Western Times News

Gujarati News

ભારતે શ્રીલંકા વિરુદ્ધ સતત નવમી સિરીઝ જીતી, શ્રીલંકાને સૌથી વધુ વખત હરાવવાનો રેકૉર્ડ પણ બનાવ્યો

મુંબઇ: ટીમ ઇન્ડિયાએ ૩ વન-ડે મેચની સિરીઝમાં બીજી મેચમાં શ્રીલંકાને ૩ વિકેટથી હરાવી એમાં ૨-૦ની અજેય સરસાઇ મેળવી લીધી છે. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં દીપક ચહર(૬૯ નોટ આઉટ) હીરો બન્યો હતો. ભુવનેશ્વર કુમાર(૧૯ નોટ આઉટ) સાથે તેમની ૮૪ રનની પાર્ટનરશિપની મદદથી ભારતને આ જીત મળી હતી. આ મેચ દરમિયાન ૫ મોટા રેકોર્ડ પણ બન્યા હતા. ચાલો, એ તમામ રેકોર્ડ્‌સ પર એક નજર કરીએ.

૧. શ્રીલંકા વિરુદ્ધ સતત ૯મી સિરીઝ જીત ભારતે શ્રીલંકાની વિરુદ્ધ સતત ૯મી દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાં જીત મેળવી છે. દુનિયાની બીજી કોઇ પણ ટીમ સતત શ્રીલંકાને હરાવી નથી શક્યું. સતત ૭ સિરીઝ જીતીને પાકિસ્તાન આ યાદીમાં બીજા નંબરે છે.

૨. શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ વન-ડે જીતનો વર્લ્‌ડ રેકોર્ડ આ ભારતની શ્રીલંકા વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ૯૩મી જીત છે. એ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે સૌથી વધુ જીત મેળવી લેનારી ટીમ બની ગઈ છે. ભારતે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો. પાકિસ્તાન, શ્રીલંકા સામે ૯૨ મેચ જીતી છે.

૩. ટૉપ-૩ બેસ્ટમેનમાં કોઈએ ફિફ્ટી ના મારી તેમ છતાં જીત મળી ભારતના ટોપ-૩ બેસ્ટમેન પૃથ્વી શૉ(૧૩), શિખર ધવન(૨૯), ઇશાન કિશન(૧)માંથી કોઇપણ અર્ધસદી મારી શક્યા નહોતા. એમ છતાં ભારતે ૨૭૬ રનનો ટાર્ગેટ પાર કર્યો. ૨૦૧૫માં ઝિમ્બાબ્વેની સામે ઑકલેન્ડમાં થયેલી મેચ પછી પહેલીવાર આવું બન્યું છે. ૨૦૧૫માં ભારતે ટૉપ ઓર્ડરના ના રમ્યા સિવાય પણ ૨૮૮ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

૪. નંબર-૮ અને તેના નીચેના ક્રમની શ્રીલંકાની વિરુદ્ધ સૌથી મોટી ભારતીય ઇનિંગ્ઝ દીપક ચહરે નંબર ૮ પર બેટિંગ કરતાં અણનમ ૬૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા સામે વન-ડેમાં ભારતીય ખેલાડીની આ સર્વોચ્ચ ઇનિંગ્ઝ છે, જે નંબર ૮ પર અથવા એનાથી નીચે બેટિંગ કરી હતી. અગાઉનો રેકોર્ડ રવીન્દ્ર જાડેજાના નામે હતો. જાડેજાએ ૨૦૦૯માં કોલંબોમાં ૬૦ રનની અણનમ ઇનિંગ રમી હતી. એકંદરે ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સના નામે શ્રીલંકા સામે સૌથી નીચેના ક્રમે મોટી વન-ડે ઇનિંગ્ઝ રમવાનો રેકોર્ડ છે. વોક્સે ૨૦૧૬માં નોટિંગહામમાં અણનમ ૯૫ રન બનાવ્યા હતા.

૫. સફળ રન ચેઝમાં ભારતના નંબર-૮ના બેટ્‌સમેનની સૌથી મોટી ઇનિંગ્ઝ ચહર લક્ષ્યનો પીછો કરતી વખતે નંબર ૮ પર અથવા એનાથી નીચે બેટિંગ કરીને સૌથી મોટી મેચ વિનિંગ ઇનિંગ્ઝ ફટકારનાર ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. તેણે અજિત અગરકરનો રેકોર્ડ તોડ્યો છે. અગરે વર્ષ ૨૦૦૦માં ઝિમ્બાબ્વે સામે ૬૭ રન બનાવીને ભારતને જીત અપાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.