામણ કરે છે. તમે તમારા ફોનને આંખની સ્તરે રાખો. એનએચએસ વેબસાઇટ પર આ માટેની કવાયત (એક્સરસાઇઝ) કરવાનું દાખવવામાં આવે છે. જેમાં હળવાશથી તમારી ડોકને હડપચી તરફ લંબાવવાનું કહેવામાં આવે છે.

ગેમિંગ ડિસઓર્ડર – મોબાઇલનો ઉપયોગ કરનારા અગણિત લોકો અનેકવિધ રમતો રમે છે અને આનંદ માણે છે, પણ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુ એચ.ઓ.) એ તાજેતરમાં જ ગેમિંગ ડિસઓર્ડરને સત્તાવાર રીતે માનસિક આરોગ્ય મુદ્દા તરીકે વર્ગીકૃત કરી છે.

આ વ્યાધિનો શિકાર બનનારા અન્ય દરરોજની પ્રવૃત્તિ કરતા વીડિયો ગેમ્સને વધુ અગત્યતા આપે છે. આના ચિહ્નોમાં ઊંઘ ન આવવી અને પોતાની સામાજિક જીવન પ્રત્યે બેદરકારી દાખવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. મોબાઇલ પર ગેમ્સ રમનારામાંથી ૧૦ ટકા લોકો આવી તકલીફનો શિકાર બને છે.

હજુ ગયા વર્ષે કેમ્બ્રિજ ડિક્શનરીમાં આ શબ્દ નોમોફોબિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વ્યાધિનો અર્થ એ થયો કે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવાથી તેમનામાં અસ્વસ્થતા ઉદભવે છે અને તેઓ બેચેની અનુભવે છે યુગોવ સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે કે મોબાઇલ ફોન વાપરનારામાં ૫૩ ટકા લોકો તેના વિના (એટલે કે મોબાઇલ વિના) અસ્વસ્થતા અને ચિંતા અનુભવે છે અને અત્યંત વિકટ પરિસ્થિતિમાં પીડાનો હુમલો પણ થઇ શકે છે. આમ છતાં જર્નલ ઓફ સોશિયલ એન્ડ ક્લિનિકલ સાઇકોલોજીના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યુ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર દિવસ દરમિયાન ૫૦ મિનિટ જ વિતાવવાની મર્યાદા પાળો તો થોડા દિવસમાં પીડા દૂર થઇ શકે.

સ્માર્ટફોન થમ્બ :  સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા ૪૩ ટકા લોકો તેમના અંગુઠાની પીડાનો સામનો કરે છે, એવું એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે. આટલું જ નહીં, સ્માર્ટફોન વાપરનારાને આંગળીનો વધુ પડતો ઉપયોગ કરવાથી આંગળીની પીડા, કાંડા અને કોણીથી પહોંચી સુધીનો હિસ્સો દુખવા લાગે છે અને ગોટલા ચડવા માંડે છે.

આને કારણે કાંડાને લગતી વ્યાધિ પણ થઇ છે જ્યાં સંવેદનતંતુ દબાય જાય છે અથવા તેમાં બળતરા થવા લાગે છે. ધ અમેરિકન એકેડેમી ઓફ ઓર્થોપેડિકના સર્જયને એવી ચેતવણી ઉચ્ચારી છે કે મોબાઇલ ફોનનો લાંબો સમય ઉપયોગ કરવાથી હાથ વાળવામાં મુશ્કેલી ઉદભવી શકે છે.

આ સિન્ડ્રોમને કારણે તમને બરણીનું ઢાંકણ ખોલવું મુશ્કેલીરૂપ બને છે. આવી પરિસ્થિતિમાં વધુ ટાઇપ કરવાને બદલે વોઇસ-મેસેજનો ઉપયોગ કરવો અને નિયમિત હાથ વાળવાથી હાથને થતાં નુકસાનને મર્યાદિત કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.