Western Times News

Gujarati News

ઈશાન કિશને પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રેમદાસા સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતના યુવા વિકેટકીપર બેટ્‌સમેન ઈશાન કિશને પર્દાપણ કર્યુ છે. ઈશાન કિશન માટે વનડે ડેબ્યૂ ખાસ રહ્યુ કારણ કે આજે તેનો જન્મદિવસ છે. ઝારખંડના યુવા બેટ્‌સમેને પોતાની પ્રથમ ઈનિંગમાં ધમાકો કરી દીધો છે.

જન્મદિવસના ખાસ દિવસે પર્દાપણ કરનાર ઈશાન કિશને ક્રિઝ પર આવતા પ્રથમ બોલ પર સિક્સ ફટકારી. તેણે છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ધનંજયના માથા ઉપરથી હવામાં શોટ રમ્યો હતો. ત્યારબાદ તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઇશાન કિશને ૩૨ બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. રસપ્રદ વાત એ પણ છે કે કિશને ટી૨૦ ડેબ્યૂમાં પણ ચોગ્ગો ફટકારી શરૂઆત કરી હતી.

ઈશાન કિશન પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ઈશાન કિશને આ વર્ષે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી૨૦ સિરીઝમાં ક્રિકેટના નાના ફોર્મેટમાં પર્દાપણ કર્યુ હતું. તેણે અમદાવાદમાં પોતાની પ્રથમ ટી૨૦ ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી હતી. તો વનડે ક્રિકેટમાં પણ પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી દીધી છે. ઈશાન કિશન ૪૨ બોલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૯ રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી રોબિન ઉથપ્પાએ પોતાના વનડે અને ટી૨૦ પર્દાપણ ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે ઈશાન કિશન ભારતનો બીજાે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ૧૬મો ખેલાડી છે જેણે જન્મદિવસ પર ડેબ્યૂ કર્યુ છે. ભારત તરફથી ઈશાન પહેલા ગુરૂશરણ સિંહ એકમાત્ર ખેલાડી હતા, જેણે પોતાના જન્મદિવસના દિવસે પર્દાપણ કર્યુ હતું. તેમણે ૧૯૯૦માં હેમિલ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરિયરની શરૂઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.