Western Times News

Gujarati News

અમદાવાદમાં ૩૦ એન્ટિજન ટેસ્ટ ડોમ શરૂ કરવામાં આવ્યા

File

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના આંકડા જાેઈએ તો કોરોના કાબૂમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ દુનિયામાં યુકે, સ્પેન સહિતના દેશોમાં ફરી એકવાર કોરોનાના વધતાં કેસોને જાેઈને ગુજરાત સરકાર પણ સાવચેત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કેસો ઘટતાં જ આકરા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે જેના પગલે હરવા-ફરવાના સ્થળથી લઈને શહેરની દરેક બજારમાં ભીડભાડ જાેવા મળી રહી છે. તો આગામી એક મહિનામાં તહેવારોની સીઝન પણ શરું થઈ રહી છે ત્યારે કોરોનાની સંભિવત ત્રીજી લહેર માટે આગમચેતી સ્વરુપે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઈને અમદાવાદમાં પણ ફરી જુદાં જુદાં વિસ્તારોમાં ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે.

ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તેમાં પણ આજે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અમદાવાદની ૭૦થી વધુ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડ બેડની ઓક્યુપન્સી ઝીરો થતાં એટલે કે આ હોસ્પિટલના ૩૦૦૦થી પણ વધુ કોવિડ બેડમાં એક પણ કોરોના દર્દી નથી. શહેરમાં ઘટતાં કોરોના પ્રકોપ સાથે થોડા સમય પહેલા જ મોટાભાગના ટેસ્ટિંગ ડોમ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં બિન્દાસ્ત પણ બહાર નીકળતાં લોકો પણ હવે સાવધ બન્યા છે અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં ટેસ્ટ કરાવનારા લોકોની પણ સંખ્યા પણ વધી રહી છે.

કોરોના ઘટાતાં જ લોકો રાજ્યના જુદા જુદા ટુરિસ્ટ સ્પોટ પર જતા લોકો કોરોના નિયમોને નેવે મૂકી રહ્યા હોય તેવી અનેક તસવીરો સામે આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦ નવા અને ૧૦ જૂના ડોમ એમ મળીને કુલ ૩૦ રેપિડ એન્ટીજેન ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે. મળેલી માહિતી મુજબ આ ૩૦ ડોમમાં રોજ ૫૦ રેપિડ એન્ટિજન ટેસ્ટ અને ૫૦ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, એક સમયે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં જ નોંધાતા હતા, પરંતુ રાહતની વાત એ છે કે હવે સિંગલ ડિજીટમાં જ કેસ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ શહેરમાં અને રાજ્યમાં રસીકરણ પણ ધીમે ધીમે ગતી પકડી રહ્યું છે.

શહેરમાં મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક ૪૫,૮૪૪ નાગરિકને કોરોનાની રસી આપવામાં આવી હતી. અગાઉ ૩ જુલાઈએ ૪૪,૫૪૦ને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ એમાં ક્રમશઃ ઘટાડો થયો હતો. જાે આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહે તો આગામી થોડા મહિનામાં ૧૦૦ ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી જશે. શહેરમાં અત્યાર સુધીમાં ૩૪,૨૮,૬૨૭ને રસી અપાઈ છે, જેમાં ૨૬.૯૭ લાખે પ્રથમ અને ૭.૩૧ લાખને બીજાે ડોઝ અપાયો છે. આ ઉપરાંત મહત્વનું છે કે ૨૦ જુલાઈ મંગળવારના રોજ ગુજરાતમાં ૨૪ જૂન બાદ પ્રથમવાર એક જ દિવસમાં ૪ લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.